પરમાર, પારુલ

March, 2026

પરમાર, પારુલ (જ. 20 માર્ચ 1973, ગાંધીનગર, ગુજરાત) : ગુજરાતની પ્રસિદ્ધ પૅરાબૅડમિન્ટન ખેલાડી.

પારુલના પિતા દલસુખભાઈ રાજ્યકક્ષાના બૅડમિન્ટન ખેલાડી હતા. ત્રણ વર્ષની વયે પારુલ પોલિયોગ્રસ્ત બન્યાં. અધૂરામાં પૂરું તેમને ત્રણ વર્ષની વયે જ ગંભીર અકસ્માત નડ્યો. તેઓ હીંચકા ઉપરથી પડી ગયા અને તેમના પગમાં અને કૉલર બોનમાં ફ્રેક્ચર થયું. આખા શરીરે પ્લાસ્ટર  આવ્યું. સાજા થવામાં ખૂબ સમય લાગ્યો. પ્લાસ્ટર હટાવ્યા પછી ડૉક્ટરે પણ પારુલને વધુમાં વધુ કસરત કરવાની સલાહ આપી. પિતા તો રોજ પ્રેક્ટિસ કરવા સ્થાનિક બૅડમિન્ટન ક્લબમાં જતા જ હતા. પારુલ પણ પિતા સાથે ક્લબમાં જવા માંડ્યાં. ધીમે ધીમે તેમને રમતમાં રસ પડવા લાગ્યો. તેઓ પાડોશીના બાળકો સાથે પણ બૅડમિન્ટન રમતાં. સ્થાનિક કૉચ સુરેન્દ્ર પારેખે તેમનું કૌશલ્ય પારખી તેમને રમતને ગંભીરતાથી લેવાનું સૂચન કર્યું. આમ તેમની બૅડમિન્ટન રમતની કારકિર્દીની શરૂઆત થઈ.

મક્કમ  મનોબળ, દૃઢ ઇચ્છાશક્તિ, અથાગ મહેનત અને પરિશ્રમથી તેઓ પૅરાબેડમિન્ટન મહિલા સિંગલ્સમાં એસ.એલ. 3 શ્રેણીમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ રહ્યાં છે.

2002માં પારુલે પૅરાબૅડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ પછી તેમણે દેશ-વિદેશમાં અનેક પૅરાબૅડમિન્ટન સ્પર્ધાઓ જીતી. 2017માં તેઓ બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) પૅરાબૅડમિન્ટન વિશ્વ સ્પર્ધામાં સિંગ્લસ અને ડબલ્સમાં સુવર્ણચંદ્રક જીતી ચૂક્યાં છે. સિંગલ્સ ફાઇનલમાં તેમણે થાઇલૅન્ડની વન્નાફાટડી કામતામ (Wannaphatdee Kamtam)ને હરાવી આ ખિતાબ મેળવ્યો હતો. જાપાનની અકીકો સુગીનો સાથે મળીને તેમણે ડબલ્સનો સુવર્ણચંદ્રક જીત્યો હતો.

2014 અને 2018માં પણ તેઓ એશિયાઈ પૅરા રમતોમાં મહિલા સિંગલ્સમાં એસ.એલ. 3 શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યાં છે. તે ઉપરાંત 2018માં થાઇલૅન્ડ પૅરાબૅડમિન્ટન ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ મહિલા સિંગલ્સ એસ.એલ. 3 શ્રેણીમાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. 2014માં એશિયાઈ પૅરા રમતોમાં પણ તેઓ કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યાં હતાં. 2015 BWF પૅરાબૅડમિન્ટન વિશ્વસ્પર્ધામાં, રાજકુમારની સાથે મિક્સ્ડ ડબલ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

તેઓ ત્રણ વખત વિશ્વ ચૅમ્પિયન રહી ચૂક્યાં છે અને 2014 એશિયાઈ પૅરા રમતો(સાઉથ કોરિયા)માં સુવર્ણ અને રજત ચંદ્રક મેળવી ચૂક્યાં છે. 2019માં પણ તેમણે કોરિયામાં યોજાયેલ પૅરાબૅડમિન્ટન વિશ્વસ્પર્ધામાં મહિલા સિંગલ્સ અને ડબલ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યા છે અને શ્રેષ્ઠ રમત રમી દેશને ગૌરવ અપાવ્યું છે.

તેઓ સ્પૉર્ટ્સ ઑથોરિટી ગુજરાત સાથે ડિસ્ટ્ર્રિક્ટ કોચ તરીકે સેવાઓ આપે છે અને ગુજરાતના ગાંધીનગરમાં રહે છે.

પારુલની સિદ્ધિઓ બદલ તેમને 2009માં ભારત સરકાર દ્વારા ‘અર્જુન ઍવૉર્ડ’ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ગુજરાત સરકાર દ્વારા તેને ‘એકલવ્ય’ ઍવૉર્ડ એનાયત થયો છે.

અમલા પરીખ