પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ (જ. 6 નવેમ્બર 1910, વાંકાનેર; અ. 21 જૂન 1991, રાજકોટ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસેનાની અને લેખક. પત્રકાર, નવલકથાકાર, નાટ્યલેખક તેમજ લોકસાહિત્યના સંપાદક, સંશોધક અને વિવેચક. પિતા પ્રાગજીભાઈ ત્રણ ગામના તાલુકદાર. પિતાનું અવસાન થતાં મોસાળ(મોરબી)માં ઊછર્યા. અભ્યાસ છ ધોરણ સુધી. અગિયાર વર્ષ પછી એક દાયકો રઝળપાટમાં ગાળ્યો અને તે દરમિયાન તળપદા ગ્રામજીવનનો નજીકથી પરિચય કેળવાયો. દરમિયાન યથાવકાશ દક્ષિણામૂર્તિ, કાશીવિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા પણ પ્રમાણપત્રો લેવાથી દૂર રહ્યા. ઉંમરના ત્રીજા અને ચોથા દાયકા દરમિયાન સ્વાતંત્ર્યચળવળ અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાયા. 1930માં વાંકાનેરના સત્યાગ્રહમાં ઝંપલાવ્યું. અમરેલીમાં વિદેશી કાપડનીતિના વિરોધમાં ઉપવાસ પર ઊતર્યા. ધ્રાંગધ્રાની લડતમાં આકરા જુલ્મો સહન કર્યા. ધ્રોળ-વણોદ અને રાજકોટના સત્યાગ્રહોમાં પણ ભાગ લીધો. પરિણામે સાબરમતી અને વિસાપુરની જેલમાં છ માસનો કારાવાસ ભોગવ્યો. લડત દરમિયાન અવકાશના સમયમાં ભાલનાં ગામડાંઓમાં લોકજાગૃતિનું કામ કર્યું. 1939થી 1942 દરમિયાન ઝવેરચંદ મેઘાણી સાથે રાણપુરમાં ‘ફૂલછાબ’ સાપ્તાહિકના સહતંત્રી થયા અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો તેમજ લોકોના પ્રશ્નોને નિર્ભીકપણે વાચા આપવા લાગ્યા. મેઘાણીની પ્રેરણાથી નિરંજન વર્મા સાથે લોકસાહિત્યના સંપાદન-પ્રકાશનની પ્રવૃત્તિ શરૂ કરી. સ્વરાજ્યપ્રાપ્તિ પછી વિશેષ રૂપે લોકસાહિત્યને જનસમુદાય સમક્ષ પ્રસ્તુત કરવાની કામગીરી ઉપાડી. ‘સૌરાષ્ટ્ર રાસોત્સવ’, ‘સૌરાષ્ટ્ર લોકસાહિત્યસભા’, ‘લોકસાહિત્ય પરિવાર’ના કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય સ્તરે લોકસાહિત્યનાં બળવત્તર પાસાંઓનો પ્રભાવકારી પરિચય કરાવ્યો. દુલા કાગ, મેરુભા, કાનજી ભુટા બારોટ જેવા લોકસાહિત્યના આરાધકો-ઉપાસકોની ખોજ જયમલ્લભાઈએ કરેલી અને આ કારણે તેઓ રાજકોટમાં આકાશવાણીનું કેન્દ્ર મેળવવામાં સફળ થયેલા.
1950થી 1956 સુધી તેઓ ‘ફૂલછાબ’ દૈનિક(રાજકોટ)ના તંત્રીપદે રહ્યા. 1960થી 1965 સુધી ‘કલ્યાણયાત્રા’ના અને 1967થી 1979 સુધી ‘ઊર્મિનવરચના’ના તંત્રીપદે રહ્યા. 1975થી 1977 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક-વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપનકાર્ય કર્યું. 1979માં ‘ઊર્મિનવરચના’ના મુખ્ય તંત્રી થયા પછી એ સામયિકને લોકસાહિત્ય-લોકસંસ્કૃતિનું વાહન બનાવ્યું અને એના પંદર જેટલા સમૃદ્ધ વિશેષાંકો આપ્યા. 1986થી એમણે લોકસંતો અને તેમનાં સ્થાનકો દ્વારા થયેલ બહુવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પરિચય કરાવવાનું કાર્ય આરંભ્યું. તેમાં એમને રાજુલ દવેનો સહકાર સાંપડ્યો. ‘સેવાધરમનાં અમરધામ’ શીર્ષકથી ત્રણેક વર્ષ સુધી ‘ફૂલછાબ’માં દર સપ્તાહે લેખમાળા રૂપે પ્રગટ થયેલો એ સ્વાધ્યાય પાછળથી દળદાર ગ્રંથ રૂપે પણ ઉપલબ્ધ થયો.
સર્જક તરીકે તેમનું પ્રદાન લોકસાહિત્યને ક્ષેત્રે વિશેષ થયેલું છે. નિરંજન વર્મા સાથે 1950 સુધી સાહિત્યસર્જન કર્યું. આઝાદી અને રાષ્ટ્રોત્થાનના વિષયવસ્તુવાળી ‘ખંડિત ક્લેવરો’, ‘અણખૂટ ધારા’, ‘કદમ કદમ બઢાયે જા’ અને ‘ધરતીનો સાદ’ નામની નવલકથાઓ; દેશદેશની લોકકથાઓના સંદર્ભમાં ‘લોકકથા ગ્રંથાવલિ 1-2-3’; ‘દોલતપરી’, ‘ગંડુરાજા’, ‘પાકો પંડિત’, ‘ફૂલવંતી’ બાળકો અને કિશોરો જેવા માટેના લોકકથાસંગ્રહો; ‘પક્ષીપરિચય ગ્રંથાવલિ’મા ‘આંગણાના શણગાર’, ‘કંઠે સોહામણાં’, ‘પ્રેમી પંખીડાં’ વગેરે રચનાઓ; કિશોરોને પ્રેરણારૂપ બની રહે એવા ‘કાઠિયાવાડના ઘડવૈયા’, ‘જીવનશિલ્પીઓ’, ‘શાહનવાઝની સંગાથે’ વગેરે ચરિત્રગ્રંથો; ‘સાંબેલાં’ અને ‘અમથી ડોશીની અવળવાણી’ જેવાં કટાક્ષકાવ્યો; ‘ગગનને ગોખે’ તેમજ ‘આકાશપોથી’ જેવી વિજ્ઞાનલક્ષી પુસ્તિકાઓ; ‘સરહદ પાર સુભાષ’ નામનો અનુવાદ વગેરે એમની ધ્યાનપાત્ર રચનાઓ છે.
સહલેખક નિરંજન વર્માના અવસાન પછી પણ તેમની લેખનપ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રહી. ‘આપણી લોકસંસ્કૃતિ’, ‘આપણાં લોકનૃત્યો’, ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’, ‘લોકસાહિત્ય વિમર્શ’ અને ‘લોકસાહિત્ય: તત્ત્વદર્શન અને મૂલ્યાંકન’ એવા પાંચ વિશિષ્ટ ગ્રંથો ઉપરાંત ‘ભૂદાન’ નામે ત્રિઅંકી નાટક, ‘લોકવાર્તાની રસલ્હાણ 1-2’, ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’, બાળકો માટે ‘શેખચલ્લી ગ્રંથાવલિ’ તેમજ હિંદીમાં લખેલ ‘ખાંભી ઔર પાળિયા’ તેમની મહત્ત્વની કૃતિઓ છે.
પ્રવીણચંદ્ર પરીખ