પરમાણુ-ક્રમાંક

February, 1998

પરમાણુક્રમાંક : તત્ત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક ધનવીજભારીય કણો(પ્રોટૉન)ની સંખ્યા. સંજ્ઞા Z. વીજતટસ્થ પરમાણુ માટે, તેના નાભિકની ફરતે વિવિધ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રૉનોની સંખ્યા પણ પ્રોટૉન જેટલી જ હોય છે. આ સંખ્યા આવર્તક કોષ્ટકમાં તત્ત્વનું સ્થાન દર્શાવવા ઉપરાંત તેના ગુણધર્મો નક્કી કરે છે. પરમાણુ-ક્રમાંક તત્ત્વની સંજ્ઞાની પહેલાં નીચેના ભાગમાં લખવામાં આવે છે; દા. ત., 1H, 92U. એક જ પરમાણુ-ક્રમાંક (Z) ધરાવતા પરમાણુઓ એક જ તત્ત્વના હોય છે. તેમને સમસ્થાનિકો કહે છે. સૌથી હલકા હાઇડ્રોજન તત્ત્વનો પરમાણુ-ક્રમાંક 1(Z = 1) છે, જ્યારે કુદરતમાં મળી આવતા સૌથી ભારે તત્ત્વ યુરેેનિયમને પરમાણુ-ક્રમાંક 92 (Z = 92) છે.  કેટલાંક તત્ત્વો કૃત્રિમ રીતે પણ બનાવવામાં આવ્યાં છે. પરમાણુના વિકિરણક્રિયાજન્ય ક્ષય (radioactive decay) દરમિયાન તત્ત્વનો પરમાણુ-ક્રમાંક બદલાય છે; દા. ત.,

α ઉત્સર્જન માટે Z → Z − 2,

β    ’’                 Z → Z + 1

તથા

β+ ઉત્સર્જન અથવા ઇલેક્ટ્રૉન પ્રગ્રહણ (capture) માટે Z → Z − 1.

જગદીશ જ. ત્રિવેદી