પરમાણુભાર : ચોક્કસ સમસ્થાનિકીય સંઘટન ધરાવતા રાસાયણિક તત્ત્વના પરમાણુઓના સરેરાશ દળ (mass) અને કાર્બન
12 (126C) પરમાણુના દળના 1/12 ભાગનો ગુણોત્તર. પરમાણુ અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે; દા. ત., કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રા. થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુનાં દળ દર્શાવવા ‘પરમાણ્વીય દળ એકમ’ (atomic mass unit) તરીકે ઓળખાતો એકમ ઉપયોગમાં લેવામાં આવે છે અને તેને માટે સંજ્ઞા u વપરાય છે. 1961માં એકીકૃત (unified) પરમાણ્વીય દળના એકમ તરીકે કાર્બનના સૌથી વિપુલ સમસ્થાનિક કાર્બન-12ના પરમાણુના બારમા ભાગ જેટલા દળને લેવામાં આવ્યું અને તે મુજબ કાર્બન-12નો પરમાણુભાર બરાબર 12u લેવામાં આવ્યો. આને ‘ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ ફિઝિક્સ’ તથા ‘ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી’ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી.
આ અગાઉ ઓગણીસમી સદીમાં હાઇડ્રોજનને માનક તરીકે ગણી તેનો પરમાણુભાર 1 લેવામાં આવેલો. તે પછી 1900થી લગભગ 1961 સુધી ઑક્સિજનને સંદર્ભ માનક ગણી તેનો પરમાણુભાર 16 લેવામાં આવેલો.
જો તત્ત્વ બે અથવા વધુ સમસ્થાનિકો ધરાવતું હોય તો દરેક સમસ્થાનિકના પરમાણુનાં વજનો જુદાં જુદાં હોવાથી તત્ત્વનો પરમાણુભાર આ સમસ્થાનિકોનાં પ્રમાણ અને તેમનાં દળ ઉપર આધાર રાખે છે. કુદરતી રીતે પ્રાપ્ય (વિકિરણધર્મી તત્ત્વોની નીપજો સિવાયના) તત્ત્વનું સમસ્થાનિકીય સંઘટન લગભગ નિયત હોય છે અને તત્ત્વનો પરમાણુભાર આ કુદરતી (સમસ્થાનિકીય) મિશ્રણના પરમાણુઓનું સરેરાશ દળ સૂચવે છે; દા. ત., ક્લોરિનનો પરમાણુભાર 35.453 પ.દ. એ. (a.m.u.) છે. આ મૂલ્ય ક્લોરિનના બે સમસ્થાનિકો, 35Cl (પરમાણુભાર = 34.96885) અને 37Cl (પરમાણુભાર = 36.96590), જે પ્રમાણમાં હાજર હોય તે તેનું સરેરાશ મૂલ્ય છે. હાલ જોવા મળતાં પરમાણુભારનાં કોષ્ટકો 12C માપક્રમ પર આધારિત છે. તે મુજબ સામાન્ય કાર્બનનો પરમાણુભાર 12.01115 થાય.
પરમાણુભાર નક્કી કરવા માટે ચાર રીતો જાણીતી છે : (અ) સંયોજી વજન ગુણોત્તર(combining weight ratio)ની રીત, (બ) ઍવોગેડ્રો નિયમનો ઉપયોગ કરતી વાયુઘનતાની રીત, (ક) દળ સ્પેક્ટ્રમિકી (mass spectroscopy), અને (ડ) કેન્દ્રીય પ્રક્રિયા-ઊર્જા પદ્ધતિ. આમાંની પ્રથમ બે રીતો રાસાયણિક માપક્રમમાં, જ્યારે છેલ્લી બે રીતો ભૌતિક (physical) માપક્રમમાં મૂલ્યો દર્શાવે છે.
જગદીશ જ. ત્રિવેદી