પરમદ : ‘પરમદ’ એટલે પરમ મદ કે ઘેન. નીતિનિયમનું પાલન કરી, ઔષધ રૂપે પ્રમાણસર લેવાયેલ મદ્ય એક ઔષધ છે; પરંતુ નિયમબહાર, પ્રમાણબહાર વ્યસન રૂપે મદ્ય લેવાતાં તે શરીરમાં અનેક ભયાનક રોગો પેદા કરે છે અને તેથી અચાનક અકાળે મૃત્યુ પણ થાય છે.

આયુર્વેદમાં વધુ પડતા મદ્યપાનથી ઉત્પન્ન થતાં દર્દોને ‘મદાત્યય’ કે ‘પાનાત્યય’ નામ આપેલ છે.

સુશ્રુત સંહિતાના ઉત્તરતંત્રના 47મા અધ્યાયમાં ‘પાનાત્યય-પ્રતિષેધ’ નામના પ્રકરણમાં અતિ મદ્યપાનથી જન્મતા રોગોમાં પાનાત્યય, પરમદ, પાનાજીર્ણ અને પાનવિભ્રમ નામના રોગોનો ઉલ્લેખ છે.

ભોજન લીધા વિના એકલું મદ્યપાન કરવાથી, અતિમાત્રામાં મદ્યપાન કરવાથી ઉત્પન્ન થતા ‘પરમદ’ રોગમાં વ્યક્તિનાં અંગો ગરમ થઈ જાય છે, ભારે થાય છે. મુખ બેસ્વાદ અને કફ(લાળ)ની અધિકતાવાળું થાય છે. તે ઉપરાંત અરુચિ, ઝાડા-પેશાબનો અવરોધ, ખૂબ તરસ, માથામાં પીડા તથા બધા સાંધાઓમાં શૂળ જેવી પીડા થાય છે.

આ રોગની ચિકિત્સા રૂપે દર્દીને અંબાડો, આંબો (કેરી), દાડમ, બિજોરાંનો રસ વગેરેથી બનેલ શરબત આપવામાં આવે છે. વળી બિજોરા-લીંબુનો રસ નાંખી માંસરસ કે સૂપ પણ અપાય છે. જો પિત્તદોષની ખૂબ અધિકતા જણાય તો ગળો સિવાયના કાકોલ્યાદિ મધુરવર્ગનાં ઔષધોના ઉકાળામાં મધ કે સાકર નાખી તે પિવડાવવામાં આવે છે અથવા મનપસંદ ગંધવાળા ઉત્તમ મદ્યમાં શેરડીનો રસ કે ખૂબ ગોળ નાંખી તે પાઈને દર્દીને ઊલટી કરાવી દેવામાં આવે છે. જો કફદોષની પ્રધાનતા જણાય તો સૂંઠ, પીપર, મરી, જેવાં તીખાં દ્રવ્યોનો સૂપ બનાવી, ખૂબ પાઈ ઊલટી કરાવી દેવામાં આવે છે.

બળદેવપ્રસાદ પનારા