પરબ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સપ્ટેમ્બર, 1960માં તેનો ત્રૈમાસિક તરીકે આરંભ. ‘પરબ’નો પ્રથમ અંક ‘કુમાર’ પ્રિન્ટરીમાં છપાયો હતો. પ્રારંભમાં તેના ચાર સંપાદકો હતા. સર્વશ્રી નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા તથા યશવંત શુક્લ. કાકાસાહેબ કાલેલકરે ‘પરબ’ને આવકારતાં તેના પ્રથમ અંકમાં બહુ સચોટ રીતે લખ્યું હતું કે ‘ગુજરાતી ભાષાના આરોગ્ય, એની શક્તિ, એના વિકાસ અને એની કૃતાર્થતા માટે સતત ચિંતન અને પ્રયત્ન કરનાર પરિષદે પોતાનું તમામ સંકલ્પસામર્થ્ય એકત્ર કરી નિર્ણય કરવાનો આજે દિવસ છે. અમારી ભાષા પૂરેપૂરી સમર્થ નથી અને તે એમ જ રહેવાની એમ કહેવાનો વારો કોઈ દિવસ ન આવો.’
ત્રૈમાસિક હોવા છતાં આરંભમાં ‘પરબ’ અનિયતકાલીન હતું. પીતામ્બર પટેલ, જયંત કોઠારી, મનસુખલાલ ઝવેરી અને ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકારો ‘પરબ’ના સંપાદક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. 1976 સુધી પરબ ત્રૈમાસિક રહ્યું. ભોળાભાઈ પટેલે સંપાદનની કામગીરી સંભાળી પછી 1લી જાન્યુઆરી 1977થી ‘પરબ’ માસિક બન્યું. તે સમયે તેમાં મુખ્યત્વે વિવેચન, સંશોધન કે અભ્યાસલેખો જ પ્રકાશિત થતાં. ત્યાર પછી તેમાં વાચકો-ભાવકોની લાગણી અને માગણીને માન આપીને સાહિત્યના અન્ય પ્રકારો, જેવા કે વાર્તા, કવિતા, નિબંધ, નાટકનો સમાવેશ કરવામાં આવ્યો. પરબે કેટલાક વિશેષાંકો પણ કર્યા છે. જેમાં નર્મદ, ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો, ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો, સાહિત્ય અને પત્રકારત્વ વગેરે નોંધપાત્ર છે.
1989-90માં ભોળાભાઈ પટેલ ‘પરબ’ના તંત્રી બન્યા અને ત્યારબાદ ચંદ્રકાન્ત શેઠ, જયંત પંડ્યા, ચંદ્રકાન્ત ટોપીવાળા જેવા સાહિત્યકાર-વિવેચકોએ સંપાદક તરીકે સેવાઓ આપી છે. હાલ ભરત મહેતા (2021) તેનું સંપાદનકાર્ય સંભાળે છે.
અલકેશ પટેલ