પરંપરા : કોઈ એક જૂથ કે સમુદાયના સભ્યોનાં એવાં સમાન વિચારો, વ્યવહારો, આદતો, પ્રથાઓ તથા સંસ્થાઓ જે મૌખિક સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢીમાં ઊતરે છે; એટલું જ નહિ, અનેક પેઢીઓ સુધી પોતાના મૂળ સ્વરૂપે સચવાઈ રહે છે. આવી પરંપરા જે તે જૂથ, સમુદાય કે પ્રજાની ઓળખ બને છે અને પ્રજા તે ઓળખને વિશિષ્ટતાને – ટકાવી રાખવાના પ્રયત્નો કરે છે. આ પરંપરા જે તે સંસ્કૃતિનું અભિન્ન અંગ હોય છે.
પરંપરાનો ખ્યાલ આધુનિકીકરણના ખ્યાલના સંદર્ભમાં સમજી શકાય. પાશ્ચાત્ય જગતમાં નવજાગૃતિ, સુધારણા તથા ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે આવેલાં અને આવતાં પરિવર્તનોને પરંપરામાં આવેલાં અને આવતાં પરિવર્તનો અથવા આધુનિકીકરણ કહે છે. કોઈ પણ પરંપરા પોતાના બદલાતા જતા સ્વરૂપમાં કેટલી અને કેવી રીતે ટકી રહે છે તે અભ્યાસનો વિષય છે.
ભારત જેવા વિશાળ-સંકુલ રાષ્ટ્રમાં કોઈ એક ‘ભારતીય પરંપરા’ હોઈ શકે ? આપણે જેને ભારતીય પરંપરા કહીએ છીએ તે ગુરુપરંપરા અથવા મહાજન-પરંપરા શિક્ષિત, ભદ્ર, વિચારક તથા મતદર્શક લોકોની પરંપરા છે. ભારતીય સમાજના ઉપલા સ્તરમાં તે વ્યાપક છે. તો ગ્રામીણ, અશિક્ષિત, સ્થાનિક સ્થિતિથી જકડાયેલા લોકોની અનેક પરંપરાઓ – લઘુપરંપરાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. બંને વચ્ચે સંબંધ છે. ગુરુપરંપરા લઘુપરંપરાને વધુ અસર કરે છે.
આધુનિકીકરણના વિશ્વવ્યાપી પ્રવાહમાં આવી બધી પરંપરાઓ લુપ્ત થઈ જશે અને એક આધુનિક, બુદ્ધિપૂત, બિનસાંપ્રદાયિક, વૈજ્ઞાનિક વિચારણાને વરેલો માનવી ઉદ્ભવશે તેવી સમાજવિજ્ઞાનીઓની માન્યતામાં પરિવર્તન આવ્યું છે. આધુનિક બનવા છતાં પોતાની વિશિષ્ટ જૂથઓળખ ટકાવી રાખવા માટે માનવી પોતાની પરંપરાનું જતન કરે છે. તેથી પરંપરા અને આધુનિકતા એકસાથે ટકી રહે છે.
વિદ્યુત જોશી