પબ્બી (1962) : પંજાબી કવયિત્રી પ્રભજોતકૌર(જ. 1924)નો કાવ્યસંગ્રહ. ઉત્કટ ભાવનાઓથી પ્રેરાયેલાં આ કાવ્યોનો સૂર રંગદર્શી કરુણતાથી ભરેલો છે. કાવ્ય સાથે સંગીતનો રુચિકર સમન્વય થયો છે.
પ્રારંભિક કાવ્ય ‘પબ્બી’(પહાડી મેદાન)માં અનુભવસભર પ્રણયજીવનનાં સંસ્મરણો આલેખાયાં છે. કાવ્યબંધની દૃષ્ટિએ મોટા ભાગનાં કાવ્યો ગીત પ્રકારનાં છે. તેમાં પ્રણયજીવનની પરિતૃપ્તિની ક્ષણભંગુરતાનો ભાવ તથા તેની સભાનતાની અભિવ્યક્તિ છે. અંતિમ કાવ્ય ‘પઠાર’(પર્વતીય ઢોળાવ)માં જીવનના જે મનોભાવો નિરૂપાયા છે તેમનો રંગ ફિક્કો છે અને કેવળ હતાશાનાં સંસ્મરણો જ વાગોળવાનાં રહે છે. બે-ત્રણ કાવ્યો(‘પશેમન’, ‘ઍટમ બૉમ્બ તે માહિગીર’ વગેરે)માં યુદ્ધની ભીષણતા તથા પરમાણુબૉમ્બની સંહારકતા જેવા સાંપ્રત સામાજિક વિષયોની છણાવટ છે. એમાંની સચ્ચાઈ તથા તાજગીને કારણે સમકાલીન પંજાબી સાહિત્યમાં આ કાવ્યસંગ્રહનું અનોખું સ્થાન છે.
આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. કેટલીક ભારતીય ભાષા ઉપરાંત યુરોપીય ભાષામાં પણ તેના અનુવાદ થયા છે. ફ્રાન્સની સરકાર તરફથી આ સંગ્રહના ફ્રેન્ચ અનુવાદને પુરસ્કાર અપાયો હતો.
ચન્દ્રકાન્ત મહેતા