પનામા (દેશ)
મધ્ય અમેરિકામાં આવેલો, પશ્ચિમથી પૂર્વ તરફના (ળ જેવા) વળાંકવાળો, સાંકડી ભૂમિપટ્ટીવાળો, નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 7°.00° ઉ. અ.થી 9°.50´ ઉ. અ. અને 77° પ. રે.થી 87° પ. રે.. નહેર, નહેર-વિસ્તાર તથા અખાત. વાસ્તવમાં આ દેશ બે મહાસાગરોને અલગ પાડતી સંયોગીભૂમિ (isthumus) રચે છે. તેની ઉત્તરે ઍટલાન્ટિક મહાસાગરનો કૅરિબિયન સમુદ્ર અને દક્ષિણે પૅસિફિક મહાસાગરનો પનામા અખાત આવેલા છે. પૂર્વમાં કોલંબિયા અને પશ્ચિમે કૉસ્ટા-રીકા છે. આ સંયોગીભૂમિની આરપાર 1904થી 1914માં તૈયાર કરવામાં આવેલી પનામાની નહેર બંને મહાસાગરોને જોડતી હોવાથી જળવાહનવ્યવહાર માટે તેનું ઘણું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ છે. પ્રતિવર્ષ આ નહેરમાં થઈને હજારો જહાજોની અવરજવર થતી રહે છે. જળવ્યવહારમાં આ માર્ગ ટૂંકો પડતો હોવાથી જહાજોને હવે દક્ષિણ અમેરિકાને ફરીને આવવાનું રહેતું નથી; તેથી સમય, ઊર્જા અને નાણાંનો વ્યય થતો અટકી ગયો છે. આંતરરાષ્ટ્રીય વેપારમાળખામાં આ દેશ મહત્ત્વનો ભાગ ભજવતો હોવાથી તેને ‘દુનિયાનો ફાટક’ – crossroad of the world – પણ કહે છે. ઘણાં પરદેશી વેપારી જહાજો વેરો અને મજૂરી ઓછી ચૂકવવા માટે પનામાના ધ્વજના નેજા હેઠળ સફર કરવાનું પસંદ કરે છે.
પનામા ઉત્તર અમેરિકાની દક્ષિણે આવેલા મધ્ય અમેરિકાના છેક દક્ષિણ છેડે આવેલું છે. બંને મહાસાગરોના કિનારા પાસે ભૂમિપટ્ટી નીચાણવાળી છે. તેનું અંતરિયાળ પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળા પર્વતોથી છવાયેલું છે. પૂર્વ તરફ ગીચ જંગલો અને કળણભૂમિ આવેલાં છે. આ વિભાગ લગભગ વસ્તીવિહીન છે.
દેશનો કુલ વિસ્તાર 74,177.30 ચોકિમી. જેટલો છે. દેશની કુલ વસ્તી (2022 મુજબ) 40.38 લાખ જેટલી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી. 32 વ્યક્તિની છે. તે પૈકીની 2/3 વસ્તી મેસ્ટિઝો (અમેરિકી-ઇન્ડિયન અને શ્વેત-વંશીય મિશ્ર પ્રજા) અને મુલાટો(કાળા અને શ્વેત-વંશીય મિશ્ર પ્રજા)થી બનેલી છે અને 1/3 વસ્તી કાળા અને શ્વેત-વંશીય અમેરિકી-ઇન્ડિયનની છે. હકીકતમાં તો, અહીંના સર્વપ્રથમ મૂળ વસાહતીઓ ઇન્ડિયનો જ હતા. ઈ. સ. 1500 પછીના ગાળામાં સ્પૅનિશ લોકોએ તેમને હરાવીને દેશ કબજે કર્યો અને 300 વર્ષ સુધી ત્યાં રાજ્ય કર્યું. 1821માં સ્પેનના કબજામાંથી મુક્ત થઈને તે કોલંબિયાનો એક પ્રાંત બન્યો. 1903માં કોલંબિયા સામે બળવો કરીને તે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો.
આ દેશના ઇતિહાસમાં યુ.એસ.નો મહત્ત્વનો ફાળો રહ્યો છે. યુ.એસ. દ્વારા પનામાની નહેર બાંધવામાં આવી, જે 1914માં પૂરી થઈ. આ નહેરનાં રક્ષણ અને જાળવણી માટે યુ.એસ.ના ઘણા નાગરિકો અને સૈનિકો અહીં આવ્યા અને નહેરના કિનારે અલગ ‘પનામા નહેર વિસ્તાર’ (Panama Canal Zone) બનાવીને રહ્યા. આમ, યુ.એસ. સરકારે નહેરના નિભાવખર્ચની ચુકવણીના બદલામાં ‘નહેર’ અને ‘વિસ્તાર’ પર કબજો જમાવી દીધો. 1977માં આ અંગે બંને દેશો વચ્ચે સંધિ-કરાર થયા. તદનુસાર 1979માં પનામા નહેર વિસ્તાર પનામા દેશને પાછો મળ્યો અને 1999ના ડિસેમ્બરની 31મી તારીખે પનામાની નહેર પણ તેને સોંપી દેવાની શરત હતી.
દેશમાં જુદી જુદી જાતિના લોકસમૂહો વસે છે. વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 2.7% છે. 54% વસ્તી શહેરી અને 46% વસ્તી ગ્રામીણ છે. મુખ્ય શહેરો પનામા, કોલોન અને મિગેલિટો છે. આ ત્રણ મળીને દેશની 75% વસ્તીને આવરી લે છે. પૉર્ટો બેલો અને દઈદ પણ અગત્યનાં શહેરો છે. મેસ્ટિઝો અને મુલાટો મળીને 70%, શ્વેત અને કાળી પ્રજા મળીને 10%થી 15% અને ઇન્ડિયનો આશરે 6% જેટલા છે. બહારના લોકોનું પ્રમાણ 8% જેટલું છે. આખા દેશમાં પનામા નહેર-વિસ્તાર વિવિધ પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ધમધમે છે. ગ્રામીણ વિસ્તાર ખેતીમાં રોકાયેલો રહે છે. પનામા અને કોલોન બંને મુખ્ય બંદરો છે અને નહેરના સામસામે છેડે આવેલાં છે. બંને શહેરોમાં વેપાર, વાણિજ્ય, વાહનવ્યવહાર-કેન્દ્રો વિકસેલાં છે. ત્યાં આધુનિક ઇમારતો, કચેરીઓ, હોટલો, રાત્રિક્લબો, મદ્યપાનકેન્દ્રોની જમાવટ જોવા મળે છે. ત્યાંનાં મુખ્ય બજારો પરદેશી વેપારીઓ, યાત્રિકો, મુસાફરો, ખલાસીઓ અને રહીશોથી ભરચક રહે છે. આમ પનામા અને કોલોન વચ્ચેનો નહેરમાર્ગ તેમજ બાજુનો 16 કિમી. પહોળાઈવાળો વિસ્તાર બારે માસ પ્રવૃત્તિશીલ રહે છે. નહેરના રક્ષણાર્થે આવેલા શ્વેત અમેરિકનોએ નહેરવિસ્તારમાં અમેરિકી ઢબની બાલ્બોઆ અને ક્રિસ્ટોબાલ નામે અલગ વસાહતો સ્થાપી છે અને હવે અહીં જ રહે છે. અહીં આ ‘એલીટ’ વર્ગનું રાજકીય અને આર્થિક વર્ચસ છે. આ સિવાયની બાકીની શ્વેત પ્રજા, મેસ્ટિઝો અને મુલાટો મધ્યમવર્ગીય છે. તેઓ વેપારીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ છે. મોટાભાગની કાળી પ્રજા નહેરની નજીક રહે છે અને મજૂરીનું કામ કરે છે. મોટાભાગના ઇન્ડિયનો ચોકો, ક્યુના અને ગુયામી કહેવાય છે. તેઓ ખેતી અને મચ્છીમારી કરે છે. પરંપરાનો ઢાંચો એવો છે કે સ્ત્રીઓ માટે ઉચ્ચ કેળવણી અને નોકરીની તકો ઓછી છે.
અહીંનો મુખ્ય ખોરાક ચોખા છે. કૉફી અને બિયર તેમનાં મુખ્ય પીણાં છે. સંગીત, વાદ્યો તેમનું મનોરંજન છે. ધાર્મિક-સામાજિક તહેવારો અને પ્રસંગો નૃત્ય, સંગીત અને વિશિષ્ટ વાનગીઓથી ઊજવે છે. બેઝબૉલ, બાસ્કેટબૉલ અને સૉકર તેમની પ્રિય રમતો છે.
લોકવ્યવહારની મુખ્ય ભાષા સ્પૅનિશ છે, કેટલાક ઇન્ડિયનો તેમની સ્થાનિક બોલી પણ બોલે છે, જોકે મોટાભાગના અંગ્રેજી જાણે છે. 95 % લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે, બાકીના પ્રૉટેસ્ટન્ટ છે. કૅથલિક ચર્ચ આગળ પડતાં છે, જ્યાં ધાર્મિક-સામાજિક વિધિઓની ઉજવણી થાય છે. 90 % લોકો લખીવાંચી જાણે છે. 7થી 15 વર્ષનાં બાળકો માટે શિક્ષણ કાયદાની રૂએ નિ:શુલ્ક અને ફરજિયાત બનાવેલું છે, તેમ છતાં ઘણાં બાળકો વચ્ચેથી અભ્યાસ છોડી કામે લાગી જાય છે. પનામા શહેરમાં બે યુનિવર્સિટીઓ પણ છે.
પનામાની સંયોગીભૂમિ આશરે 78,200 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તે પૂર્વ-પશ્ચિમ 660 કિમી. લાંબી અને ઉત્તર-દક્ષિણ સ્થાનભેદે 210 કિમી.થી 48 કિમી. પહોળી છે. નહેર દેશની બરોબર મધ્યમાંથી જ પસાર થાય છે, દેશને પૂર્વ-પશ્ચિમ વિભાગોમાં વિભાજિત કરે છે. દેશની આશરે 98% વસ્તી નહેરની નજીક અને પશ્ચિમમાં રહે છે, પૂર્વ તરફનો મોટો ભાગ જંગલો અને કળણભૂમિવાળો છે, જ્યાં માત્ર 2 % વસ્તી (મુખ્યત્વે ઇન્ડિયનો) રહે છે. ત્યાં કીડીખાઉ (anteaters), આર્મેડિલો, ટેપીર, નાના વાઘ અને વાંદરાં જેવાં જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને પર્વતોમાં પાઇનનાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં છે. કેળ અને કેકાઓ વૃક્ષોનું વાવેતર થાય છે. આ ઉપરાંત ચોખા, મકાઈ, વાલ, શેરડી, કૉફી, તમાકુ, ઢોરમાંસ, દૂધ, ઈંડાં વગેરે અહીંની મુખ્ય પેદાશો છે.
ભૂપૃષ્ઠના ત્રણ વિભાગો પડે છે : મધ્યનો ઊંચાણવાળો પ્રદેશ, કિનારાનો ઍટલાન્ટિકનો નીચાણવાળો પ્રદેશ અને કિનારાનો પૅસિફિકનો નીચાણવાળો પ્રદેશ. પશ્ચિમ સરહદે આવેલો ચિરિકુઈ (બરુ) જ્વાળામુખી સૌથી વધુ ઊંચાઈ(3,475 મીટર)વાળું સ્થાન છે. તેનાથી ફળદ્રૂપ બનેલો મધ્યના ઊંચાણવાળા ભાગનો પહોળો પટ્ટો પૅસિફિક બાજુ તરફ છે. તે મેદાન જેવો લાગતો ઊંચી-નીચી ભૂમિવાળો છે. દેશની મોટા ભાગની ખેતી આ ભાગમાં કરવામાં આવે છે. દેશમાં બધી મળીને લગભગ 500 નદીઓ છે, પરંતુ લાંબા અંતર માટે જળવ્યવહારયોગ્ય માત્ર એક જ નદી તુઈરા છે. તે પૂર્વ પનામામાં 200 કિમી. લંબાઈવાળી છે. અહીં કોઈ ખાસ કુદરતી સરોવર નથી. મોટામાં મોટું સરોવર ગટુન છે, તે 420 ચોકિમી. વિસ્તાર ધરાવે છે અને નહેર બાંધકામ વખતે અહીં આવેલી ચાગ્રીસ નદી પર ગટુન બંધ બાંધી તે તૈયાર કરવામાં આવેલું છે. આ સરોવર પનામા નહેરની મધ્યમાં આવેલું મુખ્ય ભૂમિલક્ષણ બની રહેલું છે.
દેશનો મોટાભાગનો વિસ્તાર હૂંફાળી, વધુ ભેજવાળી, ભારે વરસાદવાળી, અયનવૃત્તીય આબોહવાવાળો છે. વર્ષ આખું તેમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. નીચાણવાળા ભાગોમાં સરેરાશ તાપમાન આશરે 27° સે. જેટલું અને પહાડી પ્રદેશમાં તે આશરે 19° સે. જેટલું રહે છે. ઍટલાન્ટિક બાજુ પર વાર્ષિક 2,500થી 3,800 મિમી. અને પૅસિફિક બાજુ પર 1,750 મિમી. વરસાદ પડે છે.
1914માં પનામા નહેરનું બાંધકામ પૂરું થયા પછી તેમાં વધેલા આંતરરાષ્ટ્રીય જળવ્યવહારને કારણે દેશની આર્થિક સધ્ધરતા પ્રમાણમાં વધી છે. નહેર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં લગભગ 40% લોકો જુદી જુદી રીતે સંકળાયેલા છે. ખેતી, મચ્છીમારી અને શિકારમાં 34% લોકો પ્રવૃત્ત રહે છે. દેશની 25% ભૂમિ ખેતીના ઉપયોગમાં લેવાય છે. નાના પાયા પરના ઉદ્યોગો વિકસ્યા છે. વીજઊર્જાક્ષમતા 4,60,000 kW જેટલી છે. મોટાભાગના વેપારમાં યુ.એસ. પનામાનું સહભાગી રહ્યું છે.
ઇતિહાસ : પનામાની સર્વપ્રથમ મુલાકાત લેનાર યુરોપિયન સ્પેનનો રૉડરિગ દ બેસ્ટિડસ હતો. ક્રિસ્ટૉફર કોલંબસે તેની નવી દુનિયાની ચોથી સફર 1502માં કરેલી, ત્યારે તે પનામાના પૂર્વ કિનારાને ખૂંદી વળેલો. 1513માં વાસ્કો ન્યુનેઝ દ બાલ્બોઆએ આ સંયોગીભૂમિ ઓળંગેલી અને પૅસિફિક મહાસાગરની શોધ કરેલી. ત્યાંના મૂળ રહીશો ઇન્ડિયનો હતા. યુરોપ માટે શરૂઆતમાં પનામાનું મહત્ત્વ માત્ર સ્પેન અને સ્પૅનિશ વસાહતો વચ્ચે અવરજવરના વ્યવહાર પૂરતું મર્યાદિત હતું. 17મી સદી દરમિયાન પનામા સ્પેનનું ધનાઢ્ય વસાહતી કેન્દ્ર ગણાતું હતું. સ્કૉટલૅન્ડે પણ એવી જ વસાહત સ્થાપવા નિષ્ફળ પ્રયાસ કરેલો. પનામામાં સ્થાયી થયેલા વસાહતીઓએ 1821માં સ્પેનથી સ્વતંત્ર થવા માટે જાહેરાત કરી અને કોલંબિયા સાથે જોડાણ કર્યું. 19મી સદીના ઉત્તરાર્ધ સુધી તો દેશની આર્થિક સ્થિતિ સારી ન હતી. 1880-90ના ગાળામાં ફ્રેન્ચ કંપનીએ ફર્ડિનાન્ડ દ લેસેપ્સની રાહબરી હેઠળ આ સંયોગીભૂમિને ખોદીને નહેર બનાવવાનો પ્રયાસ કરેલો. પરંતુ પછીથી તે કામ યુ.એસ.ને સોંપી દીધું. યુ.એસ.ના તત્કાલીન પ્રમુખ થિયોડૉર રૂઝવેલ્ટે પનામાની સ્વાતંત્ર્યચળવળને સમર્થન આપેલું અને તેમની અનુગામી નવી સરકાર આ અંગે અનુકૂળ સંધિકરાર કરશે અને નહેરનું કામ હાથ પર લેશે એવી સ્પષ્ટતા પણ કરેલી. આ પ્રયાસોને પરિણામે 1903માં નવેમ્બરની 3 તારીખે કોલંબિયાથી સ્વતંત્ર થઈ જવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું. યુ.એસ.ની સરકારે પનામા સાથે સંધિ-કરાર કર્યા. ક્રમશ: 1914માં પનામાની નહેર તૈયાર થઈ, પરંતુ નહેરવિસ્તાર અને નહેર પર યુ.એસ.એ પોતાનો કાબૂ જમાવી રાખ્યો. પનામાએ ત્યારપછીનાં વર્ષોમાં વારંવાર કરેલી ચળવળોને પરિણામે નવા કરાર મુજબ 1979માં પનામા નહેરવિસ્તાર સ્વતંત્ર થયો, પનામાને સોંપી દીધો અને પનામા નહેર 1999ની 31 ડિસેમ્બરે સોંપવામાં આવી.
રાજકીય : બંધારણીય રીતે પનામા દેશ ગણતંત્રીય છે. લોકો વાણીસ્વાતંત્ર્ય, ધર્મસ્વાતંત્ર્ય અને અઢાર વર્ષની ઉંમરે મતાધિકારના હકો ભોગવે છે. દેશનો વડો રાષ્ટ્રપ્રમુખ કહેવાય છે. દર પાંચ વર્ષે નૅશનલ ઍસેમ્બ્લી (National Assembly) માટે સામાન્ય ચૂંટણી અને પ્રમુખની ચૂંટણી થાય છે. દેશ નવ પ્રાંતોમાં અને પ્રાંત મ્યુનિસિપલ વિભાગોમાં વહેંચાયેલો છે. પ્રાંતના ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે, જનતા કાઉન્સિલ અને મેયરને ચૂંટી કાઢે છે. દેશમાં ચારેક રાજકીય પક્ષો છે. સુપ્રીમ કૉર્ટનું આધિપત્ય રહે છે. પરંતુ હજારો સભ્યોનું બનેલું જનતા દળ, રાષ્ટ્રીય રક્ષકો વગેરે હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળ દ્વારા સુરક્ષાસેવા અદા કરે છે.
ઓગણીસમી સદીમાં ફ્રેંચોએ પનામા નહેર બાંધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. નવેમ્બર, 1903માં અમેરિકાની મદદથી પનામા કોલંબિયાથી સ્વતંત્ર બન્યું. એ સમયે અમેરિકાએ પનામા નહેર બાંધવાના હક્કો તેની પાસેથી ખરીદી લીધા. એથી નહેર વિસ્તારમાં વહાણોની આવન-જાવન અંગેના કેટલાક ખાસ હક્કો અમેરિકાને મળ્યા.
1968-81 દરમિયાન જનરલ ઓમર ટૉરીજૉસ હરેરાનું લશ્કરી શાસન હતું. 1991માં સરકાર-વિરોધી બળવો નિષ્ફળ ગયો. બંધારણીય સુધારા ધારાસભાએ માન્ય રાખ્યા; પરંતુ રેફરન્ડમ દ્વારા તે અમાન્ય બનાવવામાં આવ્યા. અર્નેસ્ટો પરેઝ બ્લાડેર્સ પનામાના પ્રમુખ ચૂંટાયા. ધારાસભા નૅશનલ ઍસેમ્બ્લીએ બંધારણ સુધારીને અધિકૃત ધોરણે લશ્કરનું ઘટક રદ કર્યું. જાન્યુઆરી, 2000થી નહેર પર પનામા સરકારનો સંપૂર્ણ અંકુશ માન્ય રાખવામાં આવ્યો. આમ પનામા નહેર બન્યાના 85 વર્ષ પછી પનામા સરકારનો તેના પર સીધો અંકુશ સ્થાપિત કરી શકાયો હતો જે તેની સરકાર માટે મહત્ત્વની સિદ્ધિ હતી.
પનામાનો અખાત : પૅસિફિક મહાસાગરનો પનામાની સંયોગીભૂમિની દક્ષિણ બાજુ પર રહેલો જળવિસ્તાર. તેનો પહોળામાં પહોળો ભાગ 185 કિમી. જેટલો અને લંબાઈ 160 કિમી. જેટલી છે. તે પ્રમાણમાં છીછરો છે. પશ્ચિમ પનામાની પર્વતમાળાઓને તે અલગ કરે છે. પશ્ચિમ ભાગ પારીના અખાત તરીકે, ઉત્તર ભાગ પનામાના ઉપસાગર તરીકે અને પૂર્વ ભાગ સાન મીગેલના અખાત તરીકે ઓળખાય છે. આ અખાતમાં આવેલા પર્લ ટાપુઓ પર મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે. અખાતના કિનારે આવેલું પનામા શહેર અખાત માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેલું છે.
પનામા શહેર : મધ્ય અમેરિકાના નાનકડા પનામા દેશનું સૌથી મોટું શહેર અને પાટનગર. સ્થાન 8° 58´ ઉ. અ. અને 79° 32´ પ. રે.. તે પનામા નહેરને પૂર્વ કાંઠે પૅસિફિક મહાસાગરના પનામા અખાત પર આવેલું છે. વિસ્તાર : 275 ચોકિમી. અને વસ્તી 8,80,691 (2013) છે તેમજ મેટ્રો શહેરની વસ્તી 15 લાખ જેટલી છે. વિસ્તાર 2,561 ચો.કિમી. જેટલો છે. દેશની લગભગ 40% વસ્તી એકલા પનામા શહેરમાં રહે છે. વસ્તી પચરંગી છે.
1519માં સ્પેનના પેદ્રો એરિયાસ દ એવીલા નામના સાહસિકે આ શહેરનો પાયો નાખેલો અને સ્પેનના લોકોએ અહીં વસવાટ શરૂ કરેલો. 1671માં સર હેન્રી મૉર્ગન નામના અંગ્રેજ ચાંચિયાની દોરવણી હેઠળની સાહસિક લૂંટારુ ટોળકીએ તેનો નાશ કર્યો, પરંતુ બે જ વર્ષના ગાળા બાદ આ શહેર ફરીથી ઊભું થયું.
આ શહેર ઘણા બહોળા વિભાગોમાં વહેંચાયેલું છે. તે પૈકીનો ઐતિહાસિક વિભાગ પૅસિફિક કિનારા પરના દ્વીપકલ્પને આવરી લે છે અહીં જૂનાં મકાનો અને સાંકડી શેરીઓની હરોળો આવેલી છે. આ મકાનો સ્પૅનિશ લોકોએ સોળમી સદીના ઉત્તરાર્ધનાં વર્ષોમાં બાંધેલાં છે. આ મકાનોનો પછીથી વિનાશ કરવામાં આવેલો. મૂળ શહેરનાં ખંડિયેરો અહીં જોવા મળે છે. તે દ્વીપકલ્પના પૂર્વ ભાગમાં 8 કિમી દૂર છે. શહેરની બહારના અને પરાંઓના ભાગમાં આધુનિક સુખસગવડોવાળી ઊંચી ઇમારતો અને મકાનો આવેલાં છે. શહેરનો કેટલોક ભાગ ઝૂંપડપટ્ટીવાળો પણ છે. શહેરને વીંધીને વૃક્ષોની ઘણી હરોળો જોવા મળે છે. સુંદર ઉદ્યાનો અને સમુદ્રકાંઠાની સમાંતર પહોળા માર્ગો પણ તૈયાર કરવામાં આવેલા છે. શહેરનાં મુખ્ય જાણીતાં મકાનોમાં પૅલેસ ઑવ્ જસ્ટિસ, પ્રેસિડેન્શિયલ પૅલેસનો તેમજ કેથીડ્રલ ટાવરના ખંડિયેરનો સમાવેશ થાય છે.
પનામા શહેરના મોટાભાગના લોકો સરકારી કે નહેર પરની નોકરીઓમાં તેમજ વેપારમાં રોકાયેલા છે. પનામા નહેર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલી હોવાથી યાત્રિકો, મુસાફરો તેમજ અવરજવર કરતા પરદેશીઓની સેવામાં પણ ઘણા લોકો રોકાયેલા છે. શહેરમાં કપડાંનાં, રાચરચીલાનાં, તૈયાર કરવામાં આવતા ખોરાકનાં અને અન્ય જરૂરી પેદાશો માટેનાં કારખાનાં છે. અહીંથી પસાર થતો પાન-અમેરિકન ધોરી માર્ગ આ શહેરને દેશના અન્ય ભાગો સાથે તેમજ ઉત્તરે આવેલા મેક્સિકો અને યુ.એસ.ને જોડે છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય વેપારી માર્ગ પરના તેના મહત્ત્વના સ્થાનને કારણે તે મુખ્ય બંદર પણ બની રહ્યું છે. 1914માં પનામા નહેર શરૂ થયા પછી તો તે દુનિયાના વેપાર અને વાહનવ્યવહારનું એક અગત્યનું કેન્દ્ર ગણાય છે.
પનામા નહેર : દુનિયાની સૌથી મહાન ઇજનેરી સિદ્ધિ તરીકે ગણાતી મધ્ય અમેરિકાની જહાજી નહેર. લશ્કરી વ્યૂહાત્મક અને વાણિજ્યના મહત્ત્વની દૃષ્ટિએ સુએઝની નહેર પછી તે બીજા ક્રમે આવે છે. જહાજોની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી આ નહેર ઍટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરોને જોડે છે. 19મી સદીના અંત સુધી ન્યૂયૉર્કથી સાનફ્રાન્સિસ્કો જવા માટે જહાજોને દક્ષિણ અમેરિકા ફરીને જવું પડતું હતું. આ પ્રદક્ષિણા કરવામાં 20,900 કિમી. જેટલું અંતર કાપવું પડતું હતું, આ નહેરની સુવિધા મળવાથી હવે 11,270 કિમી. જેટલું અંતર ઘટી ગયું છે, પરિણામે પૅસિફિક મહાસાગરને કિનારે આવેલા દેશો સાથેના ઉત્તર અમેરિકા અને યુરોપનાં ઍટલાન્ટિક કિનારાનાં બંદરોના વેપારમાં વૃદ્ધિ થઈ છે.
આ નહેરનું બાંધકામ 1904માં શરૂ થયું હતું અને 1914માં તે પૂર્ણ થયું હતું. આ નહેર માટે યુ.એસ.ને 38 કરોડ ડૉલરનો ખર્ચ થયો હતો અને 40થી 43 હજાર કારીગરો તેના બાંધકામમાં રોકાયા હતા. જ્યૉર્જ વૉશિંગ્ટન ગોએથાસ તેનો મુખ્ય ઇજનેર હતો. દુર્ગમ ગણાતા આ વિસ્તારમાં નહેરના બાંધકામ અગાઉ જંગલો, ટેકરીઓ અને કળણો આવેલાં હતાં, આ ઉપરાંત આ વિસ્તાર પીળા તાવ તથા મલેરિયાથી ગ્રસ્ત રહેતો હતો. આ પ્રકારની અનેક ભીષણ વિપત્તિઓનો સામનો કરતાં કરતાં આ નહેરનું બાંધકામ પૂર્ણ થયું હતું.
લિમોન ઉપસાગરથી બીજે છેડે આવેલા પનામાના ઉપસાગર સુધી ગણતાં નહેરની લંબાઈ 81.63 કિમી.ની છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 90 મીટર છે, જ્યારે લઘુતમ ઊંડાઈ 12 મીટર છે. ઍટલાન્ટિક મહાસાગરને છેડે ક્રિસ્ટોબાલ અને કોલોન શહેરો તથા પૅસિફિક મહાસાગરના છેડે બાલ્બોઆ શહેર છે. બંને બાજુના મહાસાગરોની જળસપાટી એકસરખી નથી, તેથી પસાર થતાં જહાજોને જળસપાટી પરના ઉતાર-ચઢાવ માટે નહેરમાં લૉકગેટની છ જોડીઓ ગોઠવવામાં આવેલી છે. દરેક લૉકગેટની કૉંક્રીટની ચેમ્બર 305 મી. લાંબી, 34 મી. પહોળી અને 20 મી. ઊંડી છે. લૉકગેટની વ્યવસ્થાને કારણે જળઊંડાઈમાં વધઘટ કરી શકાય છે. નહેરમાંથી પસાર થતાં જહાજને સાતથી આઠ કલાક થાય છે. વિરાટકાય વેપારી ટૅન્કરો કે જહાજો તથા યુ.એસ.નાં યુદ્ધજહાજો તેમાંથી પસાર થઈ શકતાં નથી. મધ્યમસરના કદનાં બે જહાજો આ નહેરમાંથી એકસાથે પસાર થઈ શકે છે. નહેરમાંથી પસાર થતી વખતે દરેક જહાજનો હવાલો પાઇલટ (કૅપ્ટન) લઈ લે છે અને સંચાલન સંભાળે છે.
આ નહેરમાંથી દરરોજ સરેરાશ 33થી 40 જહાજો અને સમગ્ર વર્ષ દરમિયાન 12,000 જેટલાં જહાજો પસાર થાય છે. આ પેકી 90% જહાજો યુ.એસ.નાં અને બાકીનાં જાપાન તથા કૅનેડાનાં હોય છે. નહેરનો ઉપયોગ કરનાર જહાજ નિયત કરેલા કર આપે છે, પનામા રાજ્યને નક્કી કરેલા ડૉલર અપાય છે. નહેરની કરની આવક પ્રમાણે વર્ષ દરમિયાન વધારાની રકમ સાથે કુલ નિયત દરના ડૉલર પનામા રાજ્યને મળી રહે છે. નહેરમાંથી 152 લાખ મેટ્રિક ટન માલ પસાર થાય છે.
1878માં કોલંબિયા રાજ્યે આ નહેર બાંધવા માટે ફ્રેન્ચ કંપનીને પરવાનગી આપેલી અને સુએઝ નહેરના જનક ફર્ડિનાન્ડ દ લેસેપ્સે આ જવાબદારી 1881માં સંભાળેલી પણ ખરી; પરંતુ 1887માં નાણાભીડ તેમજ અન્ય કારણોસર તેણે આ કામ છોડી દીધેલું. ત્યારબાદ યુ.એસ.એ 10 લાખ ડૉલર આપીને ફ્રેન્ચો પાસેથી આ કામ ઉપાડી લીધું. 1903માં કોલંબિયાથી પનામા સ્વતંત્ર થતાં પ્રથમ 10 લાખ ડૉલર અને પછી દર વર્ષે અઢી લાખ ડૉલર પનામાને આપવાનું નક્કી થયું. 1907માં યુ.એસ. અને પનામા વચ્ચે થયેલા કરાર મુજબ નહેર બાંધવાનો, તેનું સંચાલન કરવાનો અને તેની બંને બાજુનો કુલ 16 કિમી. ભૂમિપટ્ટીનો માલિકીહક યુ.એસ.ને મળ્યો. યુ.એસ.એ આ વહીવટ સંભાળ્યો, પરંતુ સાથે સાથે આ ભૂમિપટ્ટીના રક્ષણ માટે યુ.એસ.નાં લશ્કરી થાણાં પણ મુકાયાં.
1950 પછી, અનેક વારની રજૂઆત અને વાટાઘાટો બાદ પનામાને છેવટે 1979માં મર્યાદિત કબજો મળ્યો, જોકે નહેરની તટસ્થતા રક્ષવાની જવાબદારી યુ.એસ.ની રહી. 1977માં યુ.એસ. સાથે થયેલા કરાર મુજબ તથા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ શાંતિ અને યુદ્ધ દરમિયાન બધી પ્રજાઓનાં જહાજો નહેરમાંથી પસાર થઈ શકે છે. 1999ના 31મી ડિસેમ્બરે આ દેશને સ્વતંત્રતા મળી છે.
શિવપ્રસાદ રાજગોર
ગિરીશભાઈ પંડ્યા