પદ્મારાણી (જ. 25 જાન્યુઆરી 1937, પૂના; અ. 25 જાન્યુઆરી 2016 મુંબઈ) : ગુજરાતી નાટકોનાં પ્રસિદ્ધ અભિનેત્રી. પદ્મારાણી મૂળ મરાઠી. એમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરેલો.

પદ્મારાણીનો જન્મ પૂનામાં થયેલો, પણ એમનું બાળપણ વડોદરામાં પસાર થયેલું. એના પિતા ભીમરાવ ભોસલે એક બૅરિસ્ટર હતા તથા માતા કમલાબાઈ રાણે ગોવાનાં હતાં. એમનું પ્રાથમિક શિક્ષણ વડોદરાની દાંડિયા બજારમાં આવેલી ગોવિંદરાવ સેન્ટ્રલ સ્કૂલમાં થયેલું. જાણીતાં અભિનેત્રી સરિતા જોશી એમનાં બહેન થાય. કુટુંબની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં બંને બહેનોએ નાની ઉંમરથી નાટકોમાં અભિનય કરવો શરૂ કરેલો. આ દરમિયાન વડોદરામાં નાટકની ભજવણી દરમિયાન ફરીદુન ઈરાની (અભિનેત્રી અરુણા ઈરાનીના પિતા)ની નજરમાં આવતાં આ બંને બહેનોને તેઓ મુંબઈ લાવ્યા.

પદ્મારાણીએ અનેક નાટકોમાં અભિનય કરેલો છે. તેમના લગભગ 6000 ઉપર શો થયા છે. 1961ની સાલથી એમણે ફિલ્મોમાં અભિનય કરવો શરૂ કરેલો છે. એમણે 200 જેટલી ગુજરાતી અને 6 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કરેલો છે. એમણે કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં પણ અભિનય કરેલો છે. એમાંની એક સિરિયલ ‘નકાબ’માં એમણે પ્રસિદ્ધ બંગાળી અભિનેતા અનિલ ચેટર્જી સાથે અભિનય કરેલો. એમનાં નાટકોમાં ‘કેવડાના ડંખ’, ‘બા રિટાયર્ડ થાય છે’, ‘બાએ મારી બાઉન્ડરી’, ‘સપ્તપદી’, ‘ચંદરવો’ વગેરે ખૂબ પ્રસિદ્ધ થયાં છે. તો ફિલ્મોમાં ‘અખંડ સૌભાગ્યવતી’ ‘કલાપી’ (સંજીવકુમાર સાથે), ‘પાતળી પરમાર’, ‘કસુંબીનો રંગ’ અને શામળશાના વિવાહ’ ખૂબ પ્રસિદ્ધ થઈ છે. એમની ઉલ્લેખનીય હિન્દી ફિલ્મોમાં ‘કન્યાદાન’, ‘ગુલાબી’, ‘પરિવાર’ અને ‘દિલ’. ‘સ્વપ્ન કિનારે’ જેવી ટેલિવિઝન સિરિયલના એક હજાર જેટલા હપતાઓ પ્રસારિત થયા હતા.

પદ્મારાણીએ નાટ્યનિર્માતાદિગ્દર્શક નામદાર ઈરાની સાથે લગ્ન કરેલાં. એમની પુત્રી ડેઈઝી ઈરાનીએ બાળ કલાકારની ભૂમિકા ઘણી કરેલી છે.

નાટ્યજગતની આ જાજરમાન અભિનેત્રીનું અવસાન એમના જન્મદિવસે જ થયું.

અભિજિત વ્યાસ