પદ્મપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના છઠ્ઠા તીર્થંકર. પૂર્વજન્મમાં તેઓ અપરાજિત નામના મુનિ હતા. કઠોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ગ્રૈવેયક નામના દેવવિમાનમાં ઉત્પન્ન થયા. દેવનું આયુષ્ય ભોગવીને એ પછી કૌશામ્બી નગરીના રાજા શ્રીધર અને રાણી સુસીમાને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. રાણી સુસીમાને 14 મહાસ્વપ્નો એ પહેલાં આવેલાં. માતા સુસીમાનો કમળની શય્યામાં સૂવાનો કોડ દેવોએ પૂરો કર્યો તેથી અને જન્મેલા બાળકના શરીરની કાંતિ કમળ જેવી હોવાથી બાળકનું નામ પદ્મપ્રભ રાખ્યું. પદ્મપ્રભનો જન્મ કારતક માસની વદ બારસને દિવસે ચિત્રા નક્ષત્રમાં થયેલો. યુવાન-વયે સુંદર કન્યાઓ સાથે રાજકુમાર પદ્મપ્રભનાં લગ્ન થયાં.
રાજા તરીકે ન્યાય અને નીતિથી શાસન કર્યા પછી સંસારની અસારતા જોઈને લોકાન્તિક દેવોની યાચનાથી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એક વર્ષ સુધી દાનો કરીને કારતક વદ તેરશે બે દિવસનો ઉપવાસ કરી એક હજાર માણસોની સાથે તેમણે દીક્ષા લીધી.
એ પછી છ મહિના સુધી ઉગ્ર તપ કરી કર્મો ખપાવી ચૈત્ર સુદ પૂનમને દિવસે કેવળજ્ઞાન મેળવ્યું. એ પછી ચતુર્વિધ સંઘ સ્થાપીને તીર્થંકર થયા. ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી માગશર વદ અગિયારશને દિવસે સમેતશિખરમાં 308 મુનિઓની સાથે સિદ્ધગતિ તેમણે મેળવી. તેમનો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનો વિશાળ પરિવાર હતો.
રૂપેન્દ્રકુમાર પગારિયા