પદ્મનાભન્, ટી.

February, 1998

પદ્મનાભન્, ટી. (. 5 ફેબ્રુઆરી 1931, પલ્લીકુન્નુ, કુન્નુર, કેરળ) : મલયાળમના સાહિત્યકાર. ટૂંકી વાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન. શિક્ષણ મૅંગલોર આર્ટ્સ કૉલેજ તથા મદ્રાસ લૉ કૉલેજમાં. કુન્નુરમાં એક દશકો વકીલાતના વ્યવસાયમાં. ત્યારપછી ઉદ્યોગસંચાલનમાં જોડાયા. કેરળ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ત્રાવણકોર) લિમિટેડમાં ઉપ-મહાપ્રબંધકના પદેથી તેઓ પછી સ્વેચ્છાએ નિવૃત્ત થયા.

ટી. પદ્મનાભન્

‘મખ્ખન સિંહિન્ટે મરણમ્’ (મખ્ખનસિંહનું મોત એમની જાણીતી) ટૂંકી વાર્તા છે. પાત્રનું મનોવૈજ્ઞાનિક આલેખન કરતી એની શૈલીમાં એક પ્રકારનો આગવો લય છે. મલયાળમ કથાસાહિત્યમાં માત્ર સામાજિક જીવનના સ્થૂલ મુદ્દાઓ પર આધારિત કથાનકને બદલે તેમણે પોતાનું ધ્યાન વ્યક્તિઓના અંતરમાં ડોકિયું કરી તેમાંનાં સંચલનો પ્રતિ વાળ્યું. ‘સાક્ષી’, ‘નલિનકાન્તિ’, ‘કાલભૈરવન’ અને ‘વીટુ નષ્ટપ્પેટ્ટા કુટ્ટી’ ટૂંકી વાર્તાઓનાં તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે. આજ સુધીમાં તેમની ટૂંકી વાર્તાઓના બાર ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમની ઊર્મિસભર ગદ્યશૈલી ટૂંકી વાર્તાને કાવ્યત્વ બક્ષે છે. તેમના નિબંધોનો સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ‘સાક્ષી’ (1973) માટે કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી તેમને નવાજવામાં આવ્યા હતા. તેમના ‘કાલભૈરવન’(1988)ને કેરળ સાહિત્ય પરિષદે ઍવૉર્ડ આપેલો.

‘ગૌરી’ તેમનો 12 મલયાળમ વાર્તાઓનો સંગ્રહ છે. આ કૃતિ માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા 1996ના વર્ષનો શ્રેષ્ઠ ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો છે. આ વાર્તાઓ તેમાં નિષ્પન્ન થતી સંકેતાત્મકતા, ભાવનાઓનું સૂક્ષ્મ આલેખન, માનવીય મનોદશાના અનેકવિધ સ્તરોનું ચિત્રણ, અવિસ્મરણીય પાત્રાલેખન તથા કલ્પનોથી સભર અભિવ્યક્તિ વગેરેને કારણે ભારતીય કથાસાહિત્યમાં નોંધપાત્ર યોગદાન લેખાય છે.

તેમને ‘સાક્ષી’ સંગ્રહ માટે 1973માં કેરાલા સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ‘ગૌરી’ માટે 1996માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો જેનો તેમણે અસ્વીકાર કર્યો. વાયલાર ઍવૉર્ડ (2000), વલ્લથોલ ઍવૉર્ડ (2001), એઝુત્તચ્છન ઍવૉર્ડ (2003) ઉપરાંત કેરાલા સાહિત્ય અકાદમીની ફેલોશિપ (2012), ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ (2014), માતૃભૂમિ સાહિત્ય પુરસ્કાર (2015)થી સન્માનિત થયા છે.

વિ. પ્ર. ત્રિવેદી