પદ્મનાભ (1456માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. ઇતિહાસનો આધાર લઈને ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઓછાં મળે છે. એમાં પણ જૈનેતર કવિઓએ લખેલાં તો થોડાં જ મળે છે. શ્રીધર વ્યાસના ‘રણમલ્લ છંદ’ પછી ગુજરાતી ભાષાના મધ્યકાલીન સ્વરૂપને સંપૂર્ણ રીતે સાચવી રાખતું તેમજ ઇતિહાસની કેટલીક વિગતોને બરોબર નોંધી રાખતું અને સાથોસાથ તત્કાલીન દેશ-કાલ-રીતરિવાજો પર સારો પ્રકાશ પાડતું અદ્વિતીય કાવ્ય આપનાર કવિ પદ્મનાભ છે. મારવાડ(પશ્ચિમ રાજસ્થાન)ના ઝાલોરમાં ‘કાન્હડદે પ્રબંધ’ના નાયક કાન્હડદેના વંશજ અખેરાજ ચૌહાણને આશરે જઈ રહેલા વીસનગરા નાગર બ્રાહ્મણે આ કાવ્ય સં. 1512(ઈ. સ. 1456)માં રચ્યું હતું. મધ્યકાલીન ગુજરાતી ભાષામાં ‘પ્રબંધ’ પ્રકારના કાવ્યનો રચનારો આ જૈનેતર કવિ અનન્ય જ કહી શકાય. આ પ્રબંધની વિશિષ્ટતા એ પણ છે કે જૈનેતર કવિ અસાઇતની જેમ ચોપાઈબંધના આ ચાર ખંડોના કાવ્યમાં જુદા જુદા રાગોમાં ગાઈ શકાય તેવાં નવ જેટલાં ગીતો ભિન્ન ભિન્ન સ્થળોએ આપી પ્રબંધને રસપૂર્ણ બનાવ્યો છે. આ પદોમાં છેલ્લે એણે પોતાના નામની છાપ આપી છે.
આ કવિની સેવા તો એના ઐતિહાસિક કાવ્યને લીધે છે. અલ્લાઉદ્દીન ખલજીએ ગુજરાત ઉપર સવારી કરી એમાં કર્ણનો પ્રધાન માધવ કારણભૂત હતો એવી જે હકીકત પરંપરાથી લોકમાં પ્રચલિત હતી તે પદ્મનાભના સમયમાં જ પ્રચારમાં આવી ગઈ હતી. અલ્લાઉદ્દીને ઉલૂઘખાનને મોકલી ગુજરાત ઉપર ચડાઈ કરાવી. આ ચડાઈમાં માધવના બતાવ્યા પ્રમાણે એણે ગુજરાત આવતાં મોડાસાના બતડને હરાવી માર્યો ને ગામમાં લૂંટ ચલાવી, આગળ વધી કાહાનમ અને ચરોતરને પાયમાલ કર્યાં. જ્યારે ઉલૂઘખાન પાટણ નજીક આવ્યો ત્યારે માધવે કર્ણને નાસી જવા શિખામણ આપી અને કર્ણ નાસી છૂટ્યો, પણ મુસ્લિમ સેનાએ પાટણને પાયમાલ કરી નાખ્યું. આગળ ચાલતાં તળ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક નગરોને એણે ધમરોળ્યાં અને સોમનાથ પાટણ પહોંચી ત્યાં પણ ભારે વિનાશ વેર્યો, જ્યાં સાથે રહેલો માધવ માર્યો ગયો. સોમનાથથી ઉલૂઘખાન આગળ વધી મારવાડને માર્ગે ધપ્યે જતો હતો ત્યાં માર્ગમાં ઝાલોર આવતાં સોમગિરા કાન્હડદે ચૌહાણે પ્રબળ સામનો કર્યો, આ યુદ્ધનું કવિએ યશોદાયી રસમય વર્ણન કર્યું છે. કાવ્યત્વગુણે અનોખું એવું આ કાવ્ય પદ્મનાભને એક મધ્યકાલીન ગુજરાતી કવિ તરીકે વિશિષ્ટ ખ્યાતિ અપાવતું રહ્યું છે.
કે. કા. શાસ્ત્રી