પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા : સત્યજિત રાય, કથા : વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયની નવલકથાના આધારે, છબિકલા : સુવ્રત મિત્ર, સંગીત : રવિશંકર, મુખ્ય કલાકારો : કનુ બૅનરજી, કરુણા બૅનરજી, સુબીર બૅનરજી, ઉમા દાસગુપ્તા, ચુનીબાલા દેવી, તુલસી ચક્રવર્તી.
ચલચિત્રકળાના ઇતિહાસમાં હંમેશ માટે સ્થાન મેળવી લેનારા આ ચલચિત્ર વિશે દુનિયાભરના સમીક્ષકો, ચિત્રરસિકો, સાહિત્યકારો અને ચિત્રસર્જકો વિપુલ પ્રમાણમાં કહી અને લખી ગયા છે. એક ચલચિત્ર જીવનને વધુમાં વધુ કેટલી યથાર્થ રીતે દર્શાવી શકે છે તેનું ‘પથેર પાંચાલી’ ઉત્તમ ઉદાહરણ છે. પ્રતિષ્ઠિત કાન આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં ‘પથેર પાંચાલી’ને ‘શ્રેષ્ઠ માનવીય દસ્તાવેજ’ કહીને નવાજવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સુવર્ણચંદ્રક અને શ્રેષ્ઠ ચલચિત્રના રાષ્ટ્રીય પારિતોષિક ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય પારિતોષિકો ‘પથેર પાંચાલી’ને મળ્યાં છે. પ્રતિષ્ઠિત અંગ્રેજી ચલચિત્ર સામયિક ‘સાઇટ ઍન્ડ સાઉન્ડે’ આ ચલચિત્રને જગતનાં શ્રેષ્ઠ દસ ચલચિત્રોમાંનું એક ગણાવ્યું છે.
દિગ્ગજ બંગાળી સાહિત્યકાર વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયે 1928માં લખેલ આ જ નામની નવલકથા પરથી આ ચલચિત્ર બનાવાયું છે. ચલચિત્ર બનાવાયું ત્યારે તો નવલકથા પણ ‘ક્લાસિક’નો દરજ્જો પામી ચૂકી હતી. ‘પથેર પાંચાલી’ 1920ના દાયકામાં બંગાળના નિશ્ર્ચિંદીપુર નામના એક ગામમાં રહેતા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પરિવારની વાર્તા છે. મોટાભાગના ભારતીય પરિવારોની જેમ આ પરિવાર પણ ગમે તેટલી મુશ્કેલીઓ વચ્ચેય પોતાનાં સારપ અને સંવેદના અતૂટ રાખે છે. કથા કંઈક એવી છે કે પિતા એક આદર્શવાદી પૂજારી અને કવિ છે. જિંદગી પ્રત્યેના તેમના આદર્શવાદી વલણને કારણે પરિવારને ભયાનક ગરીબીનો સામનો કરવો પડે છે. મા વ્યવહારકુશળ છે અને એ જ પરિવારનું ગાડું ગમે તેમ કરીને ગબડાવ્યે રાખે છે. એક દીકરી દુર્ગા અને દીકરો અપુ છે. અપુના જન્મ સાથે ચલચિત્રનો પ્રારંભ થાય છે. દુર્ગાને ફળ ચોરવાની કુટેવ છે. તેને કારણે જ એક પૈસાદાર પાડોશીને ત્યાં લગ્નપ્રસંગે તેના પર હારની ચોરીનું આળ મુકાય છે. તેને કારણે દુર્ગા ઘર છોડીને જતી રહે છે. અપુ તેને મનાવીને પાછી લાવે છે. બીજી બાજુ પિતા પૈસા કમાવા બનારસ જતા રહે છે. પિતાની ગેરહાજરીમાં એક બાજુ માને ગરીબી સામેની લડાઈ એકલા હાથે લડવી પડે છે ને બીજી બાજુ દુર્ગાનું મોત થાય છે. થોડા સમય બાદ જ્યારે પિતા પરત આવે છે ત્યારે તેમને વાસ્તવિકતાનું ભાન થાય છે. તેઓ પરિવારને પોતાની સાથે બનારસ લઈ જવાનો નિર્ણય કરે છે. પરિવાર બનારસ જવા રવાના થાય છે તે સાથે ચલચિત્ર પૂરું થાય છે.
પ્રથમ નજરે સાવ સીધાસાદા લાગતા કથાનકને સત્યજિત રાયે એવી તો કલાત્મક રીતે રજૂ કર્યું છે કે તેનાં અનેક દૃશ્યો યાદગાર બની ગયાં છે અને એ જોઈને દુનિયાભરના ચિત્રસર્જકો મોંમાં આંગળાં નાખી ગયા છે. ‘પથેર પાંચાલી’ રાયે બનાવેલી ચિત્ર-ત્રયીની પ્રથમ કડી છે. એ પછી તેમણે ‘અપરાજિતા’ (1956) અને ‘અપુર સંસાર’ (1959) બનાવ્યાં હતાં.
હરસુખ થાનકી