પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ
February, 1998
પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ : શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ્યારે શિક્ષણનું માધ્યમ પત્રવ્યવહાર બને ત્યારે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ થયું એમ કહેવાય.
ઉદ્ભવ : સામાન્યત: વિધિવત્ શિક્ષણ-સંસ્થાઓમાં શિક્ષણ આપવાની પ્રથા સમાજમાં પ્રચલિત હતી; પરંતુ જ્ઞાનવિસ્ફોટના આ યુગમાં શિક્ષણ માટેની વૃત્તિ અને શિક્ષણનો વ્યાપ વધતાં એક યા બીજા કારણસર સૌ કોઈને માટે આ શિક્ષણ સુલભ ન બની શક્યું. પરિણામે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતી અનેક વ્યક્તિઓ શિક્ષણમાંથી બાકાત રહેવા લાગી. તેથી આદર્શ શિક્ષકો, પાદરીઓ, મુદ્રકો અને ગ્રંથપાલોએ લોકોની જરૂરિયાતને પારખી ચાર ભીંતો વચ્ચે રહેલા શિક્ષણને બંધનમુક્ત કરવા પત્રવ્યવહાર દ્વારા શિક્ષણની તક પૂરી પાડી. શીખનારાઓએ પણ ગતિશીલતાની પ્રયુક્તિ તરીકે આ તક ઝડપી લીધી. આ પ્રથા આર્થિક દૃષ્ટિએ વધુ લાભકારક છે; પરંતુ તેનો પ્રારંભ કરનારા મહાનુભાવોએ તો અધ્યેતાઓની જરૂરિયાત અને આદર્શોને જ કેન્દ્રમાં રાખ્યાં હતાં.
ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે શિક્ષણમાં જે અનેક પરિવર્તનો આવ્યાં તેમાં પત્રવ્યવહાર દ્વારા શિક્ષણને મહત્ત્વનું પરિબળ ગણી શકાય. 1850માં ઑક્સફર્ડની એક્ઝેટર કૉલેજના ફેલો અને સિનિયર ટ્યૂટર વિલિયમ સેવેલે પત્રવ્યવહાર અભ્યાસક્રમ તૈયાર કર્યો. ‘બધા માટે શિક્ષણ’ની હિમાયત કરતાં તેઓ એમ કહેતા કે સમાજને યુનિવર્સિટીમાં લાવવાનું શક્ય ન હોય તો યુનિવર્સિટીએ સમાજ પાસે જવું જોઈએ.
1856માં ચાર્લ્સ રાઉઝેન્ટે અને મૉડર્ન લૅંગ્વેજ સોસાયટીના સભ્ય ગુસ્તાવે પરદેશી ભાષાઓનું પત્ર દ્વારા શિક્ષણ આપવા માટે શાળા શરૂ કરી જે 1936 સુધી ચાલુ રહી. ત્યારપછી તો પત્રવ્યવહાર દ્વારા શિક્ષણની ઘણી શાળાઓ શરૂ થઈ. કૅનેડા, ઑસ્ટ્રેલિયા, જાપાન, ઇંગ્લૅન્ડ, ચેકોસ્લોવૅકિયા, પોલૅન્ડ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇઝરાયલ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની નેધરલૅન્ડ્ઝ, દક્ષિણ અમેરિકા, મલેશિયા જેવા દેશોમાં પત્રવ્યવહાર-શિક્ષણની શરૂઆત થઈ ચૂકી છે. પત્રવ્યવહારની સેંકડો શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ વિકાસ અને વ્યવસાયના તમામ તબક્કે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
હેતુ : શિક્ષણની ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે વૈધિક શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું શક્ય ન પણ બને. ઘર તથા સંસ્થા વચ્ચેનું લાંબું અંતર, શારીરિક ખોડખાંપણને લીધે જવા-આવવાની મુશ્કેલી, આર્થિક સંજોગોની પ્રતિકૂળતા, સગવડોનો અભાવ જેવાં અનેક કારણોને લીધે અધ્યેતાઓ શિક્ષણની તકથી વંચિત રહેતા હતા. પત્રવ્યવહાર-શિક્ષણનો મુખ્ય હેતુ શિક્ષણથી વંચિત રહેલા અધ્યેતાઓને જ્ઞાન તથા માહિતી સાથે માર્ગદર્શન આપીને તૈયાર કરવાનો રહ્યો છે.
સ્વરૂપ : આ પ્રકારના શિક્ષણમાં પત્રવ્યવહાર જ શિક્ષણનું મુખ્ય માધ્યમ હોય છે. વર્ગશિક્ષણના પ્રાથમિક વિકલ્પ તરીકે સમગ્ર દુનિયામાં તેનો ફેલાવો થયેલો છે; પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં માત્ર પત્રવ્યવહાર જ પ્રત્યાયનનું માધ્યમ ન રહેતાં ટૅક્નૉલૉજીનાં જુદાં જુદાં અસરકારક સાધનોનો પણ ઉપયોગ થતો હોવાને કારણે દૂરવર્તી અભ્યાસ (distance-study), દૂરવર્તી અધ્યયન (distance-learning) અથવા દૂરવર્તી શિક્ષણ (distance-education) એવા શબ્દપ્રયોગો પણ આ પ્રકારના શિક્ષણના સંદર્ભમાં પ્રયોજાય છે. અલબત્ત, અહીં પત્રવ્યવહાર પાયાની બાબત બની રહે છે. અધ્યેતા સ્વાધ્યાયો કરી શકે છે, સ્વતંત્રતા ભોગવી શકે છે અને પોતાની જાતે પોતાની રીતે અને પોતાની ઝડપે સ્વયંસ્ફુરણાથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ બધું હોવા છતાં પત્રવ્યવહાર શિક્ષણને પરંપરાગત પ્રત્યક્ષ શિક્ષણના સંપૂર્ણ વિકલ્પ તરીકે તો સ્વીકારી શકાય નહિ.
બે તબક્કાઓ : પત્રવ્યવહાર-શિક્ષણની પ્રક્રિયામાં મુખ્યત્વે બે તબક્કાઓ છે : પ્રથમ તબક્કામાં નિષ્ણાતો કે તજ્જ્ઞો દ્વારા વિષયશિક્ષણના અભ્યાસક્રમનો ખ્યાલ અને તેની માહિતીના સ્રોતોની સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત તેને અનુલક્ષીને અધ્યેતાએ કરવાનાં વાચન અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે. વળી પૂરક માહિતી, મહત્ત્વની સંકલ્પનાઓની સમજ વગેરે તેમને આપવામાં આવે છે.
બીજા તબક્કામાં વિદ્યાર્થી પોતાના તૈયાર કરેલા સ્વાધ્યાયો તથા પોતાની પ્રગતિના અહેવાલો તૈયાર કરીને શિક્ષકને સોંપે છે, જેનું મૂલ્યાંકન કરીને જરૂરી સૂચનો સાથે શિક્ષક વિદ્યાર્થીને તે પરત મોકલે છે. તદનુસાર વિદ્યાર્થી જરૂરી ફેરફાર કરે છે. નિયત સમયે લેવાતી નિરીક્ષિત અંતિમ પરીક્ષાઓ વિદ્યાર્થી સફળતાપૂર્વક પૂરી કરે છે. જરૂર જણાય તો શિક્ષક દ્વારા ગ્રેડ કે ગુણ આપવામાં આવે છે.
બે શિક્ષકો : પત્રવ્યવહાર દ્વારા શિક્ષણમાં અધ્યેતા માટે બે શિક્ષકોની જોગવાઈ હોય છે. પ્રથમ શિક્ષક અભ્યાસક્રમની રચના અથવા માર્ગદર્શિકા તૈયાર કરે છે, જ્યારે દ્વિતીય શિક્ષક અભ્યાસક્રમનું સંચાલન કરે છે. અલબત્ત, રચના અને સંચાલન બંને પ્રક્રિયાઓ બે કે તેથી વધુ શિક્ષકોનાં જૂથ દ્વારા પણ થતી હોય છે.
પ્રત્યાયન : શિક્ષણની આવશ્યક શરત પ્રત્યાયન છે. અસરકારક રીતે કેમ શીખવું, સ્વતંત્ર રીતે અભ્યાસ કેવી રીતે કરવો, જરૂરિયાત સમજીને શીખવાની જવાબદારી કેવી રીતે ઉઠાવવી એ એક પક્ષે વિદ્યાર્થી જાણે તો સામે પક્ષે શિક્ષક પાઠોના લેખનકાર્ય, સ્વાધ્યાયરચના અને સ્વાધ્યાય-મૂલ્યાંકન વગેરે દ્વારા તજ્જ્ઞની ભૂમિકાએથી વિદ્યાર્થીને તાલીમ-માર્ગદર્શન પહોંચાડે તો શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનું પ્રત્યાયન અસરકારક બની રહે અને શિક્ષણ પણ સફળ બની રહે.
જટિલતા : પત્રવ્યવહાર શિક્ષણની પ્રક્રિયાને જટિલ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ – અધ્યેતાઓ દેશ-પરદેશમાં દૂર-દૂર વસતા હોવાને લીધે ભાષા, સંસ્કૃતિ, જીવનશૈલી, જરૂરિયાતો વગેરેમાં મોટા પ્રમાણમાં ભિન્નતા જોવા મળે છે. આ વિવિધતાને કારણે સમસ્યાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી એક વિશિષ્ટ પ્રકારની સંસ્થાની જરૂર પડે કે જેનું સંચાલન, આયોજન, બજેટ અને સુવિધાઓ વિશિષ્ટ અને અમર્યાદિત હોય. પત્રવ્યવહાર-શિક્ષણની પાયાની બાબતો તો સર્વત્ર એકસરખી જ રહેવાની. ઘણા દેશોમાં પત્રવ્યવહાર સિવાય રેડિયો, ટેલિવિઝન, કૅસેટ જેવાં વીજાણુ-સાધનોનો પણ ઉપયોગ થાય છે. તે દ્વારા દૂરવર્તી (distance) શિક્ષણ, મુક્ત (open) શિક્ષણ, બહિર્ગત (external) શિક્ષણ, સ્વતંત્ર (independent) શિક્ષણની તકો પૂરી પડાય છે. પત્રવ્યવહાર દ્વારા શિક્ષણમાં ભાષાકીય અવરોધો ઉપરાંત પોસ્ટલ સેવાની ગુણવત્તા, નાણાકીય વિનિમય તથા સરકારી નીતિઓની મર્યાદાઓ પણ નડે છે, આમ છતાં સૂઝ ધરાવતી વ્યક્તિ કૃતનિશ્ચય હોય તો પોતાનો માર્ગ શોધી કાઢે છે.
પત્રવ્યવહાર દ્વારા શિક્ષણનાં પાસાં : પત્રવ્યવહાર-શિક્ષણનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં છે. પ્રથમ તો આ પ્રકારના શિક્ષણમાં જે તે વિષયને લગતા અભ્યાસ માટેની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ શ્રેણીસ્વરૂપે પાઠો સ્વયંસ્પષ્ટ રીતે રજૂ થાય છે. પછી જે તે વિષયને લગતી મુદ્રિત તથા અન્ય પ્રકારની પૂરક સામગ્રી પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓએ જે સ્વાધ્યાયો કરવાના હોય તે આપવામાં આવે છે અને તેનું સક્ષમ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન પણ થાય છે. તેમાં સમગ્ર અભ્યાસક્રમને આવરી લઈને આપવામાં આવતી અંતિમ પરીક્ષાનો પણ સમાવેશ થાય છે.
પત્રવ્યવહાર શિક્ષણનાં પ્રાપ્તિસ્થાનો : શિક્ષણની જરૂરિયાત વધવાની સાથે શિક્ષણનો વ્યાપ પણ વધતો ગયો છે. આ કારણથી અભ્યાસક્રમો પણ વધતા ચાલ્યા છે. અધ્યેતાએ પોતાની જરૂરિયાત પ્રમાણેના અભ્યાસક્રમને પસંદ કરીને જે તે પ્રકારના વિષયનું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવી સંસ્થાનો સંપર્ક કરવો પડે છે. આ સંસ્થાઓ પણ વિવિધ સ્તરે બદલાતી રહે છે. વિદ્યાકીય સજ્જતા કેળવવી હોય તેમણે યુનિવર્સિટીના વિસ્તરણવિભાગમાં, બહિરભ્યાસ કાર્યક્રમના વિભાગમાં કે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણવિભાગમાં નોંધણી કરાવવી પડે છે. કેટલાકને સાક્ષરતા ઉપરાંત પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ મેળવવાની જરૂરિયાત હોય છે. તેમણે જે તે પ્રકારની વ્યવસ્થા ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં જોડાવું પડે છે. અંધ તેમજ બહેરામૂંગા હોય તેમણે એમના માટેની વિશિષ્ટ કારકિર્દીને અનુલક્ષતા કાર્યક્રમો આપતી ખાસ પ્રકારની સંસ્થાઓમાં નોંધણી કરાવવી પડે છે. આ ઉપરાંત શિક્ષણ, સંદેશાવ્યવહાર, સંરક્ષણ, ખેતીવાડી કે વાણિજ્ય જેવા સરકારી વિભાગો; વીમો, માર્કેંટિંગ, નાણાં, વહીવટ, પર્સનેલ જેવી બાબતો સાથે સંકળાયેલા ઉદ્યોગધંધાઓ અને મજૂરસંઘો જેવી સંસ્થાઓ પણ ખાસ પ્રકારના અભ્યાસક્રમો ચલાવે છે; તેથી ધંધાઓ અને ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને પ્રોત્સાહન-માર્ગદર્શન મળી શકે છે. તેઓ વ્યક્તિગત રીતે વ્યાવસાયિક પ્રગતિ સાધી શકે છે. કેટલાક દેશોમાં વ્યવસાયી સંઘો જ પત્રવ્યવહારના કાર્યક્રમો ચલાવે છે, જેનાથી કામદારોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ધાર્મિક સંસ્થાઓ પણ ધર્મનો પ્રચાર કરવા, ધર્મોપદેશકો તૈયાર કરવા પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપતી હોય છે.
પત્રવ્યવહાર દ્વારા શિક્ષણની સફળતા માટે કેટલીક પાયાની આવશ્યકતાઓ નીચે મુજબ છે :
(1) જે તે વિષયના નિષ્ણાત અને અનુભવી તજ્જ્ઞની શોધ કરી તેમની સેવા લેવી. (2) વિવિધ અભ્યાસક્રમોની ગુણવત્તા સુધારવા તથા તેના વિકાસ માટેના માર્ગો વિચારવા. (3) વધુ સારા પ્રત્યાયન માટે આધુનિક શૈક્ષણિક સાધનો અને પત્રવ્યવહારના અભ્યાસનું સંકલન કરવું. (4) વધુ ને વધુ આર્થિક મદદ માટેનાં સાધનો ઊભાં કરીને સુપેરે કાર્યક્રમસંચાલન થાય એ માટે પ્રયત્ન કરવો. (5) પત્રવ્યવહાર દ્વારા અપાતા શિક્ષણ માટે શીખવાના નવા સિદ્ધાંતો જાણવા, આજીવન-શિક્ષણનાં લક્ષણોની સમજ કેળવવી અને જરૂરિયાતોની વ્યાપક સમજ પ્રમાણે અભ્યાસક્રમમાં સુધારણા કરવી. (6) વિકાસમાન સમાજના પરિવર્તન માટે કામ કરતી સફળ સંસ્થાઓ બેજવાબદાર ન બની જાય તેની કાળજી રાખવી.
અધ્યેતાઓની જરૂરિયાતોને સંતોષનારા પત્રવ્યવહાર દ્વારા શિક્ષણનો કાર્યક્રમ સાંપ્રત સમાજની માંગ હોઈ, સમગ્ર વિશ્વમાં તેની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે.
જયંતીલાલ ધારશીભાઈ ભાલ