પતેતી : પારસી કોમનો અગત્યનો ઉત્સવ. પારસી પંચાંગમાં બાર મહિના અને ત્રીસ દિવસનાં નામો પરમકૃપાળુ પરમેશ્વર – દાદાર અહુરમઝદનાં તથા ઈશ્વરી નૂર ધરાવતા દૂતયઝદોનાં નામ છે. આ ગણતરીએ ત્રણસો સાઠ દિવસ સચવાય, ત્યારે ત્રણસો પાંસઠ દિવસોમાં પાંચ ખૂટે છે. એ કારણે છેલ્લે મહિને પાંચ પવિત્ર ગાથાનાં ધાર્મિક પર્વ ઉમેરાય છે, તેમાંનો છેલ્લો દિવસ તે પતેતીનો.
આ ગાથાના દિવસો દરમિયાન ધર્મબોધ ઉપરાંત બહિશ્તનશીન સગાંઓને શ્રદ્ધાંજલિ અપાય છે. ગાથા એ ગીતાની જેમ અશો જરથુષ્ટ્રે આપેલાં પ્રવચનો છે, જેમાં જીવનની સફળતા માટેનો બોધ સમાવિષ્ટ છે. આ ગાથાના દિવસોનાં નામો છે અહુનવદ, ઉશ્તવદ, સ્પેન્તોમદ, વોહુક્ષથ્ર અને વહિશ્તોઇસ્ત. આ દિવસો ‘રોજેમેહ’ એટલે ધાર્મિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના દિવસો છે. જ્યારે એની અગાઉના છેડેના પાંચ દિવસો ‘રોજેકેહ’ એટલે શ્રાદ્ધની સામાન્ય તિથિઓરૂપ દિવસો છે.
પતેતી : શ્રાદ્ધના છેવટના પાંચ ગાથાના દિવસોમાં વહીશ્તોઇસ્ત (ભલું ઇચ્છનાર) ગાથા (પાંચમી ગાથા), આખા વર્ષનો છેલ્લો દિવસ છે. તે દિવસે આખા વર્ષનું સરવૈયું કાઢવામાં આવે છે. હિંદુઓની દિવાળીની જેમ આ દિને વર્ષને વિદાય અપાય છે. હિસાબના નવા ચોપડાનું પૂજન થાય તે પૂર્વે જેમ વીતેલા વર્ષનો હિસાબ કાઢવામાં આવે તેમ પારસીઓ વીતેલા વર્ષનાં કરેલાં કામોનો હિસાબ – ‘કર્મનો હિસાબ’ કાઢે છે.
જે કાંઈ ભૂલચૂક થઈ હોય, ખોટાં કામ થયાં હોય, દુશ્મની થઈ હોય, ગુના કે પાપ કર્યાં હોય, તે માટે ખરા દિલથી પસ્તાવો કરવામાં આવે છે. આ પ્રાયશ્ચિત્તનો દિવસ તે પતેતી છે. એ ગંભીર દિવસ છે.
‘પતેત’ (પત = પાછા + ઇત = ફરવું) શબ્દમાં ભૂલ્યા ત્યાંથી પાછા ફરવું એવો ભાવાર્થ છે. ‘માણસમાત્ર ભૂલને પાત્ર’ એ ઉક્તિ પ્રમાણે મનુષ્ય સંપૂર્ણ સિદ્ધ નથી હોતો. જાણ્યે-અજાણ્યે ભૂલ કે ગુના થઈ જતા હોય છે. એ બધાનો એકરાર કરી, એ માટે પસ્તાવો કરી, પરમકૃપાળુ દાદાર આગળ માફી માગવાનો એ અવસર છે.
‘અવેસ્તા’ નામના પ્રાર્થનાના પુસ્તકમાં ખાસ પસ્તાવો કરીને માફી માગવા માટેની બંદગી છે. તેને ‘પતેત પશેમાની’ કહે છે. ‘પશેમાની’ એટલે પસ્તાવો. આ બંદગીમાં અનેક પ્રકારની ભૂંડી દાનતો, ભૂલચૂકો, ગુના અને પાપનાં વર્ણન છે, જે ભલા જિગરમાં ડંખ પેદા કરે છે. આ બધી જ નાદાની અને ભૂંડાં કર્મના પસ્તાવા માટે એક જ વાક્યમાં આવી સુંદર સમીક્ષા કરાઈ છે :
‘અમે જે કાંઈ કરવાનું ન કર્યું હોય યા ન કરવાનું કર્યું હોય તે માટે પશ્ચાત્તાપ કરીએ છીએ. તેનો સ્વીકાર કરી હે પરમકૃપાળુ દાદાર ! અમને માફ કરી દયા કરજો !’
કર્મગતિ : જરથુષ્ટ્રે ગાથામાં ‘જે કાંઈ કરવાનું છે’ એ કર્તવ્યોનો ત્રણ પગથિયાંમાં સમાવેશ કર્યો છે : (1) હુમત, (2) હુખ્ત અને (3) હુવર્શ્ત. વળી આ જ ત્રણ પગથિયાં (1) મનશ્ની, (2) નવશ્ની અને કુનશ્નીથી પણ જણાવાયાં છે.
(1) હુમત : એટલે ભલી દાનત અને સારા વિચાર. હુખ્ત એટલે ભલી, સત્ય, પ્રિય, શ્રેય વાણી. કુનશ્ની એટલે પરોપકાર-સેવા, દાનધર્મ. આ ભલા જીવનની સંહિતા, ‘જરથોસ્તી જીવન’ તરીકે જાહેર કરાઈ છે. જરથોસ્તી ધર્મ સર્વ પ્રકારની ભલાઈને વખાણે છે. જીવનને ભૂંડું કરનારી ઉપર્યુક્ત ત્રણ બાબતોથી ઊલટી બાબતો તે દુશ્મત (ભૂંડી દાનત અને મેલી મનોવૃત્તિ); દુથુહુખ્ત (ગાળગલોચ, દુષ્ટ વાણી, શાપ વગેરે) અને દુજહુવર્શ્ત (ખરાબ કરણી – ચોરી, લૂંટ, બળાત્કાર, ભ્રષ્ટાચાર વગેરે) છે. જેમને ‘ન કરવાનાં કર્મ’ તરીકે નિર્દેશવામાં આવ્યાં છે.
વિષ્પહુમતની ખાસ પ્રાર્થનામાં ‘કરણી તેવી ચુકવણી’ની સ્પષ્ટ જાહેરાત થઈ છે. જરથોસ્તી ધર્મમાં ભૂંડા કર્મને માફી મળતી નથી, એને કારણે વેઠવાનું ફરજિયાત બની રહે છે. પણ પ્રાર્થના કરવાથી એ ભૂંડાં કર્મનાં આકરાં પરિણામો વેઠવામાં હિંમત અને સહનશક્તિ મળી રહે છે તે સ્પષ્ટ છે.
‘મિચ્છામિ દુક્કડમ્’નો જૈન કોમનો ક્ષમાપનાનો વહેવાર પતેતીના દિવસે દેખાય છે. ભૂલ થઈ હોય એનો એકરાર કરી માફી ચાહી, દુશ્મનાવટ દૂર કરાવીને શુભેચ્છાનું વાતાવરણ ઊભું કરાય છે.
આ દિવસે પારસીઓ આતશકદેહ(અગ્નિમંદિર)માં અચૂક જઈ પસ્તાવાની પ્રાર્થના કરે છે અને સૌ સાથે મળી, ભેટી શુભેચ્છા પાઠવે છે અને માફ કરવાની ભાવના અદા કરે છે.
પતેતી સાચા અર્થમાં ત્યારે ઊજવી ગણાય જ્યારે થયેલી ભૂલ કે અણજાણ થયેલા ગુના ફરી કદી ન થાય તે માટે પાકો ઠરાવ થાય. તેમ કરાય તો નેક જરથોસ્તી જિંદગી ગુજરવાની તક મળે. પતેતી આવો ઠરાવ કરવાનો દિવસ છે. કોઈને પણ નુકસાન કરાયું હોય તે ભરપાઈ કરી આપવું એ જ સાચો પશ્ચાત્તાપ ગણાય. માત્ર શબ્દથી દિલગીરી જાહેર કરવાનો વિવેક પૂરતો થાય નહિ.
ગુજરેલાં માટે પતેત : જેઓ અવસાન પામ્યાં હોય તેઓ માટે ધર્મપુસ્તકમાં એક ખાસ પ્રાર્થના છે, જે દ્વારા એમના વતી ખેશીઓ થયેલા ગુના માટે પરમ કૃપાળુની માફી ચાહે છે. એ ‘પતેત રવાનની’ ગુજરેલાંના આત્માને શાંતિ પહોંચાડવાનું કાર્ય કરે છે.
પતેતીનો બીજો દિવસ તે પારસીઓના નવા વર્ષનો દિવસ નવરોઝનો તહેવાર છે.
નૌશીર ખુરશેદજી દાબુ