પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ)
February, 1998
પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ) (જ. 8 ઑગસ્ટ 1906, અંકલેશ્વર; અ. 18 માર્ચ 1970, વડોદરા) : ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. વતન અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી મહેસૂલ તથા કેળવણી ખાતામાં નોકરી કરી. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું.
નર્મદા વિશેનું તેમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’(1931)માં છપાયું. આત્મલક્ષી ઢબે બહુધા મસ્તી અને વેદના ગાનારા આ કવિએ પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા આપી છે. ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ એ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્ય-સ્વરૂપોમાં સમાંતર ગતિ કરનારા આ કવિની લાક્ષણિકતા છે. ‘પ્રભાત-નર્મદા’ (1940) કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે, કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. બ. ક. ઠાકોરના શિષ્યને છાજે તેવી વિચક્ષણ સાહસિકતા તેમના પદ્યપ્રયોગોમાં જોવા મળે છે. શાલિની અને સ્રગ્ધરાનાં સુભગ છંદ-મિશ્રણો, શાર્દૂલવિક્રીડિતનું અભ્યસ્ત છંદરૂપ, પુષ્પિતાગ્રા, પ્રહર્ષિણી, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો એ તેમની વિશિષ્ટ સિદ્ધિ છે.
શચી અને ઇન્દ્રે માનેલ કથાના પ્રસાદ માટે જોઈતી ખાંડ મેળવતાં નારદે વેઠેલી હાડમારીનું ઉપહાસાત્મક નિરૂપણ કરતી કૃતિ ‘વાસવક્લેશપરિહાર’ (1951) લાંબું હાસ્યરસિક આખ્યાન છે. આ ઉપરાંત હિન્દી ભાષામાં રચેલ ગઝલ, તરાના અને ખાંયણાંનો સંગ્રહ ‘નયી તર્ઝેં’ (1953) પણ તેમણે આપ્યો છે.
પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (1975), ‘અટૂલી અનાર’ (1975) અને ‘વ્યામોહજવનિકા’ (1975) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે.
વીણા શેઠ