પતન–સ્તર : પર્ણપતન દરમિયાન જીવંત પેશીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા સિવાય પ્રકાંડ પરથી પર્ણને છૂટું પાડતું સ્તર. પર્ણપાતી વૃક્ષોમાં પર્ણપતનની ક્રિયા જટિલ હોય છે અને ક્રમશ: થાય છે. સમશીતોષ્ણ પ્રદેશની બહુવર્ષાયુ વનસ્પતિઓમાં શિયાળાની શરૂઆતમાં અને ઉષ્ણપ્રદેશમાં ઉનાળાની શરૂઆતમાં આવર્તક રીતે આ ક્રિયા થાય છે. આ ક્રિયા જે ચોક્કસ પ્રદેશમાં થાય છે તેને છેદન(abscission)પ્રદેશ કે પતન-પ્રદેશ કહે છે. આ પતન-પ્રદેશમાં પતન-સ્તર આવેલું હોય છે. તેના દ્વારા પર્ણ-પતનની ક્રિયા થાય છે. પતન-પ્રદેશમાં રક્ષકસ્તર (protective layer) પણ આવેલું હોય છે.
દ્વિદળી વનસ્પતિઓનાં સાદાં પર્ણોમાં પતન-પ્રદેશ પર્ણદંડમાં કે તેના તલપ્રદેશે આવેલો હોય છે; જ્યારે સંયુક્ત પર્ણમાં પ્રત્યેક પર્ણિકાના તલપ્રદેશમાં તેમજ પર્ણદંડમાં સમગ્રપણે આવેલો હોય છે.
પર્ણ પરિપક્વ થતાં પતનપ્રદેશમાં પતનસ્તરનો વિકાસ થાય છે. તે પર્ણપતનમાં રચનાત્મક રીતે મદદ કરે છે. પતન-પ્રદેશ રચનાની દૃષ્ટિએ પર્ણદંડનો સૌથી નબળો ભાગ છે. આ પ્રદેશમાં બહારથી છીછરો ખાડો ઉત્પન્ન થાય છે. અને અધિસ્તરનો રંગ બદલાય છે. વાહીપુલોનો વ્યાસ ઘટે છે. સ્થૂલકોણક પેશી હોતી નથી અને દૃઢોત્તક પેશી નબળી બને છે અથવા તેનો સંપૂર્ણ અભાવ હોય છે. આ પ્રદેશના મૃદુતક કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે.
પર્ણપતનની પ્રક્રિયા સામાન્ય રીતે પર્ણદંડના પરિઘવર્તી પ્રદેશમાંથી શરૂ થાય છે અને મધ્ય તરફ આગળ વધે છે. પતનસ્તર વાહીપુલના મૃદુતકીય કોષોના સંપર્કમાં રહે છે, જ્યારે જલવાહક અને અન્નવાહક તત્ત્વો અને બીજા નિર્જીવ કોષો યાંત્રિક રીતે તૂટી જાય છે. ટાયલોસિસને કારણે અને ગુંદરના સ્રાવને લીધે વાહીપુલના પ્રાથમિક વાહકકોષો બંધ થાય છે, પરંતુ દ્વિતીયક તત્ત્વો દ્વારા વહનની ક્રિયા પૂરતા પ્રમાણમાં થાય છે. તેથી પર્ણપતન ન થાય ત્યાં સુધી પર્ણ આશૂન અને તાજું રહે છે. પર્ણ છૂટું પડવાના થોડાક સમય પહેલાં કોષોની બહારની દીવાલ અને મધ્યપટલ (middle hamella) શ્લેષ્મી બને છે અને છેવટે દ્રવી જાય છે. મધ્યપટલમાં આવેલ અદ્રાવ્ય કૅલ્શિયમ પૅક્ટેટનું દ્રાવ્ય પૅક્ટિનમાં રૂપાંતર થાય છે. તેથી કોષો મધ્યપટલથી છૂટા પડી જાય છે. આંતરકોષીય પદાર્થો અને બહારની કોષદીવાલના દ્રવવાથી કોષો એકબીજાથી તદ્દન અલગ થાય છે. છેવટે પર્ણને માત્ર વાહક તત્ત્વોનો આધાર રહે છે અને પોતાના વજનથી પવન દ્વારા પર્ણ પ્રકાંડથી છૂટું પડી જાય છે.
ભેજવાળી આબોહવામાં પર્ણોમાં પાણીનો વધારો થવાથી અને શ્લેષ્મી કોષદીવાલનું જલીકરણ થવાથી પર્ણપતનની ક્રિયા ઝડપી બને છે.
પર્ણપતન પછી ખુલ્લી થયેલી સપાટીએ રક્ષક-સ્તર વિકાસ પામે છે. તે પ્રાથમિક અથવા દ્વિતીયક ઉદ્ભવ ધરાવે છે. રક્ષક-સ્તરો પૈકીનું એક સ્તર પતનપ્રદેશમાં આવેલું હોય છે. દ્વિતીયક રક્ષક-સ્તર લાક્ષણિક રીતે પરિચર્મ હોય છે. પતન-સ્તરની નીચે સ્યુબેરીન અને લિગ્નીનનું એકત્રીકરણ થતાં ક્ષતચિહ્ન (scar) ઉત્પન્ન થાય છે. તે ઈજા, ચેપ અને પાણીના વ્યય સામે રક્ષણ આપે છે. કેટલીક વનસ્પતિઓમાં પર્ણપતન પછી પતન-સ્તરની નીચે પરિચર્મ ઉત્પન્ન થાય છે અને તે પ્રકાંડના પરિચર્મ સાથે સાતત્ય દર્શાવે છે.
ઍબ્સીસિક ઍસિડ (ABA) નામના વૃદ્ધિ-અવરોધક અંત:સ્રાવની અસર હેઠળ પતન-સ્તર નિર્માણ પામે છે. આ અંત:સ્રાવ પર્ણ-પતન માટે જવાબદાર ઉત્સેચકોના સંશ્લેષણને ઉત્તેજે છે. ઇથિલિન પણ પર્ણપતનની ક્રિયાને ઉત્તેજતો અંત:સ્રાવ છે. તેની સીધી ઉત્તેજક અસર સેલ્યુલોઝ(સેલ્યુલોસનું જલીકરણ કરતો ઉત્સેચક)ના સંશ્લેષણ પર થાય છે, જે પતનપ્રદેશના કોષોમાંથી સ્રવે છે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર