પતંગ–2 / પત્રાંગ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી(પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia sappan Linn. (સં. રક્તકાષ્ઠ, પત્રાંગ; પટ્ટરંજક, કુચંદન, પત્રાધ્ય, રક્તસાર, રંજન; હિં. પતંગ; બકમ, બં. બકમ, મ. પતંગ; તા. સપંગ, બારતાંગી; પતુંગમ્; તે. બકમુ, મલા. ચપ્પનં.; સપ્પનમ, ક. પત્તંગ, સપ્પંગે; પર્શિયન બકમ, અ. બગ્ગમ; ઉર્દૂ બકમ, ઉ. બકોમો, ફા. બકમ, અં. સપ્પનવૂડ, બ્રાઝિલ વૂડ બુક્કુમ વૂડ, ઇન્ડિયન રેડવૂડ, ફૉલ્સ સૅન્ડલવૂડ, સપ્પન લિગ્નમ) છે.
વિતરણ : તે ફિલિપાઇન્સ, ભારત, મ્યાનમાર, થાઇલૅન્ડ, ઇન્ડો-ચાઇના, દક્ષિણ ચીનથી મલેશિયા અને શ્રીલંકામાં થાય છે. તે દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ, ઓરિસા અને મધ્યપ્રદેશમાં કુદરતી રીતે કે સ્થળાંતરિત (escape) જાતિ તરીકે થાય છે.
બાહ્ય લક્ષણો : તે ફેલાતું નાનું વૃક્ષ (10 મી. સુધીની ઊંચાઈ) કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. તેનાં પ્રકાંડ કે શાખાઓ ઉપર જોડમાં વાંકા કાંટાઓ અને હવાછિદ્રો (lenticels) આવેલાં હોય છે. પર્ણો મોટાં, 50 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં, રોમિલ(hairy)થી માંડી અરોમિલ (glabrous), દ્વિપીંછાકાર (bipinnate) સંયુક્ત હોય છે. પ્રત્યેક પર્ણ 9-14 જોડ પિચ્છક (pinna) ધરાવે છે. 10-20 સેમી. લાંબા હોય છે અને દરેક પિચ્છક ઉપર 10-20 જોડ પર્ણિકાઓ હોય છે. પર્ણિકાઓ તિર્યક્ત: (obliquely) લંબચોરસ (oblong)થી માંડી લંબ-ચતુષ્કોણી (oblong-rhomboid), પાતળી અને ત્રાંસી છેદિત (truncate) હોય છે.
પુષ્પો પીળાં, અધિકક્ષ (super-axillary) કે અગ્રસ્થ કલગી સ્વરૂપે ગોઠવાયેલાં અને 2.0-2.5 સેમી. વ્યાસ ધરાવે છે. ફળ સખત, અસ્ફોટનશીલ (indehiscent), લીલા રંગનું, ચળકતું, શિંબી (legume) પ્રકારનું, 7.0 × 3.5-4.0 સેમી. અને ઉપરના છેડે પ્રતિવક્ર (recurved) ચાંચ તથા 3-4 ઉપવલયાકાર (elliptical) કાળાં બીજ ધરાવે છે.
આ વૃક્ષ તેના પીળા રંગનાં મોટા પુષ્પગુચ્છો માટે ઉછેરવામાં આવે છે. તેની શાખાઓ અંતર્ગ્રથિત થાય ત્યારે એક મજબૂત અવરોધ (barrier) બનાવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તેની વૃદ્ધિ ઝડપી હોય છે.
કાષ્ઠની સંરચના : તેનું કાષ્ઠ નારંગી-લાલ, કઠોર, ખૂબ ભારે (વજન : 1073 કિગ્રા./મી.3), સુરેખ-કણિકાયુક્ત (straight-grained), સૂક્ષ્મ અને સમગઠનવાળું હોય છે. તેના પર સરળતાથી ખરાદીકામ થઈ શકે છે અને તે પૉલિશ પણ સારી રીતે ગ્રહણ કરે છે; પરંતુ તેનું સંશોષણ (seasoning) કરવું મુશ્કેલ હોય છે; કારણ કે તે ચિરાઈ જવાનું અને વળી જવાનું વલણ ધરાવે છે. જમીન સાથેના સંપર્કમાં હોય ત્યારે તે ટકાઉ હોય છે. તે કૅબિનેટ, લાકડી અને સુશોભિત નમૂનાઓ બનાવવામાં ઉપયોગી છે.
કાષ્ઠનો પહેલાં સૂતર, ઊન અને રેશમ રંગવામાં ઉપયોગ થતો હતો. પરંતુ તેને સ્થાને હવે મોટે ભાગે સાંશ્લેષિક (synthetic) રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
વનસ્પતિ-રસાયણ :
કાષ્ઠ : કાષ્ઠ β- ઍમાય્રિન અને ગ્લુકોઝ ધરાવતો ગ્લાયકોસાઇડ અને મુક્ત ઍમિનોઍસિડો : ઍલેનિન, ઍસ્પાર્ટિક ઍસિડ, ગ્લાયસિન, પ્રોલિન, વૅલાઇન, લ્યુસિન, થ્રીઓનિન; મુક્ત શર્કરાઓ : લૅક્ટોઝ, ટેલૅક્ટોઝ, સોબૉઝ, 4-મિથાઇલ ગેલૅક્ટોઝ, 3, 4 ડાઇ મિથાઇલ ગેલૅક્ટોઝ, 2-ડીઑક્સિરાઇબોઝ અને ગ્લુકોઝ ધરાવે છે.
અંત:કાષ્ઠ (heart–wood) : તે કાષ્ઠના ફુલ કદના 90 % જેટલું કદ ધરાવે છે. તેનો રંગ તાજા નમૂનામાં પીળો કે ઘેરો નારંગી અને પછીથી ઘેરો લાલ રંગ બને છે. તે કેટલાંક સુવાસિત (aromatic) સંયોજનો ધરાવે છે : બ્રાઝિલિન, સૅપ્પનચાલ્કોન, સીઝાલ્પિન J (C17H16O6, ગ.બિં. 24243° સે.) સીઝાલ્પિન P (C16H12O6, ગ.બિં. 216-18° સે.), પ્રોટોસૅપ્પિન A, પ્રોટોસૅપ્પિન B અને બ્રાઝિલિન સાથે સંબંધિત આઠ સંયોજનો : સંયોજન 1 (C16H14O5, ગ.બિં. 192-94° સે.), સંયોજન 2 (C16H12O5 ગ.બિં. 220-210 સે.), સંયોજન 3 (C16H14O6, [∝]D વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન + 51.6°), સંયોજન 4 (C16H16O6 ગ.બિ. 15760° સે. [∝]D+ 3.7°), સંયોજન 5 (C17H18O6[∝]D+ 53.6°), સંયોજન 6 (C17H18O6 [∝]D-34.80), સંયોજન 7 (C16H16O6 [∝]D8.9°), સંયોજન 8 (C16H14O6 [∝]D 34.0°) અને β-સિટોસ્ટેરૉલ, સ્ટિર્ગ્નેસ્ટેરૉલ, ડૉકોસ્ટેરિન, ઑક્ટાકોસેનૉલ તથા ટેરેક્સેરૉલ.
પ્રોટોસેપ્પેનિન A સૅપ્પેનચાલ્કોનનો ચયાપચયક (metabolite) છે અને સૅપ્પેનિનનો પૂર્વગ (precursar) છે; જ્યારે સૅપ્પેનોચાલ્કોન બ્રાઝિલિનનો જૈવસાંશ્લેષિક (bio-synthetic) પૂર્વગ છે, સંયોજન 6 સંયોજન 5નો ત્રિપરિમાણી સમાવયવ (stereoisomer) છે. કાષ્ઠ(lignum)માંથી મૉનોહાઇડ્રૉક્સિબ્રાઝિલિન અને બૅન્ઝાઇલડાઇહાઇડ્રૉબૅન્ઝોફ્યુરેનનાં વ્યુત્પન્નો મળી આવ્યાં છે. અંત:કાષ્ઠના, પેટ્રોલિયમ ઇથરના નિષ્કર્ષમાંથી 1.5 % સ્થિર તેલ પ્રાપ્ત થયું છે. તેના ફૅટી ઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : પામિટિક 27.6 %, સ્ટીઅરિક 44.1 %, લિનોલૅઇક 25.9 % અને ઑલેઇક 2.23 %.
આ ઉપરાંત, અલગ કરાયેલાં અન્ય આઇસોફ્લેવોનૉઇડોમાં નીઓસીઝાલ્પિન A, નીઓસીઝાલ્પિન B, બે ડાઇબૅન્ઝૉક્સોસિન : પ્રોટોસૅપ્પેનિન A, પ્રોટોસેપ્પેનિન C, બે લિગ્નેન : (ણ્)-લાયનિરેસિનૉલ, ()-સિરિન્જેરેસિનૉલ, બે ચાલ્કોન : 3-ડીઑક્સિસ્પ્પેનચાલ્કૉન, સેપ્પેનચાલ્કોન ત્રણ નવાં હોમોઆઇસોફ્લેવોનૉઇડો : 7-હાઇડ્રૉક્સિ 3-(4’-હાઇડ્રૉક્સિબૅન્ઝિલિડીન)-ક્રોમેન-4-ઑન, 3, 7 – ડાઇહાઇડ્રોક્સિ-3-(4’-હાઇડ્રૉક્સિબૅન્ઝાઇલ-ક્રોમેન-4-ઑન અને 3,4,7-ટ્રાઇહાઇડ્રૉક્સિ-3-(4’-હાઇડ્રૉક્સિબૅન્ઝાઈલ)-ક્રોમેન : તે સેપ્પેનૉલ, એપિસેપ્પેનૉલ, 3’ – ડીઑક્સિસેપ્પેનૉલ, 3’-0-મિથાઇલસેપ્પેનૉલ, 3’-0 મિથાઇલ એપિસેપ્પેનૉલ, 3’-0 મિથાઇલબ્રાઝિલિન, 4-0-મિથાઇલ સેપ્પેનૉન, 4-0- મિથાઈલ એપિસેપ્પેનૉલ, સેપ્પેનૉન B, 3 ડીઑક્સિસેપ્પેનોન – B, 3’ – ડીઑક્સિસેપ્પેનૉન B અને એક ડાઇબૅન્ઝૉક્સોસિન વ્યુત્પન્ન, 10-0- મિથાઇલ-પ્રોટોસેપ્પેનિન B, 4,4’-ડાઇહાઇડ્રૉક્સિ-2’-મિથૉક્સિચાલ્કૉન, 8-મિથૉક્સિ-બોન્ડુસેલિન, ક્વિર્સેટિન, ર્હેમ્નેટિન અને ઓમ્બુઇન. બે ફૅટી ઍસિડો : ડાઇમિથાઇલ એડિપેટ અને સ્ટીઅરિક ઍસિડ ધરાવે છે.
અભ્યાસ દરમિયાન, વિવિધ પ્રકારનાં ફીનૉલીય સંયોજનો, એક ઝેન્થૉન, એક કાઉમેરિન અને અન્ય સંયોજનો પ્રાપ્ત થયાં છે.
બ્રાઝિલિન [C6aS – સિસ)-7, 11, 6 ડાઇહાઇડ્રૉબૅન્ઝ [β] ઇન્ડેનો [1, 2-d] પાયરેન – 3, 6 α 9,10 (6H)-ટેટ્રૉલ], પતંગના અંત:કાષ્ઠમાં મળી આવતું એક મુખ્ય અને જૈવસક્રિય સંયોજન છે. પહેલાં તે દક્ષિણ-પૂર્વ એશિયામાં અંત:કાષ્ઠમાંથી પ્રાપ્ત થતા લાલ રંગ માટે વાવવામાં આવતું હતું. હવાન, ઑક્સિજન દ્વારા બ્રાઝિલિન રંગનું ઉપચયન (oxidation) થતાં તે બ્રાઝિલેઇનમાં ફેરવાય છે.
પર્ણોમાંથી આનંદદાયી સુવાસવાળું બાષ્પીશીલ તેલ (0.160.24 %) પ્રાપ્ત થાય છે. તેલ d-α- ફેલેન્ડ્રીન, ટર્પીન, મિથાઇલ આલ્કોહૉલ અને ઓસિમીન ધરાવે છે. તેલ ગ્રામ(+) અને ગ્રામ () બૅક્ટેરિયા સામે સક્રિયતા દર્શાવે છે; તથા Aspergillas nidulans સામે ફૂગરોધી (antifungal) પ્રક્રિયા દાખવે છે. શિંગમાં લગભગ 40 % જેટલું ટૅનિન હોય છે.
બીજનાં પેટ્રોલિયમ ઈથર નિષ્કર્ષમાંથી નારંગી રંગનું સ્થાયી તેલ (18 %) પ્રાપ્ત થાય છે. તેના ભૌતિક રાસાયણિક અચળાંકો આ પ્રમાણે છે : ઘનતા(d28°) 0,9238, વક્રીભવનાંક, nD28 1.4834, આયોડિન-મૂલ્ય 117.9 અને સાબૂકરણ-આંક (sap. val.) 198.3, તેલમાં રહેલા ફૅટિ ઍસિડનું પ્રમાણ આ મુજબ છે : કૅપ્રીલિક 2.25, કૅપ્રિક 0.97, લૉરિક 0.46, મિરિસ્ટિક 1.62, મિરિસ્ટોપામિટિક 0.57, પામિટિક 18.76, પામિટોલીક 1.65, ઑલીક 27.30, લિનોલીક 31.60, લિનોલેનિક 14.75 અને એરેકિડિક 0.07 %. લિપિડરહિત બીજમાં 7 % જેટલું પ્રોટીન હોય છે. બીજના પ્રોટીનમાં હાજર ઍમિનોઍસિડ આ પ્રમાણે છે : એલેનિન, સિસ્ટિન, ગ્લાયસિન, આઈસોલ્યુસિન, લાયસિન, થ્રીઑનિન, ટ્રિપ્ટોફૅન અને વેલાઇન.
બીજમાંથી પાંચ નવાં કેસ્સેન ડાઇટર્પીનૉઇડો, ફેન્ગિનીન R-T(1-3) અને સીઝાલ્સેપ્પેનિન M અને (4 અને 5) તથા અન્ય આઠ સંયોજનો પ્રાપ્ત થયાં છે, જે આ પ્રમાણે છે : (1) ટેક્ટોરિજેનિન, (2) સેપ્પેનૉન A, (3) 3-ડીઑક્સિસૅપ્પોનૉન B, (4) 3-ડીઑક્સિસેપ્પેનચાલ્કોન, (5) સૅપ્પેનચાલ્કૉન, (6) પ્રોટોસૅપ્પેનિન, (7) () – સિરિન્ગેરેસિનૉલ અને (8) ઍપિસેપ્પેનૉલ.
પ્રણાલિકાગત ઉપયોગો : કાષ્ઠ અને છાલનો ક્વાથ, ક્ષય, અતાનીય (atomic) અતિસાર, મરડો, પ્રસવોત્તર (postpartum) બલ્ય તરીકે, ત્વચાના રોગો, વ્રણ અને પાંડુરોગમાં ઉપયોગી છે. બીજ પેટના દુખાવામાં અને ચેતાતંત્રના વિકારોમાં ઉપયોગમાં લેવાય છે. કાષ્ઠનો ક્વાથ સ્ત્રીઓને પ્રસવ (cofinement) પછી બલ્ય તરીકે, આર્તવજનક (emmanogogue) અને લોહીની ઊલટીમાં આપવામાં આવે છે. શુષ્ક અંત:કાષ્ઠનો શોથમાં ઉપયોગ થાય છે. ક્વાથ મૂત્રલ (diuretic) તરીકે વાપરવામાં આવે છે. મૂળ, પ્રકાંડ અને બીજ શામક (sedative) અને ક્ષતરોહી (vulnerary) છે.
ઇન્ડોચાઇનામાં બીજનો ઉપયોગ ક્ષુધાપ્રેરક (stomachic) તરીકે થાય છે. કાષ્ઠનો ક્વાથ સ્તન્યવર્ધક છે.
થાઇલૅન્ડમાં તેનો ઉપયોગ સંધિશોથ (arthritis), કૅન્સર અને શોથકારી તકલીફોમાં કરવામાં આવે છે.
યુનાની ચિકિત્સામાં છાતી અને ફેફસાંમાં થતા રક્તસ્રાવને અટકાવવા, વ્રણ-વિરોહણ (healing)માં, આમવાતની ચિકિત્સામાં અને રંગ-રૂપ(complexion)ની સુધારણા માટે તેનો ઉપયોગ થાય છે.
કેરળમાં અંત:કાષ્ઠના ક્વાથનો રક્તશુદ્ધિ માટે, તૃષારોધી (antithirst) અને મધુપ્રમેહરોધી (antidiabetic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
કાષ્ઠનો આસવ શક્તિશાળી સ્તંભક (astringent) અને આર્તવજનક છે. તે અતિસાર અને મરડામાં આપવામાં આવે છે. તેનો મલમ આમવાત (rheumatism), રક્તસ્રાવ (haemorrhage) અને વ્રણ(wound)ની ચિકિત્સામાં ઉપયોગી છે. કાષ્ઠના ઉષ્ણ-જલીય અને ક્લૉરોફૉર્મ-નિષ્કર્ષો ચક્રીય AMP (એડિનોસાઇન મોનોફૉસ્ફેટ) ફૉસ્ફોડાઈએસ્ટરેઝ પર અવરોધક અસર દર્શાવે છે.
અન્ય ઉપયોગો : રંગ (dye) અંત:કાષ્ઠ કીમતી લાલ સ્ફટિકી (crystalline) રંગ, બ્રાઝિલિન ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે રંગ-કાષ્ઠ (dye-wood) તરીકે, સૂતર, રેશમ અને ઊનનાં વસ્ત્રો રંગવા માટે, સુતરાઉ કાપડના છાપકામમાં, ચામડું રાચરચીલું અને હસ્તઉદ્યોગમાં થાય છે. તેનો દારૂ અને માંસ, આહારીય ઊપજો અને ઔષધરસાયણો (pharmaceutical)ને રંગવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
લૅમ્બેનોગ : ફિલિપાઇન્સમાં આવેલા ક્વેઝોન પ્રાંતના કેટલાક ભાગોમાં લૅમ્બેનોગ (નાળિયેરનો દારૂ) માટે પતંગના કાષ્ઠનો રંગ ખૂબ લોકપ્રિય છે.
કાષ્ઠ : (1) તેના કાષ્ઠનો ઈંધણ (firewood) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઊર્જામૂલ્ય 5972.3 કિ. કૅલરી/કિગ્રા. છે. (2) રેડવૂડ કે બ્રાઝિલવૂડ તરીકે તેનું વ્યાપારિક મહત્ત્વ છે. (3) તેનો સુથારીકામમાં કૅબિનેટ, વાયોલિન, ચાલવા માટેની લાકડીઓ અને સુશોભિત નમૂનાઓ બનાવવામાં ઉપયોગ થાય છે.
બ્રાઝિલિન રંગ શોથરોધી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે. ચહેરાનાં શૃંગાર-પ્રસાધનોનાં ઉત્પાદનમાં પતંગનાં રંજકદ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ પ્રકાશ, ઉષ્મા અને પાણી માટે અવરોધક છે તથા પ્રકોપહીન (non-irritating) ગુણધર્મ ધરાવે છે.
પત્રાંગના ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : તે પ્રતિ-ઉપચાયી (anti-oxidant), પ્રતિજીવાણુક (antibacterial), પ્રતિશોથકારી (anti-inflammatory), પ્રતિપ્રકાશિકજીર્ણતા (anti-photoaging), અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic), વાહિકા શિથિલક (vasorelaxant), યકૃતસંરક્ષી (hepatoprotective), ખીલરોધી (anti-acne), પ્રતિરક્ષા દમનકારી (immunosuppressive), પ્રતિઆક્ષેપકારી (anticonvulsant), ઝેન્થિન ઑક્સિડેઝ પ્રતિરોધક (inhibitor), પ્રત્યૂર્જકરોધી (anti-allergic), હૃદ્-સક્રિય (cardioactive), વૃક્કસંરક્ષી (nephroprotective), અર્બુદરોધી (antitumor), સંધિશોથરોધી (anti-arthritis), કૃમિનાશક (anthelmintic) HIVરોધી (anti-HIV-1), વ્રણવિરોહણ (wound healing), કોષવિષાળુતા (cytotoxicity) અને ક્રમિકમૃત્યુધર્મીક્ષમતા (apoptotic potential) વેદનાહર (analgesic) ગુણધર્મો ધરાવે છે.
સાહિત્યિક સમીક્ષા : પત્રાંગ ઔષધનો વેદમાં ઉલ્લેખ થયો નથી, બૃહત્રયી અને લગભગ બધા નિઘંટુઓમાં આ ઔષધનું સ્પષ્ટ ચિત્ર વર્ણવવામાં આવ્યું છે.
* આચાર્ય ચરકે તેને ‘શુકધાન્ય’ વર્ગમાં મૂક્યું છે. તેમણે પત્રાંગને શીતવીર્ય અને મધુરવિપાક ગણાવ્યું છે તથા માતાના રોગો અને વીર્ય તથા આર્તવ વિશે સૂચવ્યું છે.
* આચાર્ય સુશ્રુત અને આચાર્ય વાગ્ભટ્ટે પત્રાંગને ‘શુકધાન્ય’ વર્ગમાં મૂક્યું છે.
* આચાર્ય વાગ્ભટ્ટે પત્રાંગના મધુર રસ અને મધુર વિપાકનું વર્ણન કર્યું છે. તે મૂત્રકૃચ્છ્ર (disuria), વિબંધ (constipition) જેવા રોગોમાં ઉપયોગી છે તેમ દર્શાવ્યું છે.
* ધન્વંતરિ નિઘંટુમાં પત્રાંગને ‘ચંદનાદિ’ વર્ગ હેઠળ મૂકવામાં આવ્યું છે. તેમાં પત્રાંગનાં સમાન નામો (synonyms) જેવાં કે, કુચંદન, પતંગ, પત્રાંગ વગેરે સૂચવવામાં આવ્યાં છે. તે કષાય, તિક્ત અને મધુર રસ તથા કટુ વિપાક ધરાવે છે.
* ભાવપ્રકાશ નિઘંટુમાં પત્રાંગનો ‘કર્પૂરાદિ’ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે પિત્ત-કફ અને વ્રણ તથા દાહનું શમન કરે છે.
* રાજનિઘંટુમાં પત્રાંગને ‘ચંદનાદિ’ વર્ગમાં મૂકવામાં આવ્યું છે. તેમાં પત્રાંગનાં રક્તકાષ્ઠ, સુરંગ, પત્રાંગ સમાન નામો આપવામાં આવ્યાં છે. તે વાત, પિત્ત, જ્વર, વિસ્ફોટ અને ઉન્માદનું શમન કરે છે.
આયુર્વેદ અનુસાર પતંગના ગુણધર્મો આ પ્રમાણે છે :
ગુણ : રુક્ષ, રસ : કષાય, તિક્ત, મધુર, વિપાક : કટુ, વીર્ય : શીત
કર્મ
તે રુક્ષ અને મુખ્યત્વે તિક્ત-કષાય હોવાથી કફપિત્તશામક છે. તેનો બાહ્યપ્રયોગ વ્રણરોપણ, રક્તસ્તંભન અને કુષ્ઠઘ્ન તરીકે થાય છે. તે સ્તંભન, શોણિતસ્થાપન, પ્રમેહઘ્ન અને યોનિગત સ્રાવ અટકાવનાર છે. તે કુષ્ઠઘ્ન અને દાહપ્રશામક છે. તે મસ્તિષ્કશામક અને આક્ષેપહર છે. તે સુગંધી છે.
પ્રયોગ
પતંગનો પ્રયોગ વિશેષત: કફપિત્તના વિકારોમાં કરવામાં આવે છે. તેનો લેપ વ્રણો અને ચર્મરોગોમાં કરવામાં આવે છે. રક્તસ્રાવ રોકવા માટે તેનું ચૂર્ણ છાંટવામાં આવે છે. તે અતિસારમાં લાભદાયી છે. તે રક્તપિત્તમાં અને પ્રમેહરોગમાં ઉપયોગી છે. તેનાથી મૂત્રનું પ્રમાણ ઓછું થાય છે. યોનિના રોગોમાં ખાસ કરીને રક્તપ્રદર અને શ્વેતપ્રદરમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ રોગોમાં ક્વાથ, અરિષ્ટની સાથે સાથે તેના ક્વાથની ઉત્તરબસ્તિ આપવામાં આવે છે. તે ઉન્માદ, અપસ્માર જેવા વિકારોમાં ઉપયોગી છે. તે કુષ્ઠરોગ પ્રયુક્ત હોય છે. દાહના શમન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે રોહિણી(diphtheria), પિત્તજ્વર અને મુખરોગમાં ઉપયોગી છે.
પ્રયોજ્ય અંગ : સાર.
માત્રા : ક્વાથ – 50-100 મિલી..
તેલ 5-15 ટીપાં.
ચૂર્ણ 1-2 ગ્રા..
વિશિષ્ટ યોગ : પત્રાંગાસવ, પત્રાંગાદિ લેપ
कुचंदन तु तिक्त स्यात् सुगंधि व्रणरोपणम् । ઘ.નિ.
पतंग मधुरं शीतं पत्तश्लेष्मव्रणास्रनुत् ।
हरिचंदनवद् वेद्य विशेषाद् दाहनाशनम् ।। ભાવપ્રકાશ
वातपित्तज्वरघ्नं च विस्फोटोन्मादभूतहृत् । રાજનિઘંટુ
બળદેવભાઈ પટેલ