પતંગ–1 : વનસ્પતિઓના દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ સીઝાલ્પિનિયેસી (પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Haematoxylon campachianum Linn., syn. cymsepalum baronial Baker (સં. પતંગ, રક્તકાષ્ઠ, રક્તસાર, પત્રાંગ, રંજન, પટ્ટરંજક; હિં. પતંગ; બકમ, બં. બોક્કાન; બકમ, તે. ગબ્બી, બુક્કપુચેટ્ટુ; ક. પર્તંગા; અં. લૉગ્વૂડ, કૅમ્પીઅચી ટ્રી) છે.
વિતરણ : પતંગ મૅક્સિકો (કૅમ્પેચીનો અખાત અને યુકેટેન દ્વીપકલ્પ) અને મધ્ય અમેરિકામાં આવેલ ગુટેમાલા અને બેલિઝનું મૂળ વતની છે. પશ્ચિમ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇંડીઝ, દક્ષિણ અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા અને કેટલાક પૅસિફિક દ્વીપો જેવા ઘણા ઉષ્ણકટિબંધીય દેશોમાં તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયું છે. તેને ભારતીય ઉદ્યાનો અને રસ્તાઓની બંને બાજુએ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તે પ્રાથમિકત: સપાટભૂભાગ (terrain) ઉપર માટિયાળ (clayey) મૃદામાં; અપૂર્ણ જલનિકાસ (drainage) અને સામયિક (periodic) અધિસીંચન (flooding) ધરાવતા ક્ષેત્રમાં થાય છે. તે સિવાય આ જાતિ વિક્ષેપિત (disturbed) દ્વિતીયક જંગલોમાં, નદીકિનારે, શુષ્ક જંગલોની નિમ્નભૂમિ (low land), નગર ઉપવનો અને ઋતુનિષ્ઠ જલાક્રાન્ત (waterlogged) વિસ્તારોમાં થાય છે.
બાહ્યાકારવિદ્યા (morphology) : તે નાનો કાંટાળો ગ્રંથિલ (gnarled) ક્ષુપ કે 15 મી. સુધીની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું વૃક્ષ છે. તેનું થડ ખાંચોવાળું અથવા વાંકુંચૂકું અને 2-3 મી.ની ઊંચાઈ અને 60 સેમી.નો વ્યાસ ધરાવે છે. છાલ ઘેરી બદામી કે ભૂખરી, લીસી અને નાની પતરીઓ સ્વરૂપે ઊખડે છે. પર્ણો એકાંતરિત, યુગ્મપીંછાકાર (paripinnate), સંયુક્ત; ઉપપર્ણો (stipules) અંશત: કંટસદૃશ, પર્ણિકાઓ 2-4 જોડ, પ્રતિઅંડાકાર (obovate) કે પ્રતિહૃદયાકાર (obcordate), 10-35 મિમી. x 5-25 મિમી., શિરાઓ ખીચોખીચ ગોઠવાયેલી; તલભાગેથી તીક્ષ્ણ (acute), ટોચેથી ગર્તી (emarginate) અને અરોમિલ (glabrous) હોય છે.
5-20 સેમી. લાંબી કક્ષીય કલગી (raceme) સ્વરૂપે નાનાં પીળા રંગનાં પુષ્પો ગોઠવાયેલાં હોય છે. પુષ્પો મીઠી સુવાસવાળાં પંચાવયવી (pentamerous) અને દ્વિલિંગી (bisexual) હોય છે. વજ્ર (calyx) 4-5 મિમી. લાંબું અને ઊંડી સુધી છેદાયેલું હોય છે. દલપત્રો (petals) 57 મિમી. લાંબાં, પીળા રંગનાં અને ચમકતાં હોય છે. પુંકેસરો (stamens) 10 અને મુક્ત હોય છે. સ્ત્રીકેસરચક્ર (gynoecium) એક સ્ત્રીકેસરી, બીજાશય ઊર્ધ્વસ્થ (superior), ટૂંકા દંડયુક્ત, અરોમિલ અને પાતળી પરાગવાહિની(style)નું બનેલું હોય છે.
ફળ ભાલાકાર (lanceolate), શિંબી (legume), અત્યંત ચપટું, 3-5 સેમી. લાંબું, બંને છેડેથી અણીદાર અને સ્ફોટન સીવનો (sutures)થી ન થતાં બાજુઓના મધ્ય ભાગેથી થાય છે. તે બે બીજ ધરાવે છે.
તેનું પ્રસર્જન બીજ કે કટકારોપણ દ્વારા થાય છે.
જનીનવિજ્ઞાન (Genetics) – પતંગના કોષોમાં રંગસૂત્રોની દ્વિગુણિત (2n) સંખ્યા 24ની હોય છે.
રાસાયણિક બંધારણ :
અંતકાષ્ઠ : પતંગના અંત:કાષ્ઠ(heart-wood)ને વ્યાપારિક દૃષ્ટિએ ‘લૉગવૂડ’ કહે છે. તે ભૂખરો, જાંબલી, ભૂરો અને કાળો રંગ ઉત્પન્ન કરે છે, જેમાં વધારે ઘેરી છાંટ આવેલી હોય છે. તેના અંત:કાષ્ઠમાં હીમેટોક્સિલિન, C16H14O6, 3H2O (તેનું પ્રમાણ લગભગ 10 % જેટલું) નામનું રંગીન નીઓફ્લેવૉનૉઇડ હોય છે. તે નોંધપાત્ર પ્રતિશોથકારી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે. તેના મંદ ઉપચયન (oxidation)થી હીમેટીન (C16H12O6) ઉત્પન્ન થાય છે. તે લીલી ધાત્વીય ચમક સાથેનો ઘેરા જાંબલી રંગનો સ્ફટિકમય પદાર્થ છે.
પતંગના પ્રકાંડમાંથી હોમોઆઇસોફ્લેવોનૉઇડનો વિશિષ્ટ ઉપવર્ગ શોધાયો છે. તેઓ છાલ, અંત:કાષ્ઠ, પર્ણો અને બીજમાં મળી આવે છે. કુદરતમાં તેઓ ભાગ્યે જ જોવા મળે છે. હોમોઆઇસોફ્લેવોનૉઇડો પ્રતિસૂક્ષ્મજીવીય (anti-microbial), પ્રતિવિકૃતિજન્ય (anti-mutagenic), પ્રતિ-ઉપચાયી (anti-oxidant), પ્રતિરક્ષાનિયામકી (immunomodulatory), પ્રતિમધુપ્રમેહી (anti-diabetic), કોષવિષાળુ (cytotoxic), પ્રતિવાહિકાજન્ય (anti-angiogenic), વાહિકાશિથિલક (vasorelaxant) અને પ્રતિશોથકારી જેવી જૈવ સક્રિયતાઓ(bioactivities)નો વિસ્તૃત પટ (broad spectrum) ધરાવે છે. તેઓ પ્રબળ ટાયરોસીન કાઇનેઝ પ્રતિરોધક (inhibitory) સક્રિયતા ધરાવે છે. પતંગના અંત:કાષ્ઠમાંથી ત્રણ નવા હોમોઆઇસોફ્લેવોનૉઇડો પ્રાપ્ત થયા છે : (1) એપિહીમેટોઝાયલૉલ B, (2)10-O- મિથાઇલહીમેટોઝાયલૉલ B અને (3) 10-O મિથાઇલ એપિહીમેટોઝાયલૉલ B. તે ઉપરાંત ત્રણ ફ્લેવોનૉઇડો, છ લિગ્નેન અને ત્રણ અસંતૃપ્ત ફૅટી ઍસિડો પણ મળ્યા છે.
અંત:કાષ્ઠ ટૅનિનો, રાળ, ક્વિર્સેટિન, અત્યંત અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ, ઑક્સેલિક ઍસિડ અને ઍસેટિક ઍસિડ ધરાવે છે.
પતંગની શુષ્ક શાખાઓના જૈવરાસાયણિક અભ્યાસમાં 19 જેટલા જાણીતા ફીનૉલીય ઍસિડો અને ફ્લેવોનૉઇડો પ્રાપ્ત થયા છે : ગૅલિક, ઇલેજિક, ફેરુલિક, કૅફેઇક, ક્લૉરજેનિક અને સિરિન્જિક ઍસિડો, મિથાઇલ અને ઇથાઇલ ગૅલેટો, કૅમ્પ્ફેરૉલ અને ક્વિર્સેટિન – 3 – O- રુટિનોસાઇડો, ક્વિર્સેટિન 3 – O – એરેબિનોસાઇડ, ક્વિર્સેટિન-3,4’-O-ડાઇગ્લુકોસાઇડો, ક્વિર્સેટિન-3-O-ર્હેમ્નોસાઇડ, કૅમ્પ્ફેરૉલ-3-O-ગૅલેક્ટોસાઇડ; અને ઍગ્લાયકોનો ક્વિર્સેટિન, કૅમ્પ્ફેરૉલ, ર્હેમ્નેટિન, આઇસોર્હેમ્નેટિન અને 1, 2, 3, 5, 6 – પૅન્ટાગેલૉઇલ ગ્લુકોઝ, માયકોબૅક્ટેરિયા – વિશિષ્ટ પ્રતિજૈવિક (antibiotic) છે.
પર્ણો : તેનાં પર્ણો ક્વિર્સેટિન, ટૅનિનો, ઇલેજિક ઍસિડ, માયરીસેટીન ઉપરાંત ઇથાઇલ ગૅલેટ ધરાવે છે; જે પર્ણોમાંથી ચાર જાણીતા ગૅલોટેનિનોની સાથે બે નવાં સંયોજનો 2, 6 – બિસ – O – ડાઇગૅલોઇલ-3-O – ગૅલોઇલગ્લુકોઝ અને 2-O- ટ્રાઇગૅલોઇલ-1, 3, 4, 6 ટેટ્રાક્સિ-O-ગૅલોઇલગ્લુકોઝ પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત ચાર જાણીતા ફ્લેવોનૉઇડો અને ત્રણ સરળ ફીનૉલીય સંયોજનો સહિત 15 જાણીતાં સંયોજનો પણ શોધાયાં છે.
છાલ : પતંગની છાલમાંથી એક નવું ફીનૉલીય સંયોજન, p-ડીહાઇડ્રોડાઇગૅલિક ઍસિડનો 5’-O- મિથાઇલ-7-ઇથાઇલ ઍસ્ટરનું અલગીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, બે જાણીતા ફ્લેવોનૉઇડો, ક્વિર્સેટિન 3-O-મિથાઇલ ઈથર અને જેનિસ્ટેઇન તથા ત્રણ જાણીતાં ફીનૉલીય સંયોજનો, ગૅલિક ઍસિડ, મિથાઇલ ગૅલેટ અને ઇથાઇલ ગૅલેટ પણ પ્રાપ્ત થયાં છે.
બીજ : તે અશોધિત પ્રોટીન 29.1 %, પૅન્ટોસન 6.6 % અને જલદ્રાવ્ય ગુંદર 3.2 % ધરાવે છે.
ઉપયોગો : લૉગવૂડ અને તેના નિષ્કર્ષોનો ઊન અને રેશમ રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. સૂતરને ખાસ કરીને આયર્ન ક્રોમિયમ રંગબંધકો (mordants) સાથે રંગવામાં તેનો મર્યાદિત ઉપયોગ થાય છે. તેની ઉપયોગિતામાં સંરંજન (tinctorial) સક્રિયતા, સમત્વ (evenness) અને રોચક સ્વરૂપ તેનાં મહત્ત્વનાં લક્ષણો છે. પતંગનું અંત:કાષ્ઠ ચામડું, ફર, શણ અને અસ્થિ રંગવામાં તથા શાહી બનાવવામાં ઉપયોગી છે. હીમેટૉક્સિલિન પેશીવિદ્યામાં અભિરંજક (stain) તરીકે વપરાય છે. તે કોષકેન્દ્રોને અભિરંજિત કરે છે. આલ્કોહૉલમાં બનાવેલું હીમેટીનનું દ્રાવણ આલ્કેલૉઇડના અનુમાપન(titration)માં દર્શક (indicator) તરીકે ઉપયોગમાં લેવાય છે.
રસકાષ્ઠ (sapwood) સફેદ કે પીળાશ પડતું હોય છે; અંત:કાષ્ઠ મનપસંદ ગંધ અને મીઠો-તૂરો સ્વાદ ધરાવે છે. તેને ખુલ્લામાં રાખતાં ચળકતો લાલ રંગ ધારણ કરે છે. અંત:કાષ્ઠ અંતર્ગ્રથિત-કણિકાયુક્ત(interlocked-grained) અને મધ્યમથી સૂક્ષ્મ ગઠનવાળું, ભારે (વિ. ગુ. 1.057, વજન 1041 કિગ્રા./ઘમી3) અત્યંત કઠોર અને મજબૂત છતાં બરડ હોય છે. હાથ વડે તેના ઉપર ખરાદીકામ કરવું મુશ્કેલ છે; છતાં સપાટી લીસી બનાવી પરિષ્કૃત કરી શકાય છે. તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરે છે. કાષ્ઠ જમીનના સંપર્કમાં અને ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે ટકાઉ હોય છે. તેના થડના અનિયમિત આકારને કારણે મોટે ભાગે તેનો ઇમારતી કાષ્ઠ (timber) તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી; છતાં કેટલીક વાર જડાવકામ (marquetry)માં તે વપરાય છે.
તેનાં સુગંધિત પુષ્પોમાંથી બનતું મધ ઊંચી જાતનું ગણાય છે.
તેનો સુશોભિત પર્ણસમૂહ અને સુગંધિત પુષ્પો લઈને ઉદ્યાનોમાં ઉગાડાય છે. તેનો વાડ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.
તે મધુર, તિક્ત, વર્ણ્ય, સંકોચક તથા પિત્ત-કફનો નાશ કરનાર, ગ્રાહી, રક્તસંગ્રાહક, ગર્ભાશયોત્તેજક, શ્લેષ્મઘ્ન અને વ્રણરોપક છે.
રક્તસ્રાવ રોકવા માટે પતંગનો ક્વાથ અપાય છે. તેના ક્વાથમાં કપડું બોળી વ્રણ ઉપર રાખવામાં આવે છે. આંતરડાં, ફેફસાં અને ગર્ભાશય વગેરેમાં થતા રક્તસ્રાવ ઉપર પતંગ ઉપયોગી દ્રવ્ય છે.
રક્ત અને શ્વેતપ્રદરમાં પતંગની બસ્તિ અપાય છે. તે અતિસાર, સંગ્રહણી, મરડો, લોહીવા અને પ્રદરમાં ઉપયોગી છે.
તેની છાલ તૂરી હોવાથી ગ્રાહી છે. તેના લાકડામાંથી બનાવેલ મલમ કૅન્સર અને ગૅંગ્રીનમાં ઉપયોગી મનાય છે.
પતંગ અને બનફશાના ક્વાથથી કૅન્સરના વ્રણ ધોવામાં આવે છે. તેથી પીડા ઓછી થાય છે.
તેનો ક્વાથ રક્તશોધક તથા પુદૃષ્ટિકર, ચર્મરોગમાં હિતકર અને અતિસાર, રક્તાવતિસાર તથા જીર્ણાતિસારમાં તથા શ્વેતપ્રદરમાં ઉપયોગી છે. ગર્ભાશયની શિથિલતાને લીધે માસિક ધર્મમાં અવરોધ થયો હોય તો તેના ક્વાથનું સેવન કરવામાં આવે છે.
તેના ચૂર્ણને વ્રણ ઉપર લગાડવાથી વ્રણરોપણ થાય છે અને રક્તસ્રાવ બંધ થાય છે.
પ્રદર રોગમાં ‘પત્રાંગાસવ’નો પ્રયોગ પ્રશસ્ત છે.
पतंग मधुर वणर्यं तिक्तं पित्तकफापहम् ।।
(ધન્વંતરિ નિઘંટુ)
આદિત્યભાઈ છ. પટેલ
બળદેવભાઈ પટેલ