પડોસી (1941) : હિન્દી ચલચિત્ર. તે કોમી સદ્ભાવના નમૂનારૂપ છે. શ્વેત અને શ્યામ; ભાષા : હિંદી; નિર્માણવ્યવસ્થા : પ્રભાત ફિલ્મ્સ; દિગ્દર્શક : વી. શાંતારામ; કથા : વિશ્રામ બેડેકર; સંવાદ અને ગીત : સુદર્શન; છબિકલા : વી. અવધૂત; સંગીત : માસ્ટર કૃષ્ણરાવ; મુખ્ય કલાકારો : ગજાનન જાગીરદાર, મઝહરખાન, અનીસખાતૂન, બલવંતસિંહ, કશ્યપ.
કલાગુરુ વી. શાંતારામે બનાવેલાં હેતુપૂર્ણ ચલચિત્રોમાંના એક ‘પડોસી’માં એક હિંદુ અને એક મુસ્લિમની સાચી અને અતૂટ મિત્રતાની વાત ખૂબ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ઠાકુર અને મિર્ઝા પાકા મિત્રો છે. ગામનું હિત તેમના હૈયે વસેલું છે. ઓમકાર નામનો એક ઉદ્યોગપતિ ગામમાં બંધ બનાવવા ઇચ્છે છે, જેનો આ બંને મિત્રો જોરદાર વિરોધ કરે છે. ઓમકાર આ બંનેની મિત્રતા તોડવાના કાવાદાવા કરે છે અને એક તબક્કે સફળ પણ થાય છે. ગામમાં લાગેલી આગ માટે ઠાકુરના દીકરાને જવાબદાર ઠેરવાય છે ત્યારે બંને મિત્રોની દોસ્તીમાં તિરાડ પડે છે; પણ ગામની બહાર બંધાયેલો બંધ જ્યારે ફાટે છે ને તેમાં ઠાકુર ફસાઈ જાય છે ત્યારે મિર્ઝા પોતાના મિત્રને બચાવવા પાણીમાં કૂદી પડે છે. પૂરમાં બંને તણાઈ જાય છે, પણ તેમની ઝિંદાદિલ દોસ્તીનું ઉદાહરણ જીવંત રહે છે. આ ચલચિત્રમાં વી. શાંતારામે એક પ્રયોગ પણ કર્યો હતો કે હિંદુ કલાકારોને મુસ્લિમ પાત્રો સોંપ્યાં હતાં અને મુસ્લિમ કલાકારોને હિંદુ પાત્રો સોંપ્યાં હતાં. હિંદીની સાથોસાથ મરાઠીમાં પણ આ ચલચિત્ર ‘શેજારી’ નામે બનાવાયું હતું.
મૂળ તો પ્રભાત ફિલ્મ કંપનીના વી. શાંતારામ સહિત ચાર ભાગીદારો પૈકી બે ભાગીદારો વિષ્ણુપંત દામલે કટ્ટર બ્રાહ્મણ હતા અને ફત્તેલાલ કાનડી મુસ્લિમ હતા. તેમનું પૂરું નામ હતું શેખ યાસ્મિન ફત્તેલાલ. આ બંને ગાઢ મિત્રો હતા. હિંદુ-મુસ્લિમ એકતાના ઉદાહરણરૂપ તેમની મિત્રતા પરથી જ ‘પડોસી’નું નિર્માણ કરાયું હતું. તેમાં હિંદુ અને મુસ્લિમ પાત્રોની દોસ્તીની કસોટી કરતાં આગ અને પૂરનો પ્રતીકાત્મક ઉપયોગ કરાયો હતો. બંનેની મિત્રતામાં ફાચર મારવાનો પ્રયાસ કરતા ઓમકારને શહેરી સંસ્કૃતિનું પ્રતીક બતાવાયો હતો. પ્રભાત ફિલ્મ કંપનીમાં વી. શાંતારામનું આ છેલ્લું ચલચિત્ર હતું.
હરસુખ થાનકી