પડતર (costing) : ઉત્પાદિત માલ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિ. કોઈ પણ વસ્તુ અથવા સેવાના ઉત્પાદન માટે અનેક પ્રકારનાં સાધનો પર ખર્ચ કરવો પડે છે. ઉત્પાદન કરવા માટે થયેલા કુલ ખર્ચને ઉત્પાદિત થયેલા એકમો વડે ભાગવાથી એકમદીઠ અથવા સરેરાશ પડતર કિંમત નક્કી કરી શકાય છે. માલ કે સેવાનું ઉત્પાદન પુલ કે મકાન બાંધવા જેવી એક જ કામગીરીના સ્વરૂપમાં, દવાની ટીકડીઓની પટીઓ જેવી જૂથ કામગીરીના સ્વરૂપમાં અથવા વીજળીનાં યુનિટ કે પરિવહનના કિમી. જેવા વિશિષ્ટ એકમના સ્વરૂપમાં થતું હોય છે. તેમની પડતર કાઢવાની પ્રક્રિયા અને પ્રવિધિ પડતર-પદ્ધતિ કહેવાય છે. તે દ્વારા પડતર-ખર્ચાઓને પણ વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય છે, જેથી ઉત્પાદકને પોતાના ધંધાના અંકુશ માટે જરૂરી માર્ગદર્શન મળી શકે. કેટલીક વાર પડતરનામાનો ઉલ્લેખ પણ પડતર-પદ્ધતિ તરીકે કરાય છે; પરંતુ બંને શબ્દપ્રયોગો ભિન્ન ભિન્ન છે. ઉત્પાદન શરૂ થયાના ખર્ચબિંદુથી ઉત્પાદનના અંતિમ તબક્કાના ખર્ચબિંદુ સુધીના હિસાબકિતાબ રાખવા, ખર્ચની વિવિધ પડતરકેન્દ્રોમાં ફાળવણી કરવી અને આ અંગેનું દફતર રાખવું તે પડતરનામું કહેવાય છે.
સિદ્ધાર્થ દાસ