પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું જરૂરી છે. જુદા જુદા પ્રકારની આ સંકલ્પનાઓ નીચે મુજબ છે :
(1) કુલ પડતર, સરેરાશ પડતર અને સીમાન્ત પડતર : ઉત્પાદન કરવા માટે થયેલા કુલ ખર્ચને ઉત્પાદનની કુલ પડતર કહેવાય છે. આવા કુલ ખર્ચને ઉત્પાદિત એકમો વડે ભાગવાથી નક્કી થતી કિંમતને ઉત્પાદન થયેલ એક એકમની સરેરાશ પડતર કહેવાય છે. કુલ ઉત્પાદનમાં વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થયેલા વધારાને અથવા એક એકમનું ઓછું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થયેલા ઘટાડાને તે એકમ, એટલે કે સીમાન્ત એકમની પડતર (marginal cost) કહેવાય છે. ઉત્પાદનમાં નફો કે નુકસાન થાય છે તે કુલ પડતરથી જાણી શકાય છે. દરેક એકમ ઉપર કેટલો નફો કે કેટલું નુકસાન થાય છે તે સરેરાશ પડતરથી સમજી શકાય છે અને ઉત્પાદન એકમમાં ઉત્પાદન વધારવું કે ઘટાડવું તે સીમાન્ત પડતરથી નક્કી કરી શકાય છે.
(2) સ્થાયી પડતર અને ચલિત પડતર : ઉત્પાદનના એકમોમાં અમુક હદ સુધી વધઘટ થવા છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી તે ખર્ચને સ્થાયી પડતર (fixed cost) કહેવાય છે. ઉત્પાદનના એકમોમાં એક એકમ જેટલી પણ વધઘટ થાય તો જે ખર્ચમાં તાત્કાલિક ફેરફાર થાય છે તે ખર્ચને ચલિત પડતર (variable cost) કહેવાય છે. કારખાનાનું ભાડું અને ઉત્પાદન એકમ માટે ઉછીનાં લીધેલાં નાણાં ઉપરનું વ્યાજ સ્થાયી પડતરનાં ઉદાહરણો છે, જ્યારે માલસામગ્રીનો વપરાશ અને કારીગરોની મજૂરી ચલિત પડતરનાં ઉદાહરણો છે. કેટલાક ખર્ચાઓ સ્થાયી ખર્ચ અને ચલિત ખર્ચની મધ્યમાં હોય છે. વીજળી-વપરાશ માટે ભરવું પડતું લઘુતમ શુલ્ક સ્થાયી પડતર છે અને લઘુતમ મર્યાદા કરતાં વીજળીવપરાશ વધવાથી દરેક વધારાના વીજળી-યુનિટ માટે ભરવું પડતું શુલ્ક ચલિત પડતર છે. આમ વીજળીનો ખર્ચ અર્ધ-ચલિત પડતર(semivariable cost)નું ઉદાહરણ ગણાય.
(3) ઉપાર્જન–પડતર અને અવસર–પડતર : ઉત્પાદન કરવાથી નાણાંની ચુકવણી કરવી પડે છે અને નાણાપ્રવાહનું બહિર્ગમન (cash outflow) થાય છે. આ ખર્ચમાં જમીન, મજૂરી, મૂડી અને વ્યવસ્થાપનના વાસ્તવિક ખર્ચનો સમાવેશ થાય છે અને હિસાબી ચોપડામાં તેની નોંધણી કરાય છે. આ ખર્ચને ઉપાર્જનપડતર (acquisition cost) કહેવાય છે. જો ઉત્પાદનનાં સાધનો અને વ્યવસ્થાપકના બુદ્ધિ-કૌશલ્યનો ઉપયોગ ફક્ત ચાલુ ઘરેડના ઉત્પાદન પૂરતો સીમિત રખાય તો તેમના વૈકલ્પિક ઉપયોગ દ્વારા મળવાપાત્ર આવક ગુમાવવી પડે છે. આ પ્રકારનું નુકસાન સૈદ્ધાંતિક છે અને હિસાબી ચોપડામાં નોંધવામાં આવતું નથી તેથી તેને અવસર જતો કરવાની પડતર (opportunity cost) કહેવાય છે. જો ચાલુ ઉત્પાદનમાંથી થતો નફો ઉત્પાદનનાં સાધનોનો અન્ય ઉપયોગ કરવાથી મળવાપાત્ર નફા કરતાં વર્ષોવર્ષ ઓછો થતો હોય તો તે ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ કરવું તે નિર્ણય લેવામાં અવસર-પડતર ઉપયોગી નીવડે છે.
(4) ગાંઠના ખર્ચની પડતર અને હિસાબી પડતર : ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલ કેટલાક ખર્ચાની તાત્કાલિક અથવા ટૂંકા સમયમાં રોકડમાં ચુકવણી કરવી પડે છે. આવી ચુકવણીથી રોકડ પુરાંત અથવા બૅન્ક ખાતાની પુરાંત ઘટી જાય છે અને પૂરતા પ્રમાણમાં પુરાંત ન હોય તો જરૂરી ગોઠવણ કરીને પુરાંત માટે વ્યવસ્થા કરવી પડે છે. આ ખર્ચને ગાંઠના ખર્ચની પડતર (out of pocket cost) કહેવાય છે. કેટલાક ખર્ચ વાસ્તવમાં થયા હોય છે અને હિસાબી ચોપડામાં નોંધ્યા હોય છે, પણ તેમની ચુકવણી ઉત્પાદકની ઇચ્છા અનુસાર મુલતવી રાખી શકાય છે. આ ખર્ચને હિસાબી ચોપડાપડતર (book cost) કહેવાય છે. કારીગરોની મજૂરી અને કર્મચારીઓના પગાર ગાંઠના ખર્ચની પડતરનાં ઉદાહરણો છે. ઉત્પાદક પોતાની મૂડીનું વ્યાજ હિસાબી ચોપડામાં નોંધે પણ તેનો રોકડમાં ઉપાડ ન કરે તો તે હિસાબી ચોપડા-પડતરનું ઉદાહરણ બને છે. આ પડતરો અનુક્રમે અસંદિગ્ધ પડતર (explicit cost) અને ગર્ભિત પડતર (implicit cost) કહેવાય છે. બંને પડતરોનો સરવાળો કરવાથી કુલ પડતર નક્કી કરી શકાય છે. નાના ઉદ્યોગપતિઓ પોતાની મૂડીનું વ્યાજ અને પોતે કરેલા શ્રમનું વળતર કુલ પડતર નક્કી કરવા માટે લક્ષમાં લે નહિ તો તેમના ધંધાકીય નિર્ણયો ભૂલ-ભરેલા નીવડે છે.
(5) ઐતિહાસિક પડતર અને પ્રતિસ્થાપન-પડતર : અસ્કામત સંપાદન કરતી વખતે કરેલા ખર્ચને ઐતિહાસિક પડતર (historical cost) કહેવાય છે; પરંતુ આ અસ્કામત સાંપ્રત સમયમાં ખરીદવા માટે જે ખર્ચ કરવો પડે તેને પ્રતિસ્થાપન-પડતર (replacement cost) કહેવાય છે. અસ્કામતના બજારભાવમાં સમયાંતરે ફેરફાર થાય તો બંને પડતરોમાં ફેરફાર થાય છે અને બજારભાવ સ્થિર રહે તો બંને પડતર લગભગ સ્થિર રહે છે. હિસાબી ચોપડામાં પરંપરાથી અસ્કામત તેની ઐતિહાસિક પડતર પ્રમાણે દર્શાવવામાં આવે છે. જો બજારભાવમાં મોટો ફેરફાર થાય તો ઐતિહાસિક પડતર અસ્કામતના મૂલ્યની સાચી દ્યોતક રહેતી નથી, તેથી ઉત્પાદિત એકમની વાસ્તવિક પડતર નક્કી કરવા માટે ઉત્પાદકે અસ્કામતનો વપરાશખર્ચ (ઘસારો) ઐતિહાસિક પડતરને બદલે પ્રતિસ્થાપન પડતર આધારિત ગણવો જોઈએ કે જેથી નફાનો સાચો અંદાજ કાઢી શકાય.
(6) અતીતકાલીન પડતર અને ભાવિ–પડતર : ભૂતકાળમાં કરેલા વાસ્તવિક ખર્ચ ઉપર આધારિત પડતર અતીતકાલીન પડતર (past cost) અને ભવિષ્યમાં કરવાના અંદાજિત ખર્ચ ઉપર આધારિત પડતર ભાવિ-પડતર (future cost) કહેવાય છે. અતીતકાલીન પડતર આવકનાં પત્રકો ઉપરથી શોધી શકાય છે અને પડતર વધવાનાં કારણોનું વિશ્લેષણ કરવા માટે સંચાલકને તે ઉપયોગી નીવડે છે. ભવિષ્ય અનિશ્ચિત રહેતું હોવાથી સંચાલક ભાવિ-પડતર માટે ફ્કત અંદાજપત્રક બનાવી શકે છે. ભાવિ-પડતર ખૂબ વધારે જણાય તો સંચાલકે તેને ઘટાડવાનાં પગલાં વિચારવાં પડે અને ખર્ચ ઉપર કડક નિયંત્રણ રાખવું પડે. આમ છતાં ફુગાવા અથવા પ્રતિફુગાવાના સમયમાં બંને પડતરોમાં મોટો તફાવત પડવાની અને સંચાલકના નિર્ણયો ઊંધા પડી જવાની સંભાવના વધે છે.
(7) વિભાજ્ય પડતર અને સર્વસામાન્ય પડતર : જો ઉત્પાદનના નિશ્ચિત વિભાગ અથવા પ્રક્રિયા સાથે ઉત્પાદન-ખર્ચનો સંબંધ સ્થાપી શકાય તો તે ખર્ચને વિભાજ્ય પડતર (separable or traceable cost) કહેવાય છે; પરંતુ ખર્ચનો આવો સંબધ સ્થાપવો શક્ય ન હોય તો તે ખર્ચને સર્વસામાન્ય પડતર (common cost or inseparable cost) કહેવાય છે. જુદા જુદા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા કારખાનામાં કાચી માલસામગ્રીના વપરાશ અને કારીગરની મજૂરીને કોઈ નિશ્ચિત વસ્તુના ઉત્પાદન સાથે ચોકસાઈપૂર્વક સાંકળી શકાય છે. તેથી તેવા ખર્ચાઓ વિભાજ્ય પડતરનાં ઉદાહરણો બને છે; પરંતુ કારખાનાના સંચાલકનો પગાર તથા અન્ય સંચાલકીય ખર્ચાઓ કોઈ નિશ્ચિત ઉત્પાદન, વિભાગ કે પ્રક્રિયા સાથે સાંકળી શકાતા નથી, તેથી તેવા ખર્ચાઓ સર્વસામાન્ય પડતરનાં ઉદાહરણો છે. વિભાજ્ય પડતર અને સર્વસામાન્ય પડતરને અનુક્રમે પ્રત્યક્ષ-પડતર (direct cost) અને પરોક્ષ-પડતર (indirect cost) પણ કહેવાય છે. બે કે વધુ વસ્તુઓનું સંયુક્ત ઉત્પાદન કરતાં કારખાનાંમાં સર્વસામાન્ય પડતરની વાજબી ફાળવણી ન કરવામાં આવે તો ઉત્પાદકને જુદી જુદી વસ્તુઓની વેચાણ કિંમત અને તેમની નફાકારકતા નક્કી કરવામાં તથા તેમનું ઉત્પાદન ચાલુ રાખવા, સુધારવા અને બંધ કરવાના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે. સર્વસામાન્ય પડતરની ફાળવણી માટે કોઈ સીધી સાદી અને સહેલી પદ્ધતિ નથી; તેથી તેની ફાળવણી વિવેકપૂર્વક કરવામાં આવે છે. મોટાભાગના ઉત્પાદકો ઘણું કરીને પ્રત્યેક ઉત્પાદિત વસ્તુના વપરાશ અને વકરાના આધારે આવી ફાળવણી કરે છે.
વૃદ્ધિ–પડતર તથા ડૂબેલું પડતર (incremental cost and sunk cost) : ઉત્પાદનના સ્તરમાં અથવા ઉત્પાદનના સ્વરૂપમાં થતા ફેરફારને લીધે પડતરમાં જે વધારો થાય છે તેને વૃદ્ધિ-પડતર (incremental cost) કહેવામાં આવે છે; દા. ત., વધારાની નવી કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાથી અથવા નવાં યંત્રો વસાવવાથી અથવા વેચાણના માધ્યમ(channel)માં ફેરફાર કરવાથી પડતરમાં જે વધારો થશે તે વૃદ્ધિ-પડતર ગણાય. સીમાંત પડતરના ખ્યાલ કરતાં વૃદ્ધિ-પડતરનો ખ્યાલ વધુ વ્યાપક છે. વૃદ્ધિ-પડતર એ ચલિત પડતર, વિભાજ્ય પડતર અથવા રોકડ-પડતર જેવું જ હોય છે એવું નથી. વર્તમાન ઉપયોગમાં લેવાતાં સાધનોની વૈકલ્પિક કે નવી ઉત્પાદનપ્રવૃત્તિમાં હેરફેર કરવાને બદલે તેમને વર્તમાન ઉપયોગમાં જ ચાલુ રાખવાથી જે અવસર જતો કરવો પડે છે તે પડતર ટૂંકા ગાળાના વૃદ્ધિ-પડતરનો સૌથી મહત્ત્વનો દાખલો ગણાય.
ઉત્પાદન એકમના સ્તરમાં થતા ફેરફાર અથવા ઉત્પાદનના સ્વરૂપમાં થતા ફેરફાર છતાં જે પડતરમાં કોઈ ફેરફાર થતો નથી. તેને ડૂબેલું પડતર (sunk cost) કહેવામાં આવે છે. મૅનેજિંગ ડિરેક્ટરને ચૂકવાતું વળતર, ઘસારા-પડતર (depreciation), જૂના દેવાની ચુકવણી દ્વારા તેની પતાવટ (amortization), કન્સલ્ટન્ટને ચૂકવવામાં આવેલું મહેનતાણું (fees) વગેરે ડૂબેલા પડતરના દાખલા ગણાય. ડૂબેલું પડતર ચલિત પણ હોઈ શકે અથવા વિભાજ્ય પડતર પણ હોઈ શકે છે.
વ્યવસ્થાપનને લગતા મોટાભાગના નિર્ણયો લેતી વેળાએ વ્યવસ્થાપકો વૃદ્ધિ-પડતરની ગણતરી પર ભાર મૂકતા હોય છે, નહિ કે ડૂબેલા પડતરની ગણતરી પર. ડૂબેલું પડતર આવા નિર્ણયો લેતી વેળાએ અસંગત કે અપ્રાસંગિક ગણાતું હોય છે.
મુલતવી રાખી શકાય તેવું પડતર અને મુલતવી ન રાખી શકાય તેવું પડતર (postponable and non-postponable costs) : ઉત્પાદન એકમ સાથે સંકળાયેલ કેટલાંક પડતર મુલતવી રાખી શકાય તેવા પ્રકારનાં હોય છે; દા. ત., કારખાનાના મકાનનું હાલ રંગરોગાન કરવું કે નહિ, શ્રમિકો માટે કેટલીક કલ્યાણયોજનાઓ હાલ અમલમાં મૂકવી કે નહિ જેવી બાબતો અંગેના નિર્ણયો સાથે સંકળાયેલ પડતર. પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે જેનું નિરાકરણ વિના વિલંબે કરવું જ પડે છે, તે મુલતવી રાખી શકાય નહિ; દા. ત., યંત્રના બગડેલા છૂટા ભાગની જગ્યાએ નવા છૂટા ભાગ ખરીદવાનો નિર્ણય વગેરે. આ પ્રકારના પડતરનો સીધો સંબંધ ઉત્પાદન સાથે હોય છે અને જો તે ન કરવામાં આવે તો ઉત્પાદનની પ્રક્રિયા બંધ પડી જાય છે. આ બંને પ્રકારનાં પડતર રોકડ સ્વરૂપનાં, ચલિત, પ્રત્યક્ષ અને વિભાજ્ય હોય છે. તેમની બે વચ્ચેનો તફાવત તે પડતર ક્યારે કરવું, તાત્કાલિક કે ભવિષ્યમાં, તેના સમયગાળા સાથે સંબંધ ધરાવે છે.
હિસાબી પડતર અને અર્થશાસ્ત્રીય પડતર (accounting cost and economic cost) : પડતરની ગણતરી કરતી વેળાએ હિસાબ રાખનારનો દૃષ્ટિકોણ અને અર્થશાસ્ત્રીનો દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. હિસાબી પડતર એ કોઈ પણ અસ્કામત વસાવવા માટે શરૂઆતમાં કરવો પડેલ વાસ્તવિક નાણાકીય ખર્ચ દર્શાવે છે. તેને ઉપાર્જન-પડતર કહેવામાં આવે છે; પરંતુ અર્થશાસ્ત્રી જ્યારે પડતરના સંદર્ભમાં કોઈ અસ્કામતની મુલવણી કરે છે ત્યારે તે વૈકલ્પિક પડતર ધ્યાન પર લે છે, ઉપાર્જન-પડતર નહિ. વૈકલ્પિક પડતરની વિભાવના મુજબ, ઉત્પાદનના કોઈ પણ સાધનને ઉત્પાદકીય પ્રવૃત્તિમાં કામે લગાડતી વેળાએ, જો હાલના કોઈ ઉપયોગમાં તેને મળતું વળતર તેના બીજા ક્રમના (second best) વૈકલ્પિક ઉપયોગમાં મળી શકે તેવા સંભાવ્ય વળતર કરતાં વધારે હોય (અથવા તેનાથી ઓછું તો ન જ હોય) તો તે સાધનનો હાલ થઈ રહેલ ઉપયોગ આપેલ સંજોગોમાં ઇષ્ટ છે એમ કહેવાય. કોઈ સાધનનો એક કરતાં વધુ રીતે ઉપયોગ થઈ શકે તેમ હોય ત્યારે તે સાધનનો બીજા ઇષ્ટ ક્રમ પર ઉપયોગ ન કરવાથી સાધનના માલિકને જે નુકસાન વેઠવું પડે છે, જે ભોગ આપવો પડે છે તે દ્વારા તે સાધનના વૈકલ્પિક પડતરની ગણતરી કરવામાં આવે છે. જે ગુમાવ્યું છે તે, જે પ્રાપ્ત કરવામાં આવેલ છે તેનું પડતર ગણાય. આમ અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ કોઈ પણ સાધન-એકમના ઉપયોગની ઇષ્ટતા નક્કી કરવી હોય ત્યારે પેઢી સમક્ષની જુદા જુદા વિકલ્પો વચ્ચેની પસંદગીની સમસ્યા પ્રસ્તુત બને છે; દા. ત., કોઈ પેઢી કોઈ સાધન-એકમ વસાવવા માટે રૂ. 1,000 ચૂકવે તો તે રકમ પેઢી માટે ઉપાર્જન-પડતર અથવા હિસાબી પડતર ગણાય; પરંતુ જો તે સાધનનું પ્રતિસ્થાપન-પડતર (replacement cost) રૂ. 1,500 હોય (જે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિમાં બનતું હોય છે) તો અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણથી તે સાધનનું પડતર રૂ. 1,000 નહિ, પરંતુ રૂપિયા 1,500 ગણાશે. આમ, હિસાબી પડતરની ગણતરીમાં ઉપાર્જન-પડતર ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે અર્થશાસ્ત્રીય પડતરમાં વૈકલ્પિક પડતર પર ભાર મૂકવામાં આવે છે.
જયન્તિલાલ પો. જાની
બાળકૃષ્ણ માધવરાવ મૂળે