પડતર-કેન્દ્રો (cost-centres)
February, 1998
પડતર–કેન્દ્રો (cost-centres) : કારખાનાના જુદા જુદા ઘટકોમાં થતા ઉત્પાદન-ખર્ચમાંથી જે ઘટકનો ખર્ચ કુલ ઉત્પાદન-ખર્ચમાંથી અલગ તારવી શકાય તેવો ઘટક. ઉત્પાદિત માલ અથવા સેવાનો એકમ નિશ્ચિત કરીને તેની પડતર નક્કી કરાય છે. ઉત્પાદનને ભૌતિક સ્વરૂપે નિરૂપી શકાય તો તેનો એકમ વજન અથવા કદથી નક્કી કરાય છે; દા. ત., એક ટન સિમેન્ટ, એક કિલોલિટર પેટ્રોલ વગેરે. જો તેમ શક્ય ન હોય તો એકમ નક્કી કરવામાં સમય અથવા અંતરને પણ સાંકળવાં પડે છે; દા. ત., હોટલ-ઉદ્યોગમાં કોઈ પણ હોટલમાં જુદા જુદા અનેક ખંડો હોય છે અને તે ખંડોમાં એક યા એકાધિક બિસ્તર (beds) રાખવામાં આવે છે. હોટલનો આખા વર્ષનો કુલ ખર્ચ 365 દિવસ દરમિયાન કુલ બિસ્તર માટે જે કરેલો હોય તે કહેવાય; તેથી આખા વર્ષના ખર્ચને 365 અને બિસ્તરની સંખ્યાના ગુણાકારથી ભાગવામાં આવે તો એક બિસ્તરી-દિવસ(bed-day)ની પડતર નિશ્ચિત કરી શકાય. વાહનવ્યવહાર-ઉદ્યોગમાં પણ વાહનમાં એકથી વધારે પૅસેન્જરો માટે બેઠકો હોય છે. વાહન જેટલા કિલોમીટર કાપે તેટલા માટે થયેલા કુલ ખર્ચને કપાયેલા કિલોમીટરની સંખ્યા અને બેઠકોની સંખ્યાના ગુણાકારથી ભાગવામાં આવે તો એક પૅસેન્જર-કિલોમીટરની પડતર નિશ્ચિત કરી શકાય છે. કારખાનામાં ઉત્પાદનની પ્રક્રિયા પહેલાં એક ઘટકમાં, પછી બીજા, પછી ત્રીજા એમ એક પછી એક જુદા જુદા ઘટકોમાં થતી હોય છે. કારખાનાના કુલ ખર્ચમાંથી જે ઘટકનો ખર્ચ અલગ તારવી શકાય તેમ હોય તેને પડતર-કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બધાં પડતર-કેન્દ્રોની કુલ પડતર ઉત્પાદિત માલ અથવા સેવાની પડતર કહેવાય છે.
સિદ્ધાર્થ દાસ