પડતર-અન્વેષણ (cost-audit)
February, 1998
પડતર–અન્વેષણ (cost-audit) : પડતર-કિંમત નક્કી કરવા માટે રાખવામાં આવેલા હિસાબકિતાબોની સચ્ચાઈની તથા નિશ્ચિત કરેલી યોજનાને અનુરૂપ પડતર-ખર્ચ થયું છે કે કેમ તેની ચકાસણી. નફાનુકસાન અને સરવૈયાનાં પત્રકો કાયદેસરની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલાં છે કે કેમ અને તે ધંધાકીય ઉપક્રમનું સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે થતી તપાસને નાણાકીય હિસાબ-કિતાબનું અન્વેષણ કહેવામાં આવે છે. તેવી રીતે ઉત્પાદિત વસ્તુની પડતર-કિંમત સાચી અને વાજબી નક્કી કરવા માટે અને પડતરખર્ચ ધોરણ મુજબ થયાની ચકાસણી કરવા માટે થતી તપાસને પડતર-અન્વેષણ કહેવામાં આવે છે. પડતર-અન્વેષણમાં મૂળભૂત રીતે ત્રણ વ્યાવહારિક હેતુ સંકળાયેલા હોય છે : (1) પડતરપત્રકો, પડતર-હેવાલો જેવાં પડતર-હિસાબ-કિતાબનાં દફતર પડતર-હિસાબી પદ્ધતિ અનુસાર બનાવેલાં છે કે કેમ તેની ચકાસણી, (2) પડતર-નામાના સિદ્ધાંતો, કાર્યવિધિ અને ઉદ્દેશોનું વ્યાપારી પેઢીએ પાલન કરેલું છે કે કેમ તેની ચકાસણી અને (3) હિસાબો તૈયાર કરવામાં થયેલી ભૂલો શોધવી તથા કપટ અને ઉચાપત થતાં અટકાવવાં.
ભારતમાં પડતર-અન્વેષણ કરવાનું કાર્ય કાયદા દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. વસ્તુ અથવા સેવાના વેચાણભાવ નક્કી કરવા, માલસામાનનો અપવ્યય ઓછો કરવા અને અટકાવવા તથા ખરીદ/વેચાણપ્રક્રિયાની પુનર્વ્યવસ્થા કરવા માટે સંચાલકને પડતર-અન્વેષણ ઘણું ઉપયોગી થાય છે.
સિદ્ધાર્થ દાસ