પડગાંવકર, પ્રકાશ દામોદર (જ. 1948, મુંબઈ) : વિશિષ્ટ શૈલી ધરાવતા કોંકણી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હન્વ મોનિસ અશ્વત્થામો’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેમણે પણજી-ગોવામાં શિક્ષણ લીધું હતું. હાલ (2002માં) તેઓ વાસ્કો-ડ-ગામા, ગોવા ખાતે એમ. એમ. ટી. સી. ઑવ્ ઇન્ડિયા લિ.માં કામગીરી કરી રહ્યા છે.
તેઓ છેલ્લાં 20 વર્ષથી કાવ્યરચનાઓ કરે છે. તેમના 3 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉજુઆદ્દાચિમ પાવલમ્’(1976)ને કોંકણી ભાષા મંડળ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે. બીજા કાવ્યસંગ્રહ ‘વાસ્કોયાન’(1977)ને ગોવા કલા અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ ઘણાં જાણીતાં સમાચાર-પત્રો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા રહ્યા છે. તેમની કેટલીક રચનાઓ પાઠ્યપુસ્તકોમાં પણ આવી છે. તેમણે રચેલાં ગીતો આકાશવાણી તથા દૂરદર્શન દ્વારા પણ સંગીતબદ્ધ કરવામાં આવ્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હન્વ મોનિસ અશ્વત્થામો’ તેમનાં કાવ્યોનો નવીનતમ સંગ્રહ છે. તેમાં રજૂ થયેલાં સુવિચારપૂર્ણ વિષય-વસ્તુ, સામાજિક સંબંધોની સૂક્ષ્મતા, પ્રતીકાત્મક અને ગેયતાપૂર્ણ રજૂઆતરીતિને લીધે આ કૃતિ આધુનિક કોંકણી સાહિત્યમાં ઉલ્લેખનીય બની છે.
કવિતા : ‘કાલ રીલ્વીચો, મોન હર્ષેન્ચો, પાવસા પાન્યાન્ચો’ (1993) ‘સોર્ગ ઘોડપાક ઘોરતોરેન્ચો’ (1994), ‘વહાઉન્તી નહિ કાવાન્ચી’ (1993), ‘બ્રહ્માંડ – યોગી ચિરંતન્ચો’ (2008), ‘પુનરાર્થોપનિષદ’ (2014) તેમનાં અન્ય કાવ્યસંગ્રહો છે.
તેમને કોંકણી ભાષારત્ન ગોવાનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. ડૉ. ટી. એમ. એ. પૈ ફાઉન્ડેશન મણિપાલનો ઍવૉર્ડ એનાયત થયો છે. તેમના સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે ગોવા રાજ્ય સરકારે 2007માં ‘રાજ્ય સન્માન’ એનાયત કર્યું છે. તેઓ અનેક સંસ્થાઓમાં સભ્ય પદ ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા