પટ્ટા–ચાલન (belt drive) : બે શાફ્ટ વચ્ચે શક્તિનું સંચારણ કરવા માટેની ઓછામાં ઓછી કિંમતની વ્યવસ્થા. અહીં બંને શાફ્ટ એકબીજાને સમાંતર હોય તે પણ જરૂરી નથી. પટ્ટા ઘણી જ સરળતાથી અને અવાજ વગર શક્તિનું સંચારણ કરે છે. તે મોટર અને બેરિંગને, ભારની વધઘટની સામે રક્ષણ પૂરું પાડે છે. એ સત્ય છે કે પટ્ટા ચેઇન અથવા ગિયર જેટલા પ્રબળ (strong) નથી હોતા; પણ આધુનિક સંશોધનોને લીધે, પહેલાં જ્યાં પટ્ટા વાપરી શકાતા ન હતા, ત્યાં હવે તેનો ઉપયોગ શરૂ થયો છે.
પટ્ટાની મદદથી શક્તિનું સંચારણ કરવાની જુદી જુદી વ્યવસ્થાઓ નીચેની આકૃતિમાં દર્શાવી છે :
બહુ જ સહેલાઈથી વળી શકતા હોવાથી, ગરગડીઓની જુદી જુદી સ્થિતિમાં શક્તિનું સંચારણ શક્ય છે, જે ઉપરની આકૃતિઓમાં દર્શાવેલું છે.
પટ્ટા-ચાલનમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ચાલક ગરગડી અને એક ચાલિત (driven) ગરગડી હોય છે. ગરગડી ઉપર બેસાડેલા પટ્ટા થોડા તણાવ(tension)માં રાખવામાં આવે છે.
પટ્ટા–સંચારણના ઉપયોગો : પટ્ટા-સંચારણના ખાસ ઉપયોગો આ પ્રમાણે છે : (1) મોટરમાંથી યંત્ર સુધી શક્તિનું સંચારણ, (2) આંતરિક દહન એન્જિનમાંથી કે વિદ્યુત મોટરમાંથી વિદ્યુત-જનરેટર અને અન્ય યંત્રોમાં શક્તિનું સંચાલન.
પટ્ટા–સંચારણના ફાયદા : (1) નજીક આવેલા શાફ્ટમાં શક્તિનું સંચારણ, (2) અવાજ વગર શક્તિનું સંચારણ, (3) વધુ ગતિથી ફરતા શાફ્ટ વચ્ચે શક્તિસંચારણ, (4) ઓછી કિંમત.
પટ્ટા–સંચારણના ગેરફાયદા : (1) ગિયરિંગ કરતાં સાપેક્ષ માપ ઘણું જ વધારે, (2) પટ્ટાની સરકણ (creep) અને તેના સર્પણ(slip)ને લઈને, શક્તિ મેળવતા શાફ્ટનો ગતિમાં ઘટાડો, (3) પટ્ટાના તણાવ યથાવત્ રાખવા તે માટેનું સાધન વાપરવું પડે છે, (4) પટ્ટાની સપાટીને તેલથી મુક્ત રાખવાનું જરૂરી અન્યથા શક્તિ-સંચારણમાં ઘટાડો થાય છે, (5) વધુ ગતિ-સંચારણમાં એની જિંદગી (life) ટૂંકી થાય છે.
પટ્ટા–ચાલનની વિશેષતા (characteristic of belt-drive) : (1) શક્તિક્ષમતા (power rating) : પટ્ટા-ચાલન મુખ્યત્વે 0.3 કિ.વૉટથી 50 કિ.વૉટની શક્તિનું સંચારણ કરવા માટે વપરાય છે.
(2) ગતિ (speed) : સપાટ-પટ્ટાની ગતિમર્યાદા 5થી 30 મીટર/સેકન્ડની છે જ્યારે વી (V) પટ્ટાની ગતિમર્યાદા 25થી 40 મીટર/સેકન્ડની હોય છે.
(3) ગતિ–ગુણોત્તર (speed-ratio) : સામાન્ય વપરાશમાં પટ્ટા-સંચારણમાં ગતિનો ગુણોત્તર 4 અથવા 5થી વધવો જોઈએ નહિ.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ