પટ્ટાવલી : જૈન સાધુઓની ગુરુશિષ્યપરંપરાનો ઇતિહાસ. ‘પટ્ટાવલી’, ‘પટ્ટધરાવલી’નું સંક્ષિપ્ત રૂપ છે. ‘પટ્ટ’નો અર્થ ‘આસન’ કે ‘સન્માનનું સ્થાન’ છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ. આ પટ્ટ ઉપર રહેલા ગુરુને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે. શ્રમણ ભગવાન મહાવીરથી આરંભી તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં કાલાન્તરના આચાર્યોની ગુરુશિષ્યપરંપરાનું ક્રમશ: વિવેચન પટ્ટાવલીઓમાં આવે છે. પટ્ટાવલી – સ્થવિરાવલીનો સૌથી પ્રાચીન ઉલ્લેખ કલ્પસૂત્રમાં મળે છે. તેનો સમય વિક્રમની પ્રથમ કે દ્વિતીય શતાબ્દીનો મનાય છે. પટ્ટાવલીનું બીજું પ્રાચીન રૂપ સ્થવિરાવલિના રૂપમાં નન્દીસૂત્રમાં મળે છે.

મધ્યયુગમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં જૈનાચાર્યો દ્વારા વિવિધ સંઘ, ગણ, ગચ્છ અને સંપ્રદાયોની ઉત્પત્તિ થઈ. તેનો પ્રાચીન કાળની પરંપરા સાથે સંબંધ બતાવવા માટે શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયની અનેક પ્રકારની પટ્ટાવલિઓ અને ગુર્વાવલિઓ રચવામાં આવી. આ પટ્ટાવલિઓમાં અનેક રાજા, મંત્રી, નગર, જ્ઞાતિ, ગોત્ર, શેઠ અને તેમની પરંપરાગત તિથિઓ, સંવતો સહિત સૂચિ આપવામાં આવી છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. પટ્ટાવલિઓ સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી અને કન્નડ ભાષાઓમાં મળે છે. વર્તમાનમાં આ પટ્ટાવલિઓના કેટલાક સંગ્રહો પ્રકાશિત થયા છે : મુનિ દર્શનવિજય દ્વારા સંપાદિત ‘પટ્ટાવલિસમુચ્ચય’, મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત ‘વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ’ અને ‘ખરતર ગચ્છ ગુર્વાવલિ’ , પં. કલ્યાણવિજયજીકૃત ‘પટ્ટાવલીપરાગ’ અને મુનિશ્રી હસ્તિમલજી દ્વારા સંકલિત ‘પટ્ટાવલીપ્રબન્ધ’, દિગમ્બર સંપ્રદાયની ‘સેનગણ પટ્ટાવલિ’, ‘નન્દિસંઘ બલાત્કારગણ સરસ્વતીગચ્છ પટ્ટાવલી’, ‘કાષ્ઠા સંઘ ગુર્વાવલિ’ વગેરે. આ ઉપરાંત જિનરત્નકોષ પૃષ્ઠ 108થી 109માં ગુર્વાવલિઓની તથા પૃષ્ઠ 232માં પટ્ટાવલિઓની સૂચિ આપવામાં આવી છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા