પટ્ટડકલનાં શિલ્પો : કર્ણાટકના પટ્ટડકલમાં ચાલુક્ય શૈલીનાં વિરૂપાક્ષ મંદિર અને પાપનાથ મંદિર સુપ્રસિદ્ધ છે. ઈ. સ.ની 6ઠ્ઠી – 7મી સદીનાં આ મંદિરોમાં ચાલુક્ય શૈલીની શિલ્પકલા પૂર્ણપણે પાંગરેલી જોવામાં આવે છે. પાપનાથ મંદિરનાં ભોગાસનનાં સુંદર શિલ્પો ઉપરાંત ત્રિપુરાંતક અને રામાયણની સંપૂર્ણ કથાની હરોળો (લેબલ સહિત) કંડારેલી છે. વિરૂપાક્ષ મંદિરની બધી જ દીવાલો શિલ્પોથી ખીચોખીચ ભરેલી છે. એમાં રામાયણનાં દૃશ્યો, શિવ તેમજ નાગ-નાગણીઓનાં શિલ્પો મનમોહક છે. અહીંના સ્તંભો પર ગંગા અને અમૃતની કથા, અહલ્યા અને ઇન્દ્રનો પ્રણય, ભીષ્મની શરશૈયા પરની છેલ્લી પળો વગેરે સુંદર રીતે અભિવ્યક્ત થયાં છે. આ મંદિરોની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમની પીઠની પ્રત્યેક હરોળમાં વિવિધ આનંદપ્રમોદયુક્ત મુદ્રાઓમાં શિવગણોની અંશમૂર્ત આકૃતિઓ કંડારેલી છે. આ શિલ્પોનો પ્રવાહ સતત વહેતો હોવા છતાં તે પ્રવાહ નિયંત્રિત ઝરણાં જેવો છે.
પ્રવીણચંદ્ર પરીખ