પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી
February, 1998
પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી (જ. 5 જાન્યુઆરી 1941, ભોપાલ; અ. 22 સપ્ટેમ્બર 2011, નવી દિલ્હી) : ભારતનો સાહસિક ટેસ્ટસુકાની, આકર્ષક બૅટધર અને ચપલ ક્ષેત્રરક્ષક. મનસૂરઅલીખાનના પિતા ઇફ્તિખારઅલી 1946માં ઇંગ્લૅન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના સુકાની હતા. ઇંગ્લૅન્ડના અભ્યાસકાળ દરમિયાન નાની વયથી જ તેજસ્વી પ્રતિભા ધરાવનાર મનસૂરઅલીખાનને 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં જમણી આંખની રોશની લગભગ ગુમાવવી પડી, તેમ છતાં બે ઑપરેશન અને ચાર મહિનાના પ્રયત્ન બાદ એક આંખે ખેલવાનું હોવાથી બૅટિંગ પદ્ધતિમાં પરિવર્તન કરીને શારીરિક મર્યાદાને તેઓ ઓળંગી ગયા. અકસ્માતના માત્ર છ મહિના બાદ ચેન્નાઈમાં એમણે ભારત તરફથી સદી નોંધાવી. 1962ના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં સુકાની નરીમાન કોન્ટ્રાક્ટર ઘાયલ થતાં પટૌડીએ ભારતીય ટીમની આગેવાની સંભાળી. આ સમયે 21 વર્ષ, 2 મહિના અને 18 દિવસની ઉંમર ધરાવતા પટૌડી ક્રિકેટવિશ્વના સૌથી નાની વયના ટેસ્ટ સુકાની બન્યા. 1964માં નવી દિલ્હીની ચોથી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમ સામે અણનમ રહીને 203 રન કર્યા અને ઇંગ્લૅન્ડ સામે બેવડી સદી નોંધાવનારા પ્રથમ ભારતીય બૅટધર બન્યા. 1964માં ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઇની પ્રથમ ટેસ્ટમાં પટૌડીએ હિંમતભરી રમત બતાવીને 128 રન (અણનમ) કર્યા. પટૌડીની રાહબરી હેઠળ ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટશ્રેણીમાં બરાબરી કરી.
1967માં હેડિંગ્લેમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 386 રનની ખાધ સાથે ભારત ફૉલોઑન થયું, ત્યારે એક પણ જીવતદાન આપ્યા વિના પટૌડીએ પાછળના ક્રમના સામાન્ય ખેલાડીઓના સાથમાં લડાયક રમત દાખવીને 148 રન કર્યા. એવી જ રીતે 1967-68માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેલ્બૉર્નની બીજી ટેસ્ટમાં ડૉક્ટરોની નહિ ખેલવાની સલાહને અવગણીને પટૌડી દેશને ખાતર રમ્યા. એમના ડાબા પગના સાથળમાં સખત પીડા થતી હતી. આમ છતાં પ્રથમ દાવમાં 75 અને બીજા દાવમાં 85 રન કરીને પટૌડીએ શાનદાર રમત બતાવી. સહુ વિચાર કરવા લાગ્યા કે આ ખેલાડીના બંને પગ અને બંને આંખ સારાં હોત તો એમણે કેવી અદ્ભુત રમત બતાવી હોત ! ત્યારબાદ ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે ગઈ અને પટૌડી વિદેશની ધરતી પર ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવનારી ભારતીય ટીમના પ્રથમ સુકાની બન્યા. એ પછી 1971માં અજિત વાડેકરને ભારતીય ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું. 1972-73માં ભારતીય બૅટિંગ અત્યંત નિર્બળ હતી, ત્યારે પટૌડીને બોલાવવામાં આવ્યા અને એમણે ખેલદિલ ખેલાડીની માફક અજિત વાડેકરની આગેવાની હેઠળ ખેલવામાં સંકોચ રાખ્યો નહિ. એથીયે વિશેષ 1972-73ની ચેન્નાઈની ત્રીજી ટેસ્ટમાં 73 રનની એવી ભવ્ય રમત બતાવી કે ‘નવાબ ઑવ્ પટૌડી’ને ‘નવાબ ઑવ્ ચેપૉક’ કહીને વધાવી લીધા. 1974માં વાડેકરની આગેવાની હેઠળ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો પરાજય થતાં વાડેકરે એકાએક નિવૃત્તિ લીધી અને ફરી પટૌડીને સુકાનીપદ અપાયું. 1975માં પટૌડીએ નિવૃત્તિ લીધી. પટૌડીએ 46 ટેસ્ટના 83 દાવમાં 34.90ની સરેરાશથી 2,792 રન નોંધાવ્યા. આમાં 42 ટેસ્ટમાં એ સુકાની તરીકે રમ્યા અને તેમાંની 21માં તો એ સતત સુકાની રહ્યા. આક્રમક દૃષ્ટિકોણ, છટાદાર બૅટિંગ, ઢ આગેવાની અને કપરા સંજોગોમાં પણ પુનરાગમન કરનારા હિંમતબાજ ખેલાડી તરીકે પટૌડી યાદ રહેશે.
ક્રિકેટ ઉપરાંત હૉકી, સાઇકલ, પોલો અને નિશાનબાજીમાં તેઓ નિપુણ હતા. તેમણે ‘ટાઇગર્સ ટેલ’ નામની ક્રિકેટકથા લખી છે. પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કરનાર પટૌડીએ ગુડગાંવ મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ એમાં એમને નિષ્ફળતા મળી હતી. ક્રિકેટના કુશળ સમીક્ષક અને નિષ્ણાત કૉમેન્ટેટર તરીકે યશસ્વી નામના ધરાવતા પટૌડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવો માનમરતબો પામ્યા હતા.
કુમારપાળ દેસાઈ