પટેલ, સી. સી. (જ. 26 એપ્રિલ 1926; અ. 4 નવેમ્બર 2011) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના ઇજનેર અને જળસ્રોતના વિકાસ તથા સંચાલનના નિષ્ણાત. આખું નામ ચંદ્રકાન્ત છોટાલાલ પટેલ. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ રહી છે. મુંબઈ યુનિવર્સિટી સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં કેન્દ્રીય સેવા માટેની સમસ્ત ભારતની સિવિલ એન્જિનિયરોની ભરતીની પરીક્ષામાં તેમજ ભારતીય રેલવેની સિવિલ એન્જિનિયરોની ભરતી માટેની પરીક્ષામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
1967-73ના ગાળા દરમિયાન તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય ઇજનેરનો હોદ્દો ધરાવતા હતા તે દરમિયાન તેમણે રાજ્યની ઘણી વિવિધલક્ષી નદીખીણ યોજનાઓનો મુસદ્દો તૈયાર કર્યો હતો અને તે 1968-71ના માત્ર ત્રણ વર્ષના ગાળામાં કાર્યાન્વિત કર્યો હતો. તેમાં મહી-કડાણા, ઉકાઈ અને નર્મદા યોજનાનો સમાવેશ થયો હતો. 1976-82 દરમિયાન તેમણે કેન્દ્ર-સરકારના સિંચાઈ અને ઊર્જા મંત્રાલયના કાયમી સચિવપદે કામ કર્યું હતું. તે દરમિયાન તેમણે સિંચાઈ અને પૂરનિયંત્રણને લગતા પ્રકલ્પોનું આયોજન તથા તેમનો અમલ કર્યો હતો. તે પદ પરના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જળવ્યવસ્થાપનાની નીતિ-વિષયક બાબતોનો રાષ્ટ્રીય સ્તરે કુશળતાપૂર્વક વહીવટ કર્યો હતો અને દેશને લગતી ભાવિ (perspective) યોજના ઘડી કાઢી હતી. તેમની એ યોજનાનીતિના અમલના પ્રતાપે પચાસ લાખ હેક્ટર વધારાની જમીનને સિંચાઈ હેઠળ આવરી લઈ શકાઈ હતી તથા ચાળીસ હજાર અબજ વૉટ્સ જેટલી વધારાની જળવિદ્યુતશક્તિ ઉત્પન્ન કરી શકાઈ હતી. ભાવિ યોજનાનો બીજો મહત્ત્વનો ઉદ્દેશ દેશની જુદી જુદી નદીઓને જોડીને તેમના પાણીનો સંગ્રહ કરી પૂરનિયંત્રણ અને નૌકાનયન માટે તેનો ઉપયોગ કરવાનો હતો. તેમણે ઘડેલી આ યોજનાને કાર્યાન્વિત કરવા માટે સરકારે એક અલાયદી નૅશનલ વૉટર ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના કરી હતી તથા તે માટે રૂપિયા સો કરોડની રકમ ફાળવી હતી.
1982-87 દરમિયાન ડૉ. પટેલે રાષ્ટ્રસંઘના જળસંપત્તિ અંગેના ટૅક્નિકલ સલાહકારપદે કામ કર્યું હતું. આ ગાળા દરમિયાન તેમણે વૈશ્વિક સ્તરે યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) હેઠળના જળસંપત્તિને લગતા મહત્ત્વના પ્રકલ્પો તૈયાર કર્યા હતા અને તે કુશળતાપૂર્વક કાર્યાન્વિત કર્યા હતા.
ગુજરાત સરકારે તેમની સરદાર સરોવર નર્મદા નિગમના ચૅરમૅન તથા મૅનેજિંગ ડિરેક્ટરના પદે નિમણૂક કરી હતી (એપ્રિલ, 1990થી નવેમ્બર, 1992).
આ ઉપરાંત 1974-77ના ગાળા દરમિયાન ડૉ. પટેલે ભારત-બાંગ્લાદેશ સંયુક્ત જળસંપત્તિ પંચના ચૅરમૅન/સહચૅરમૅન તરીકે કાર્ય કર્યું હતું અને બંને દેશો વચ્ચેના જળવિવાદને ઉકેલવાની દિશામાં ટૅક્નિકલ સેવાઓ પૂરી પાડી મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. 1975-82 દરમિયાન તેઓ ઇન્ટરનેશનલ લૉ ઍસોસિયેશનના જળસંપત્તિને લગતા કાયદાની સમિતિના સભ્ય હતા.
નાગદા-2 બંધનું પુન:સ્થાપન તથા ધુવારણ થર્મલ પાવર સ્ટેશનની ચીમનીનું સમારકામ તેમની સિદ્ધિઓમાં વિશેષ નોંધપાત્ર છે.
ડિસેમ્બર, 1996થી ડૉ. પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર તરીકે કામ કરે છે અને તે પદની રૂએ તેઓ રાજ્યની જળસંપત્તિના વિકાસને લગતી બાબતો પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
ડૉ. પટેલ નૅશનલ અકાદમી ઑવ્ એન્જિનિયરિંગ સંસ્થાના સક્રિય સભ્ય છે. તેમની સેવાઓની કદર રૂપે સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ઇરિગેશન ઍન્ડ પાવર દ્વારા ડૉ. પટેલને શાંતિ-યાદવ મોહન ઍવૉર્ડ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ ઉપાધિ (1979) એનાયત થયેલાં છે.
મહેન્દ્ર ઉમેદરામ પુરોહિત