પટેલ, સાંકળચંદ કાળીદાસ (જ. 20 ફેબ્રુઆરી 1909, વીસનગર; અ. 28 નવેમ્બર 1986, અમદાવાદ) : મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક. વીસનગરની જી. ડી. હાઈસ્કૂલમાં અંગ્રેજી ધોરણ 3 સુધીનો અભ્યાસ કર્યો. 1940માં પ્રજામંડળમાં જોડાયા અને ત્યારથી તેમના જાહેર જીવનનો આરંભ થયો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં મહેસાણા જિલ્લા કક્ષાએ સક્રિય ભાગ ભજવ્યો. 1946માં વડોદરા રાજ્યમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
1947માં મહેસાણા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ બન્યા અને 1953 સુધી તે પદ પર અગ્રેસર રહ્યા. 195051માં મહેસાણા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ તરીકે સેવાઓ આપી. 1953માં વીસનગરની મજૂર સહકારી મંડળીની સ્થાપના કરી. 1954-64ના દાયકા દરમિયાન વીસનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા. 1956માં જનતા પક્ષના ઉપપ્રમુખ બન્યા (1956-60). 1957માં વીસનગર નાગરિક સહકારી બૅંકની સ્થાપના કરી. 1962માં વીસનગર કો-ઑપરેટિવ સ્પિનિંગ મિલની તેમજ 1964માં વીસનગર તાલુકા ઔદ્યોગિક સહકારી મંડળીની સ્થાપના કરી. 1968માં અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય બન્યા. 1969-70 દરમિયાન ઇન્દિરા કૉંગ્રેસ(મહેસાણા જિલ્લો)ના પ્રમુખપદે રહ્યા. 1971માં કૉંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા. 1977માં સર્વોદય સહકારી બકની સ્થાપના કરી. 1983માં પછાત ગણાતી ઠાકોર કોમનાં બાળકોના ભણતર માટે આશ્રમની સ્થાપના કરી. 1984માં સરદાર વલ્લભભાઈ પટેલ જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ બન્યા અને તેના નેજા હેઠળ સરદાર હૉસ્પિટલના બાંધકામની શરૂઆત કરી. 1985માં શેઠશ્રી મહાસુખભાઈ ચૂનીલાલ જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી. 1986માં સરદાર વલ્લભભાઈ પટેલ જનકલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ વીસનગર ખાતે આંખની હૉસ્પિટલની શરૂઆત કરી. તે જ વર્ષે વીસનગર ખાતે ઉત્તર ગુજરાત કન્યા કેળવણી મંડળની સ્થાપના સાથે કન્યા છાત્રાલયની શરૂઆત કરી. 1985માં ચાણસ્મા ખાતે ઠાકોર કોમનાં બાળકો માટે હાઈસ્કૂલ બાંધી આપી. વીસનગર તથા આજુબાજુના વિસ્તારમાંની લગભગ 100 જેટલી ચર્મ-ઉદ્યોગ સહકારી મંડળીઓની નોંધણીમાં તેમણે સક્રિય ફાળો આપ્યો.
મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓના વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સમાજના કચડાયેલા-દબાયેલા અને ખાસ કરીને પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમણે કરેલું કાર્ય યાદગાર બની રહેશે. એક દાનવીર તરીકે પણ તેમની ખ્યાતિ છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપનામાં પ્રેરક બળ તરીકે તેમણે આગળ પડતી ભૂમિકા ભજવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે