પટેલ, રાવજી છોટાલાલ (જ. 15 નવેમ્બર 1939, ભાટપુરા, જિ. ખેડા; અ. 8 ઑગસ્ટ 1968, અમદાવાદ) : આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં ને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં. એસ.એસ.સી. અમદાવાદમાં. કૉલેજના બીજા વર્ષથી આર્થિક સંકડામણો અને બીમારીને લીધે અભ્યાસ છોડી દેવો પડેલો. મિલ, પુસ્તકાલય, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ વગેરેનાં કાર્યાલયોમાં મનમોજ પ્રમાણે નોકરી કરેલી ને મૂકી દીધેલી. ભારે સ્વમાની. ક્ષયની બીમારીને લીધે ઝીંથરી અમીરગઢના તથા આણંદના ટી.બી. સૅનેટોરિયમમાં રહેલા. કવિતા, નવલકથા અને વાર્તાઓમાંનું કેટલુંક ત્યાં રચાયેલું. ક્ષયમાં ફેફસાં સપડાતાં અમદાવાદમાં યુવાન-વયે અવસાન પામ્યા.
‘અંગત’ (1970) એમનો મરણોત્તર એકમાત્ર કાવ્યગ્રંથ છે. અનેક સમકાલીનોને પ્રભાવિત કરનારી એમની કવિતામાં રંગદર્શી અને આધુનિક વલણોનો સહજ વ્યાપાર જોવા મળે છે. અભાવો, જીવનની સંકડામણ, ગ્રામજીવન-સીમ-ખેતરનું આકર્ષણ, શહેરનો વસવાટ ને એની કૃતકતાઓ સામેના અભાવો, મૃત્યુની અનુભૂતિ અને જિજીવિષા, વૃત્તિજન્ય આવેગો અને પ્રેમોષ્મા માટેનો ઝુરાપો રાવજીની કવિતાના નોખા ને નરવા વિશેષો છે. કલ્પન-પ્રતીકોમાં કૃષિજીવનનો અસબાબ મુકાતાં એમની કવિતામાં તાજપ ને નવતાનો અનુભવ થાય છે. ઇન્દ્રિય-રાગ છે એ જ પ્રમાણે ઇન્દ્રિયવ્યત્યયોની સહજ લીલા પણ એમનાં કાવ્યોનું સંતર્પક પાસું છે. છંદો ઉપર પકડ છે, પણ છંદોને પરંપરિત કરીને લયને ઘૂંટવામાં કવિની ખૂબી છે. પોતાની સંવેદનાને અનુરૂપ લયવિધાન અને ભાષાવિધાન રચવામાં રાવજી અજોડ મનાયા છે. કવિતામાં ગ્રામજીવન આવી સફળતાથી અને કવિત્વમય રીતિમાં આ પૂર્વે ગુજરાતીમાં નહોતું પ્રગટ્યું. અંગત ભાવોર્મિની ગીત-રચનાઓમાંથી ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘મેંશ જોઈ મેં રાતી’, ‘તમે રે ઊંચેરા ઘરના ટોડલા’ – જેવી રચનાઓ ગુજરાતી ગીતકવિતામાં યાદગાર બની છે. વેદનાની કવિતામાં પરંપરિત લયની રચનાઓ ‘ઠાગાઠૈયા’, ‘એક બપોરે’, ‘ઢોલિયે’ વગેરે છે. ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ મરસિયા રીતિનું નર્મમર્મની રગનું કાવ્ય છે. ‘સંબંધ’ દીર્ઘકાવ્ય પણ ધ્યાનાર્હ છે.
‘અશ્રુઘર’ લઘુનવલ 1966માં પ્રગટ થઈ હતી. સૅનેટોરિયમમાં ક્ષયગ્રસ્ત નાયક સત્ય છે. એના અભાવોની, રોગની અને જીવન-સંવેદનાની આ કથામાં નાયકને લલિતા અને સૂર્યા જેવી બે નારીઓની વચ્ચે દર્શાવીને સંઘર્ષમાં તીવ્રતા ને ઊંડાણ લવાયાં છે. ‘અશ્રુઘર’ કલ્પનશ્રેણીઓની ઉપકારકતા અને કાવ્યપરક ભાષાભાત સાથે, આલેખનની ચુસ્તી માટે જાણીતી છે. કવિની નવલકથામાં અભિવ્યક્તિ કેટલી વિશિષ્ટ હોઈ શકે તેનું આ ઉદાહરણ છે. ‘ઝંઝા’ (1967) ડાયરી-શૈલીના ઢાંચામાં લખાયેલી નવલકથા છે. ‘ઝંઝા’નો નાયક પૃથ્વી ઘર છોડે છે. અલબત્ત, એ સુખથી થાકીને દુ:ખની શોધમાં અને સંબંધોના બંધન વગરના વિશ્વમાં જીવવા ચાહે છે; પણ ગુણવંતીના તથા ક્ષમા કપૂરીનાં પાત્રોથી અને એમના તરફના મનોભાવોથી એ સમજે છે કે ખોખલા સંબંધો, છલના, વેદના, અભાવભર્યો રઝળપાટ વગેરે માનવીની નિયતિ છે. ‘ઝંઝા’ પણ કાવ્યસદૃશ ભાષાભાત માટે જાણીતી છે, પણ રચનાગત રીતે ઘણાંને એનો ઉત્તરાર્ધ શિથિલ લાગ્યો છે.
‘વૃત્તિ અને વાર્તા’ (1977) પણ રાવજીનું મરણોત્તર પ્રકાશન છે. તેમાં અધૂરી નવલકથા ‘વૃત્તિ’નાં આઠ પ્રકરણો ઉપરાંત અગિયાર પ્રયોગશીલ વાર્તાઓ છે. ‘વૃત્તિ’ નવલકથા લેખકની મહત્ત્વાકાંક્ષાની પ્રતીતિ કરાવે છે. ગ્રામ-પરિવેશ અને નગર-પરિસર બેઉને પીઠિકા રૂપે આલેખતી ‘વૃત્તિ’ની ભાષાભિવ્યક્તિ આસ્વાદ્ય છે. તેમની ‘સગી’, ‘છબીલકાકાનો બીજો પગ’ તથા ‘ઘેટાં’ જેવી વાર્તાઓ ધ્યાનપાત્ર છે.
મણિલાલ હ. પટેલ