પટેલ રણછોડભાઈ (જ. ; અ. 3 જાન્યુઆરી, 1980, મુંબઈ) : ભારતના આઝાદી સંગ્રામના લડવૈયા અને કામદાર નેતા. સત્યાગ્રહ-આંદોલનમાં સૂરત ખાતે દારૂની દુકાન પર પિકેટિંગ કરવા બદલ તેમને જેલની સજા થઈ હતી. જેલવાસી સત્યાગ્રહીઓમાં દિનકર મહેતા, હરિપ્રસાદ દેસાઈ, જયંતિ દલાલ, કરસનદાસ માણેક વગેરેનો સહવાસ તેમને સાંપડ્યો હતો. તેમણે દિનકર મહેતાને સમાજવાદી વિચારો તરફ આકર્ષ્યા હતા.
જેલમાંથી છૂટ્યા બાદ તેઓ અમદાવાદમાં કામદારોના ક્રાંતિકારી આંદોલનમાં જોડાયા અને તે વખતે સરકારે સામ્યવાદી પક્ષ ગેરકાયદે ઠરાવ્યો હોવાથી તેઓ ભૂગર્ભમાં રહી સામ્યવાદી પક્ષનું કામ કરતા હતા.
સામ્યવાદી અને સમાજવાદી વિચારસરણીના પ્રચાર માટે શરૂ થયેલ ‘નવી દુનિયા પ્રકાશન ગૃહ’માં તેઓ જોડાયા હતા. અમદાવાદના કામદાર-વિસ્તારોમાં અને શહેરના નવયુવાનો અને વિદ્યાર્થીઓમાં સમાજવાદી વિચારસરણી ફેલાવવા તેમણે સતત જહેમત ઉઠાવી હતી. તેઓ મિલ મઝદૂર યુનિયનના આગેવાન હતા.
1934માં મુંબઈમાં કૉંગ્રેસ સમાજવાદી પક્ષના પ્રથમ અધિવેશનમાં તેઓ હાજર રહ્યા હતા. આ અધિવેશન પછી અંગ્રેજ સરકારે જે અઢાર સંસ્થાઓ ગેરકાયદે જાહેર કરી તેમાં રણછોડભાઈના નેતૃત્વ હેઠળના મિલ મઝદૂર યુનિયનનો પણ સમાવેશ થતો હતો. તેથી 1935માં મિલ-કામદાર યુનિયન નામનું નવું યુનિયન શરૂ કરવામાં અને મિલ-માલિકોએ 1935માં કામદારો પર લાદેલા પગારકાપ સામેની લડતમાં તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
તેમનાં પત્ની શાંતાબહેને કામદાર-વિસ્તાર હાથીખાઈમાં દવાખાનું શરૂ કરી પતિના ક્રાંતિકારી આંદોલનમાં સાથ આપ્યો હતો.
1939માં સામ્યવાદી પક્ષના પ્રથમ અધિવેશનમાં તેઓ અમદાવાદ સભાના મંત્રી ચૂંટાયા હતા.
તેમણે કામદાર-વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો સ્થાપવામાં, કૉંગ્રેસના જેલવાસી આગેવાનોની તેમજ આઝાદ હિંદ ફોજના આગેવાનોની મુક્તિ માટેનાં આંદોલનોમાં, સ્વામિનારાયણ મંદિરમાં હરિજનોના મંદિરપ્રવેશની લડતમાં તથા 1947માં મિલ-કામદારોની પાળીબદલીની હડતાળમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો.
ડાહ્યાભાઈ નારણજી વશી