પટેલ, મોહનભાઈ ડાહ્યાલાલ (જ. 22 ફેબ્રુઆરી 1924; અ. 1995) : સિવિલ એન્જિનિયર, ઉચ્ચ સ્તરના વહીવટકર્તા. જન્મ એક સામાન્ય ખેડૂત કુટુંબમાં. પિતા ડાહ્યાભાઈનું દૃઢનિશ્ચયીપણું અને ખેડૂતોને છાજે તેવી કરકસર તથા તેમનાં માતાનો પ્રેમ મોહનભાઈની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રતિબિંબિત થયેલાં જોવા મળતાં. મોહનભાઈમાં તેજસ્વિતા, નિયમિતતા અને નિષ્ઠા જોવા મળતાં. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આણંદમાં લીધું. તેમણે આણંદની શારદા હાઈસ્કૂલમાંથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ડિસ્ટિંક્શન માર્ક મેળવી પાસ કરી. તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરી બૉમ્બે યુનિવર્સિટીની એન્જિનિયરિંગની ડિગ્રી પણ ડિસ્ટિંક્શન માર્ક સાથે યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ કરી.
ત્યારબાદ તેઓ ફ્રાન્સ ગયા. ત્યાં તેમણે બ્રિજ એન્જિનિયરિંગ અને બંદરવિકાસની તાલીમ મેળવી. પ્રીસ્ટ્રેસ્ડ કૉંક્રીટ એન્જિનિયરિંગ તથા યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચેની ફેરી સર્વિસીઝનો અભ્યાસ કર્યો. આ ઉપરાત કોલંબો-પ્લાન નીચે મોહનભાઈને કૅનેડાના હાઉસિંગ પ્રોગામમાં આધુનિકીકરણને સંબંધિત વિષયના અભ્યાસની ખાસ તક મળી. મોટા કદના હાઉસિંગ પ્રૉજેક્ટોનો વિસ્તૃત અભ્યાસ તેમણે કૅનેડામાં કર્યો. નવી ટાઉનશિપની રચનામાં જે ગૂંચવણો આવે તેના સંદર્ભમાં બિલ્ડિંગ મટીરિયલ ટૅક્નૉલૉજીના સંશોધનનો અને કારખાનાના બાંધકામના બિલ્ડિંગ મટીરિયલના ઉત્પાદનનો અધ્યયનમૂલક પરિચય મેળવ્યો.
તેઓ જૂના મુંબઈ રાજ્યમાં 1948માં જાહેર બાંધકામ વિભાગ(પી.ડબ્લ્યુ.ડી.)માં આસિસ્ટંટ એન્જિનિયર વર્ગ-1માં સીધી નિમણૂકથી જોડાયા. તેમની સૂઝ અને બુદ્ધિપ્રતિભાથી તેઓ અધીક્ષક ઇજનેર (1961), 1967માં ચીફ એન્જિનિયર અને સંયુક્ત સચિવ, 1971માં સરકારના ખાસ સચિવ અને 1975માં જાહેર બાંધકામ વિભાગના સંપૂર્ણ હવાલા સાથેના સચિવ તરીકે નિમાયા. જે જગ્યાએ હંમેશાં આઈ.એ.એસ. સંવર્ગના જ અધિકારીઓની સચિવ તરીકે નિમણૂક થતી હતી તે જગ્યાએ ગુજરાત સરકારે તેમની સૌપ્રથમ નિમણૂક કરી.
તેમણે નર્મદા સિમેન્ટ કં. લિમિ., દહેજ ઘોઘા ફેરી સર્વિસીઝ લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી.
તેમની ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત તે ગાંધીનગર ડેવલપમેન્ટ કૉમ્પલેક્સના વિકાસનું કાર્ય છે. તે કાર્ય સાથે તેઓ ચીફ એન્જિનિયર હતા ત્યારે અને તે પહેલાં પણ, 15 વર્ષથી સંલગ્ન હતા. ગાંધીનગરની રચના અને રાજ્યના પાટનગર તરીકેના વિકાસમાં તેમનું યોગદાન ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વનું લેખાશે. ગાંધીનગરના બાંધકામના કાર્યમાં તેમણે જે શક્તિ પ્રદર્શિત કરી તેના કારણે જ ગુજરાત સરકાર ઘણા ઓછા સમયમાં અમદાવાદથી સચિવાલયને ગાંધીનગર લાવી શકી. એ કાર્ય તેમણે 36 માસના ટૂંકા ગાળામાં કરી બતાવ્યું હતું. દેશમાં પણ જુદી જુદી સંસ્થાઓમાં તેમના યોગદાને તેમને એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે નામના અપાવી છે. ઇન્ડિયન રોડ કાગ્રેસે તેમને પ્રમુખ ચૂંટીને માન આપ્યું હતું. તેઓ વર્ષો સુધી ઇન્ડિયન રોડ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા અને તેની સમિતિઓમાં પણ વર્ષો સુધી સેવાઓ આપી હતી.
તેઓ આઈ.આર.સી. હાઈ-વે રિસર્ચ બોર્ડના સભ્ય હતા. 1978માં મેક્સિકોમાં આંતરરાષ્ટ્રીય રોડ કૉંગ્રેસમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરનાર પસંદગી-ટીમના તેઓ પણ સભ્ય હતા. તેમણે 1983-84માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ(ઇન્ડિયા)ના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. ન્યૂ દિલ્હીમાં વર્લ્ડ ઍનર્જી કૉન્ફરન્સમાં આ સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે સક્રિય ભાગ લીધો હતો. બીજી વર્લ્ડ એન્વાયરન્મેન્ટલ એન્જિનિયરિંગ કૉન્ફરન્સ, ન્યૂ દિલ્હી, 1985માં એફ.આઈ.પી.ની દિલ્હી ખાતે યોજાયેલી દસમી આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં તથા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયરિંગના પ્રમુખ તરીકે નૈરોબીમાં એન્જિનિયરિંગ ઑર્ગેનાઇઝેશનના વર્લ્ડ ફેડરેશનમાં પણ ભાગ લીધો હતો. ઑસ્ટ્રેલિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ(ઇન્ડિયા)ના પ્રતિનિધિ તરીકે સોલર ઍનર્જી કૉન્ફરન્સમાં તેમણે હાજરી આપી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સના ભૂતકાળના પ્રમુખ તરીકે બાંગ્લાદેશમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ સેમિનારમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. પાકિસ્તાનમાં પણ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ કન્વેન્શન અને કૉન્ફરન્સમાં તેઓ હાજરી આપી ચૂક્યા હતા.
આમ, મોહનભાઈ તેમના જીવનકાળ દરમિયાન સતત પ્રવૃત્તિશીલ રહ્યા હતા અને તેમણે જે કામ હાથ પર લીધું તે કામમાં નવી ચેતના પૂરી હતી.
કાંતિલાલ જ. ભટ્ટ