પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ (જ. 15 નવેમ્બર 1919, ચરાડા, જિ. મહેસાણા; અ. 30 સપ્ટેમ્બર 1970, મહેસાણા) : ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાના સહકારી સમાજસેવા પ્રવૃત્તિના આગેવાન. શરૂઆતથી જ ગાંધીવિચારથી પ્રભાવિત થઈને વીસ વર્ષની ઉંમરે સ્વદેશીનું વ્રત લીધું. વડોદરા કૉલેજમાં અભ્યાસ કરી બી.એ., એલએલ.બી. થયા. વડોદરા રાજ્યની ધારાસભામાં યુવાન-વયે ચૂંટાયા. વડોદરા રાજ્યનું દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં, મુંબઈ ધારાસભામાં ચાલુ રહ્યા. 1952ની ચૂંટણીઓમાં કાગ્રેસી ઉમેદવાર તરીકે માણસા મતદારમંડળમાંથી યશસ્વી રીતે ચૂંટાયા. 1962માં લોકસભામાં ચૂંટાયા. લોકસભાની વિવિધ વિષયોની સમિતિઓમાં સભ્યપદે રહી વિદેશપ્રવાસ પણ કર્યો.
શરૂઆતથી જ સુધારાવાદી. તેમજ સહકારી ડેરી-પ્રવૃત્તિમાં રસ અને તેમાં સક્રિય. અખિલ આંજણા કેળવણી મંડળ, ગ્રામ સુધારણા મંડળ તેમજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ વગેરેમાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. ગુજરાત રાજ્ય અલગ થયા પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધો. લોકસભાના સભ્યપદ દરમિયાન મહેસાણાની દૂધસાગર ડેરીના શિલ્પી બની તેના સંચાલકપદે એક દાયકા સુધી રહ્યા
વિદેશપ્રવાસે જવાના હતા તેના આગલા દિવસે માર્ગ-અકસ્માતમાં તેઓ અવસાન પામ્યા અને એ અવસાન કુદરતી નહિ પણ રાજકીય હતું તેવો વિવાદ પણ મૂકતા ગયા. માનસિંહભાઈ સ્વભાવે આખાબોલા, સિદ્ધાંતનિષ્ઠ, પ્રામાણિક, અભ્યાસી અને કર્મઠ હતા. ચૌધરી આંજણા સમાજમાં શિક્ષણ અને સુધારાની તેમણે પાયાની કામગીરી કરી. મહેસાણાના કાર્યકરો અને સમાજે તેમને ‘સિંહ’નું બિરુદ આપેલું.
ડંકેશ ઓઝા