પટેલ, મણિબહેન વલ્લભભાઈ (જ. 3 એપ્રિલ 1903 કરમસદ; અ. 26 માર્ચ 1990, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને અગ્રણી સામાજિક કાર્યકર. ભારતના રાષ્ટ્રનેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં એકમાત્ર પુત્રી. પિતા બૅરિસ્ટર હોવાથી પુત્રીના શિક્ષણ પ્રત્યે શરૂઆતથી જ સભાન હતા. મણિબહેનનું શિક્ષણ વિવિધ સ્થળે થયું હતું : બોરસદની પ્રાથમિક શાળા, મુંબઈમાં ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં તથા 1917થી અમદાવાદમાં. 1920ના અસહકારના આંદોલનને કારણે થોડા સમય માટે શાળાનો ત્યાગ. ફરીથી શિક્ષણનો આરંભ કરી ગૂજરાત વિદ્યાપીઠની વિનીત પરીક્ષા પાસ કરી અને ત્યાંથી ગુજરાતી-અંગ્રેજી સાથે ભાષાવિશારદ પણ થયાં.
પિતાના અસ્થાયી વસવાટને કારણે અભ્યાસ દરમિયાન વખતોવખત સ્થળાંતર કરવાં પડેલાં. તદુપરાંત, પિતા રાષ્ટ્રીય લડતના રંગે જેમ જેમ રંગાતા રહ્યા તેમ તેમ મણિબહેન પણ તેમાં સક્રિય બનતાં ગયાં. પ્રારંભે ખાદીવેચાણ, શેરીસભાઓ અને અન્ય સત્યાગ્રહીઓ સાથેની સક્રિય જીવનચર્યામાં જોડાતાં. સાથોસાથ અસહકારની લડત અંગેની સમજ પણ કેળવતાં રહ્યાં. સાબરમતી ખાતેના સત્યાગ્રહ આશ્રમમાંના વસવાટ દરમિયાન કાંતવા-પીંજવાની સ્પર્ધાઓમાં ભાગ લઈ ઇનામો અને ચંદ્રકો મેળવ્યાં. વિદ્યાપીઠ અને આશ્રમજીવન દરમિયાન પોતે જ પોતાનું જીવનઘડતર કરતાં અનેક વૈયક્તિક ગુણો વિકસાવ્યા.
1930થી સરદારનો પડછાયો બની તેમના અવસાન સુધી તેમના અંગત સચિવ તરીકે કામ કરતાં રહ્યાં. રસોઈ બનાવવાથી માંડી સરદારના પત્રવ્યવહાર સુધીની સમગ્ર કામગીરી તેઓ નિષ્ઠાપૂર્વક કરતાં. આ ગાળા દરમિયાન વારંવાર જેલયાત્રા પણ થતી. રાષ્ટ્રસેવા અને પિતૃભક્તિને જીવનના સહજ ધ્યેય તરીકે સ્વીકારી તેનું ઉજ્જ્વળ ષ્ટાંત પોતા દ્વારા પૂરું પાડ્યું.
પિતાના અવસાન (1950) પછી રાષ્ટ્રીય જીવનમાં સક્રિય બન્યાં. 1952થી 1962 અને 1973થી 1977 સુધી લોકસભાનાં તથા 1964થી 1970 છ વર્ષ રાજ્યસભાનાં એમ કુલ 20 વર્ષ સંસદસભ્ય રહ્યાં. આ વર્ષો દરમિયાન ‘કામ બોલશે’ના એકમાત્ર સિદ્ધાંતથી સતત અનેક જાહેર પ્રવૃત્તિઓ અને સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા પર કામ કરતાં રહ્યાં. 1954થી 1964 દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ રહ્યાં. ગૂજરાત વિદ્યાપીઠ, મહાદેવ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ, બારડોલી સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ તથા સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે પણ તેમણે સેવાઓ આપી. 1958થી 1960 અને 1964 પછીનાં વર્ષો દરમિયાન કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની સંચાલક સમિતિનાં સભ્ય અને 1963થી ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં સભ્ય તરીકે કાર્ય કરતાં રહ્યાં.
જાહેર જીવનની કામગીરીની સાથોસાથ ગુજરાતીમાં કેટલાક ગ્રંથોનું લેખન-સંપાદન પણ કર્યું, જેમાં ‘કસ્તૂરબા : વાણી અને વિચાર’ તથા ‘બોરસદ સત્યાગ્રહ’ જેવાં મૌલિક અને ‘મણિબહેનને પત્રો’ તથા ‘સરદાર વલ્લભભાઈ પટેલને પત્રો’ જેવા સંપાદિત ગ્રંથોનો સમાવેશ થાય છે. હિન્દી અને અંગ્રેજીમાં પણ તેમણે ગ્રંથલેખન કર્યું છે. ‘સરદાર્સ કૉરસપૉન્ડન્સ’(10 ગ્રંથો)ના સંકલન અને સંપાદનની તેમની કામગીરી વિશેષભાવે ઉલ્લેખનીય ગણાય.
રક્ષા મ. વ્યાસ