પટેલ, ભોળાભાઈ શંકરભાઈ (જ. 7 ઑગસ્ટ 1934, સોજા, જિ. મહેસાણા; અ. 20 મે 2012, અમદાવાદ) : અનેકભાષાવિદ, ગુજરાતીના સર્જક, વિવેચક અને ઉત્તમ પ્રાધ્યાપક. માતાનું નામ રેવાબહેન. 1952માં એસ.એસ.સી., 1957માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં એમ.એ. પ્રથમ ક્રમે; એ જ વર્ષે હિન્દીના અધ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ. 1968માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે ફરીથી બી.એ. અને 1970માં ફરીથી એમ.એ.. 1969માં આ જ યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિંદીના વ્યાખ્યાતા તરીકે નિયુક્ત. 1980થી રીડર તરીકે અને તે પછી 1986માં વિભાગીય અધ્યક્ષ બન્યા. 1987માં પ્રોફેસરપદ. 1994માં નિવૃત્ત. તેમણે ભાષાશાસ્ત્ર તથા જર્મન ભાષામાં ડિપ્લોમા પણ મેળવેલા. 1983-84માં વિશ્વભારતી શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્ય વિષયના મુલાકાતી ફેલો; 2012ની જૂનાગઢમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તથા તેના મુખપત્ર ‘પરબ’ના 1990થી 2012 સુધી તંત્રી રહ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ હતા. ગુજરાત વિદ્યાસભાના 2007-2009 સુધી પ્રમુખ. 2008માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મશ્રી’થી વિભૂષિત. સાહિત્ય અકાદેમી, દિલ્હીની જનરલ અને ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલના 1993થી પાંચ વર્ષ માટે સભ્ય હતા. સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા તેનું સર્વોચ્ચ આજીવન સન્માન ફેલોશિપથી થયેલું.
ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન વિવેચન, નિબંધભ્રમણવૃત્ત તથા સંપાદનક્ષેત્રે વિશેષ ઉલ્લેખનીય રહ્યું છે. 1972માં તેમનું પ્રથમ પ્રકાશન તે ‘સુરદાસની કવિતા’ નામની પરિચય-પુસ્તિકા. એ રીતે પછી ‘રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિ’ (1986), ‘અજ્ઞેય’ (1987), ‘ઉમાશંકર જોશી’ (1989) તથા ‘જૈનેન્દ્રકુમાર’ (1992) પરિચય-પુસ્તિકાઓ પ્રકાશિત થઈ.
રસાળ શૈલી અને અનોખી વિષય-માવજતના કારણે તેમનું પ્રવાસવર્ણનરૂપ સર્જન ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર બન્યું છે. એ પ્રકારમાં એમણે પ્રારંભ કર્યો ‘વિદિશા’(1980)થી. 1994માં તેનું હિંદી સંસ્કરણ થયું. તેમના ઉત્કટ પ્રવાસશોખના ફળ રૂપે પછી ‘પૂર્વોત્તર’ (1981), ‘કાંચનજંઘા’ (1985), ‘રાધા તારા ડુંગરિયા પર’ (1987), ‘દેવતાત્મા હિમાલય’ (1990), ‘દેવોની ઘાટી’ (1989) (હિંદી અનુવાદ પણ 1998માં પ્રકાશિત થયો છે.), ‘શાલભંજિકા’ (1992), ‘બોલે ઝીણા મોર’ (1992), ‘ચૈતર ચમકે ચાંદની’ (1996) જેવાં ભ્રમણવૃત્તનાં પુસ્તકો દ્વારા તેમણે સંખ્યા અને ગુણવત્તા – એ બંને દૃષ્ટિએ ગુજરાતી પ્રવાસસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
ગુજરાતી વિવેચનક્ષેત્રે પણ એમણે નિજી ઢબે ખેડાણ કર્યું છે. ‘અધુના’ (1973), ‘ભારતીય ટૂંકી વાર્તા’ (1973), ‘પૂર્વાપર’ (1976), ‘કાલપુરુષ’ (1979), ‘અજ્ઞેય : એક અધ્યયન’ (1983), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ (1987), ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ (1996), ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ (1997), ‘આવ, ગિરા ગુજરાતી’ (2001), ‘વાગ્વિશેષ’ (2008), ‘ભારતીય સાહિત્ય કે નિર્માતા : ઉમાશંકર જોશી’ (2012), ‘અક્ષરશ: ઉમાશંકર’ (2013, મરણોત્તર) ‘ભારતીય ઉપન્યાસ પરંપરા અને ગ્રામકેન્દ્રી ચેતના’ (2015), ‘રવીન્દ્રનાથ ટાગોર’ (2015) એ તેમના વિવેચન ગ્રંથો છે.
તેઓ ગુજરાતી અને હિન્દી ઉપરાંત બંગાળી, ઊડિયા, અસમિયા અને મરાઠી ભાષા જાણતા હતા. 1967માં ‘વિષ્ણુ દિગંબર’ના પ્રકાશનથી આરંભાયેલી તેમની અનુવાદપ્રવૃત્તિ સુનીલ ગંગોપાધ્યાય કૃત ‘સ્વર્ગનીચે મનુષ્ય’ (1977), રવીન્દ્રનાથ ટાગોર કૃત ‘ચાર અધ્યાય’, જીવનાનંદ દાસ કૃત ‘વનલતા સેન’ (1976), ‘નગ્નનિર્જન હાથ’ (2005), બુદ્ધદેવ બસુ કૃત ‘તપસ્વી અને તરંગિણી’ (1982), સુકુમાર સેન કૃત ‘બંગાળી સાહિત્યનો ઇતિહાસ’ જેવા બંગાળી ગ્રંથોના અનુવાદ, વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યની આસામી નવલકથા ‘ઇયારુઇંગમ’ (1996) અને 2011માં ‘નિર્વાચિત કવિતા’ સુધી વિસ્તરી અને તે દ્વારા વૈવિધ્યપૂર્ણ ભારતીય ભાષા-સાહિત્યનો આસ્વાદમૂલક પરિચય ગુજરાતી ભાષા-સમાજને કરાવતા રહ્યા. તેમણે અન્યના સહકારથી તથા એકલા પણ 35 ઉપરાંત સંપાદનો પ્રગટ કરી પોતાની અભ્યાસપૂર્ણ દૃષ્ટિનો પરિચય કરાવ્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પુસ્તકોમાં ‘વિદિશા’, ‘પૂર્વોત્તર’, ‘કાંચનજંઘા’ મુખ્ય છે. ‘દેવોની ઘાટી’ માટે 1992નો દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો હતો. 1995નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયો હતો. 1995-96 દરમિયાન બિરલા ફાઉન્ડેશન તરફથી ‘તુલનાત્મક ભારતીય સાહિત્ય’ માટે ફેલોશિપ, 1996માં અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ, 1998-99 દરમિયાન યુ.જી.સી.ના માનાર્હ ફેલો હતા. 1999માં દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી 1998ના વર્ષનો અનુવાદ-પુરસ્કાર અસમિયા નવલકથા ‘ઇયારુઇંગમ’ માટે અપાયેલો. 2004માં ગુજરાત સાહિત્ય અકાદેમી તરફથી ગૌરવ પુરસ્કાર; 2005માં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘સ્વામી સચ્ચિદાનંદ’ પુરસ્કાર અને 2007માં દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘દર્શક’ પુરસ્કાર પણ તેમને મળેલા છે. સાહિત્ય અકાદમી (દિલ્હી)નું સર્વોચ્ચ, સમ્માન ‘મહત્તર સદસ્યતા’ (Fellowship) (2010)માં અપાયું હતું.
મહેશ ચોકસી