પટેલ, (ડૉ.) સી. કે. એન (જ. 2 જુલાઈ 1938, બારામતી) : વાયુ (ખાસ કરીને કાર્બન-ડાયૉક્સાઇડ) લેસરના સર્જક અને પુરસ્કર્તા. તે નડિયાદ(ગુજરાત)ના વતની છે. પાયાનું શિક્ષણ મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાંથી લીધું. ચૌદ વર્ષની નાની વયે માધ્યમિક શિક્ષણ પૂરું કરીને 1958માં યુ.એસ.ની સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ યુનિવર્સિટીમાંથી તેમણે એમ. એસ. અને પીએચ.ડી.ની ઉપાધિઓ મેળવી.
1961માં બેલ પ્રયોગશાળામાં જોડાયા. તે જ વર્ષે શુદ્ધ નિયૉનમાં અને 1961-63 દરમિયાન દુર્લભ વાયુઓમાં લેસરનું કાર્ય શોધી કાઢ્યું. 1964માં કાર્બન-ડાયૉક્સાઇડ લેસર તથા નાઇટ્રોજન કાર્બન-ડાયૉક્સાઇડ લેસરની શોધ કરી. તેમની આ શોધ સર્વતોમુખી રહી છે. 1965માં સૌપ્રથમ વાર 100 વૉટથી વધુ શક્તિશાળી લેસરનું નિર્દેશન કર્યું. 1966-68 દરમિયાન અધોરક્ત (infrared) વિભાગમાં અરૈખિક પ્રકાશિકી (non-linear optics) માટે ઘણાં દ્રવ્યોની શોધ કરી, 1968માં પ્રચક્રણ ઝટકા વડે (spin-flip) રામન લેસરની, અને 1970માં ક્-ધ્વનિક (opto-acoustic) વર્ણપટ-વિજ્ઞાનની શોધ કરી.
તેમણે 1972માં પ્રદૂષણ-નિયંત્રણ ઉપર કામ કરીને પ્રદૂષણના અતિસૂક્ષ્મ પ્રમાણને શોધી કાઢવાની પદ્ધતિ વિકસાવી. 1973-74 દરમિયાન પ્રથમ વાર તેમણે સમતાપમંડળ(stratosphere)માં નાઇટ્રિક ઑક્સાઇડનું અને 197479 દરમિયાન પ્રથમ વાર ભારે હાઇડ્રોજનસમ દ્રવ્યમાં લેમ્બ-શિફ્ટનું માપન કર્યું. 1978માં ઘન અને પ્રવાહીઓ માટે સ્પંદિત (pulsed) ક્-ધ્વનિક વર્ણપટ-વિજ્ઞાનની શોધ કરી. ઉપરાંત તેમણે આણ્વિક વર્ણપટશાસ્ત્ર (molecular spectroscopy) અને લેસર શસ્ત્રક્રિયા(laser surgery)ના ક્ષેત્રે ધ્યાનાકર્ષક સંશોધન કર્યું છે.
ડૉ. પટેલ માર્ચ, 1993થી કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(લોસ એન્જેલસ)માં સંશોધન-ઉપકુલપતિ (Vice Chancellor, research) છે. આ પહેલાં તેઓ એ.ટી.ઍન્ડ ટી. બેલ પ્રયોગશાળાના ઇજનેરી અને એકૅડેમિક વિભાગના દ્રવ્ય-વિજ્ઞાનના સંશોધક અને નિયામક હતા.
નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને નૅશનલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગના તેઓ સભ્ય છે. ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇલેક્ટ્રૉનિક્સ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર્સ (ભારત), થર્ડ વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર્સ (યુ.એસ.), અમેરિકન ફિઝિકલ સોસાયટી, ઑપ્ટિકલ સોસાયટી ઑવ્ અમેરિકા તથા લેસર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ અમેરિકાના ફેલો છે.
1980માં ડૉ. પટેલ ગાઇનિકોલૉજિક લેસર સર્જરી સોસાયટીના અને 1985માં લેસર મેડિસિન અને સર્જરી સોસાયટીના માનાર્હ સભ્ય તરીકે પસંદગી પામ્યા.
આ ઉપરાંત તેમણે બીજી ઘણી સંસ્થાઓનાં સભ્યપદ, ફેલોશિપ અને અધ્યક્ષપદ શોભાવ્યાં છે. ડૉ. પટેલે વિભિન્ન અને વિશાળ વિસ્તારોને આવરી લે તેવી વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ બધી સિદ્ધિઓનો વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને સમાજ ઉપર ઘેરો પ્રભાવ પડ્યો છે.
કાર્બન-ડાયૉક્સાઇડ લેસર સહિત તેમણે શોધેલ અન્ય લેસર-પદ્ધતિઓનો નીચેનાં ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે;
જેમ કે :
(1) ઔદ્યોગિક ક્ષેત્રે : ધાતુઓને કાપવા, તેમાં શાર પાડવા અને રેણ જેવા અન્ય હેતુઓ માટે.
(2) વૈજ્ઞાનિક પ્રયોજનક્ષેત્રે : વર્ણપટવિજ્ઞાન, અરૈખિક પ્રકાશિકી, પ્રકાશીય પંપિંગ, નવાં નવાં લેસર જેવાં કે અધોરક્ત અને X-કિરણ લેસર તૈયાર કરવા માટે.
(3) તબીબી ક્ષેત્રે : ઑટોલેરિંગોલૉજી, સ્ત્રીરોગશાસ્ત્ર, અર્બુદ (tumour) નિવારણ અને આમ સર્જરી માટે.
(4) સુદૂર ખોજ (remote probing) પ્રયુક્તિ તરીકે જેમાં પ્રદૂષણ-નિયંત્રણ, સર્વેક્ષણ, ડૉપ્લર રડાર, અસંખ્ય લશ્કરી ઉપયોગોનો સમાવેશ થાય છે.
વિવિધ સીમાગ્ર સંશોધનો માટે ઢગલાબંધ પદકો, ઍવૉર્ડ અને સન્માનપત્રો તેમને એનાયત થયાં છે.
યુ.એસ. અને યુ.એસ.એસ.આર. વચ્ચે શીત-યુદ્ધ લાંબું ચાલ્યું. તેના અંતથી પેદા થયેલ શક્તિશાળી અસરને જાણનાર અને ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત કરનાર ડૉ. પટેલ વિદ્યાજગતમાં પ્રથમ છે. ડૉ. પટેલ દૃઢપણે માને છે કે ઉચ્ચશિક્ષણ અને સંશોધનની પ્રક્રિયામાં ઉદ્યોગો, સરકાર અને વિદ્વાનો (academia) નિ:શંકપણે રચનાત્મક પ્રભાવ પાડી શકે છે. ડૉ. પટેલે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(લોસ એન્જલસ)માં ઉદ્યોગો અને યુનિવર્સિટી વચ્ચેની ભાગીદારી ઉપર ધ્યાન વિશિષ્ટ રીતે કેન્દ્રિત કર્યું છે. તેમના પ્રયાસોને લીધે આ યુનિવર્સિટીના ઉદ્યોગો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આવ્યું છે.
પશ્ચિમના દેશોમાં વિજ્ઞાન યુનિવર્સિટીમાંથી નીકળીને ઉદ્યોગોમાં જાય છે. વિજ્ઞાન અને ઉદ્યોગો વચ્ચે મહત્ત્વનો તબક્કો ટૅક્નૉલૉજી છે. આ ચાવીરૂપ તબક્કાને વિકસાવવા માટે ડૉ. પટેલને રિસર્ચ યુનિવર્સિટીની જરૂર જણાય છે. આપણે ત્યાં યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચેની ખાલી જગા રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ પૂરે છે, લગભગ તેવું જ કામ રિસર્ચ યુનિવર્સિટીએ કરવાનું રહે છે.
ડૉ. પટેલ ચોક્કસપણે માને છે કે વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ માત્ર આનંદપ્રમોદ, સુખસગવડો કે બહેતર કમાણી માટે કરવો ઉચિત નથી પણ ગરીબી અને નિરક્ષરતાના નિવારણ માટે કરવો સમુચિત છે. આ દિશામાં તેઓ પોતાનો ફાળો આપી રહ્યા છે.
સામાજિક ક્ષેત્રે તેઓ ઉદારમતવાદી છે. જે રાષ્ટ્રમાં વ્યક્તિ રહેતી હોય તેની મુખ્ય ધારામાં ભળી એકરૂપ થઈ જવામાં તેઓ માને છે. બંધ (closed) સમાજનો ખ્યાલ તેમને પ્રગતિ-રોધક લાગે છે, જ્યારે ખુલ્લા (open) સમાજમાં વ્યક્તિ સર્વાંગી વિકાસ સાધી શકે છે. યુ.એસ.માં તેઓે યુનિવર્સિટી-કક્ષાએ ભારતીય અર્થશાસ્ત્ર, ભારતીય લલિતકલા વગેરેની ‘ચૅર’ ભારતીય ઉદ્યોગપતિઓના સહયોગથી શરૂ કરવા માગે છે. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ઇતિહાસ માટે ‘દોશીઇન્ડિયા-ચૅર’ શરૂ કરી દીધી છે.
ડૉ. પટેલ ટેનિસ અને સર્ફિન્ગ જેવી પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. તેમનાં પત્ની શીલાબહેન પણ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલાં છે.
પ્રહલાદ છ. પટેલ