પટેલ, કાંતિભાઈ બળદેવભાઈ (. 1 જુલાઈ 1925, બૉર્નિયો, ઇન્ડોનેશિયા; . 8 જાન્યુઆરી 2019, અમદાવાદ) : ગુજરાતના પ્રતિભાસંપન્ન શિલ્પી. પિતાના દાક્તરી વ્યવસાય નિમિત્તે બાળપણ બૉર્નિયોમાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ વતન સોજિત્રામાં અને માધ્યમિક શિક્ષણ ગાંધીજી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાં દત્તા મહા પાસે શિલ્પશિક્ષણનો પ્રારંભ કર્યો.

કાંતિભાઈ બળદેવભાઈ પટેલ

1942ની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. તેમના કાર્યક્ષેત્રરૂપ સૂરત જિલ્લામાં બારડોલી કોર્ટનું પિકેટિંગ કરતાં છ માસનો જેલવાસ ભોગવ્યો. ત્યાંથી છૂટ્યા પછી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકળાનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ શિલ્પકળા પરત્વેની અભિરુચિ પ્રબળ બનતાં, દત્તા મહાના માર્ગદર્શનથી ખામગાંવ(જિ. નાગપુર)ની તિલક વિદ્યાપીઠમાં પંધે ગુરુજી પાસે કળાસાધના આદરી. ત્યાં શિલ્પકળામાં પ્રથમ વર્ગ મેળવી વતન આવ્યા.

વતનમાં કામચલાઉ શિલ્પગૃહ (studio) ઊભું કરી સંસ્થાઓ માટે શિલ્પનિર્માણનો પ્રારંભ કર્યો. 1942ના અડાસના પાંચ શહીદો માટે તૈયાર કરેલ શિલ્પ તે આ ગાળાનું તેમનું મહત્ત્વનું સર્જન. પછી કાર્યક્ષેત્ર બદલીને વલ્લભવિદ્યાનગર આવ્યા. અહીં તેમની સર્જનપ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામી. આ ગાળાનું સુપ્રસિદ્ધ અને યશોદાયી સર્જન તે વલ્લભભાઈ પટેલની વિરાટકાય પ્રતિમા; વલ્લભવિદ્યાનગરમાં પ્રવેશતાંવેંત નજરે પડતી આ 121 ફૂટની વિશાળ કાંસ્યપ્રતિમાનું સર્જન તેમણે માત્ર 27 વર્ષની ઉંમરે કર્યું. પારાવાર મુશ્કેલીઓ છતાં દૃઢતા અને સંકલ્પપૂર્વક પૂર્ણ કરાયેલી આ સરદાર-પ્રતિમામાં સરદારની લોખંડી મુખમુદ્રા અને દેહછટા ખૂબ પ્રભાવક રીતે નિર્માણ પામી છે. તેમણે સર્જેલી પ્રતિમાઓ એ દરમિયાન ગુજરાતનાં અનેક શહેરોમાં જાહેરમાં મુકાતી થઈ હતી; પણ તેમનું વલણ માત્ર વ્યવસાયી શિલ્પી તરીકેનું રહ્યું નથી. ગાંધીજી, વિનોબા, રવિશંકર મહારાજ જેવા અનેક મહાનુભાવોની શિલ્પકૃતિઓમાં તેમની સ્વભાવગત દેશદાઝ તથા ઝીણવટભરી કલાસૂઝ પ્રગટ થઈ છે. નાના માપનાં શિલ્પો તથા દેવપ્રતિમાઓના સર્જનમાં પણ તેમણે એવું જ સૂક્ષ્મ કૌશલ દાખવ્યું છે. માટી, ધાતુ કે પાષાણ એ સઘળાં માધ્યમમાં કળાકૃતિ કંડારવામાં તેમણે પૂરું નૈપુણ્ય દાખવ્યું છે.

પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વિના એકાંત ખૂણે શિલ્પસાધના કરવાના ઉદ્દેશથી, 19 વર્ષના વલ્લભવિદ્યાનગર-નિવાસ પછી તેમણે કાર્યક્ષેત્ર અમદાવાદ ખસેડ્યું. 1969માં વાડજ નજીક ચાંદલોડિયા ગામના એકાંત વાતાવરણમાં તેમણે વિશાળ શિલ્પભવનનું નિર્માણ કર્યું. અદ્યતન બ્રૉંઝ-કાસ્ટિંગ ફાઉન્ડ્રી સહિત સાધનસંપન્ન શિલ્પભવન તરીકે એ ભારતમાં જ નહિ પણ સમગ્ર એશિયામાં અદ્વિતીય ગણાય છે.

અમદાવાદમાં આકાશવાણીના મકાન સામે મુકાયેલી તથા ન્યૂયૉર્કના ગાંધી સ્ક્વૅરમાં મુકાયેલી લાક્ષણિક અને સુખ્યાત ગાંધી-પ્રતિમાઓ આ શિલ્પભવનમાં સર્જાયેલી છે. તેમનાં નાનાં-મોટાં હજારો શિલ્પો દેશવિદેશના અનેક ખાનગી સંગ્રહોમાં અને જાહેર સંગ્રહાલયોમાં સ્થાન પામ્યાં છે; અનેક જાહેર સ્થાનોએ તે મુકાયાં છે. તેમની આવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિને કારણે જ તેમનો મહત્ત્વના સંદર્ભગ્રંથોમાં ઉલ્લેખ થતો રહ્યો છે, તેમાં ‘રેફરન્સ એશિયા’, ‘ધી ઇન્ટરનેશનલ બુક ઑવ્ ઑનર’ (અમેરિકા) તથા ‘ઇન્ટરનેશનલ બાયૉગ્રાફિકલ સેન્ટર’ (ઇંગ્લૅન્ડ) જેવા સંદર્ભગ્રંથો મુખ્ય છે.

તેમની અન્ય ગણનાપાત્ર સેવામાં ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીની નિર્ણાયક સમિતિના સભ્ય (1970-74), બનારસ હિંદુ યુનિવર્સિટીના શિલ્પવિભાગના બોર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય તથા ઇન્ટરનેશનલ સર્વિસ ઑર્ગેનિઝેશનના સભ્ય તરીકેની સેવાઓ નોંધવા જેવી છે.

તેમને મળેલાં સન્માનોમાં દિલ્હીની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સનો ચૅરમૅન્સ સ્પેશિયલ ઍવૉર્ડ, 1965; નડિયાદના હરિ ઓમ્ આશ્રમનો સુવર્ણચંદ્રક, 1973; ખામગાંવના કલાભવનનો સુવર્ણચંદ્રક, 1977 તથા ગુજરાત રાજ્યની લલિત કલા અકાદમીનું સન્માન (1978) તથા ‘પદ્મશ્રી’ (2004)નો સમાવેશ થાય છે.

તેમણે અમદાવાદ ખાતેનો પોતાનો શિલ્પ સ્ટુડિયો તથા રહેણાક નિવાસસ્થાન દિલ્હીની રાષ્ટ્રીય લલિતકલા અકાદમીને ભેટ આપ્યાં છે.

મહેશ ચોકસી