પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અહમદનગર ખાતે પૂરું થયું. તેમણે સેન્ટ્રલ હિંદુ કૉલેજ, બનારસમાંથી સ્નાતક (બી.એ.) અને અનુસ્નાતક (એમ.એ.) ડિગ્રી પરીક્ષાઓ અર્થશાસ્ત્રના મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી. અચ્યુતના બંને પિતા (હરિ કેશવ પટવર્ધન અને દત્તક લેનાર સીતારામ પટવર્ધન) થિયૉસૉફિસ્ટ હતા. આથી ઍની બેસન્ટે સ્થાપેલી કૉલેજમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને પરિણામે તેઓ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. જી. એસ. અરુંડેલ, ડૉ. ઍની બેસન્ટ તથા પ્રો. તેલંગના સંપર્કમાં આવ્યા હતા. તેમની પ્રગાઢ અસરથી અચ્યુત મહેનતુ, ચિંતનશીલ અને અનાસક્ત પ્રકૃતિવાળા બની રહ્યા.
1932 સુધી તેમણે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આ ગાળા દરમિયાન તેમણે ત્રણ વાર ઇંગ્લૅન્ડ તથા અન્ય યુરોપિયન દેશોની મુલાકાત લીધી. અહીંયાં તે સમાજવાદી નેતાઓ અને વિદ્વાનો સાથે સંપર્કમાં આવ્યા. સામ્યવાદી અને સમાજવાદી સાહિત્યના અનુશીલનના અંતે અચ્યુતે પ્રાધ્યાપકપદેથી રાજીનામું આપીને 1932માં મહાત્મા ગાંધીજી સંચાલિત સવિનય કાનૂનભંગની લડતમાં ઝંપલાવ્યું. ત્યારપછીના દાયકા દરમિયાન તેમણે અનેક વાર જેલવાસ કરવો પડ્યો.
આચાર્ય નરેન્દ્રદેવ અને જયપ્રકાશ નારાયણની જેમ કૉંગ્રેસમાં જોડાવાનો તેમનો હેતુ પણ તે પક્ષને સમાજવાદના રાહે વાળવાનો હતો; આથી તેમણે 1934માં કૉંગ્રેસની અંદર ‘કૉંગ્રેસ સમાજવાદી પક્ષ’ની સ્થાપના કરી. 1936માં અચ્યુત પટવર્ધન કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય બન્યા. 1935થી 1941 સુધીના ગાળામાં તેમણે સમાજવાદ અને સમાજવાદી પ્રવૃત્તિઓ અંગેની તાલીમ આપવા માટે અનેક શિબિરો યોજી. 1942ની ‘હિંદ છોડો’ની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધેલો.
1945-46માં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ હાથ ધરી. સતારા જિલ્લામાં ચાલતી સમાંતર સરકારના તેઓ સૂત્રધાર હતા. ત્રાસવાદી પ્રવૃત્તિઓને આધારે સમાંતર સરકાર સ્થાપવામાં આવી હતી, જેને ‘પત્રી સરકાર’ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. સરકારી અમલદારો અને લોકોને સમાંતર સરકારની પ્રવૃત્તિઓને અવરોધવાના ગુના સબબ જે સજા ફટકારવામાં આવતી તેને ‘પત્રી’ કહેતા. સમાંતર સરકારની પ્રવૃત્તિઓ ગામડાંઓમાં સારી પેઠે ફેલાઈ હતી. તેને લીધે સતારા જિલ્લાનાં ગામડાંઓમાં સરકારી વહીવટી વ્યવસ્થા ભાંગી પડી હતી.
અચ્યુત પટવર્ધન પોતે અન્ય કાર્યકરોનાં કપડાં ધોવા તથા તેમના માટે ખાવાનું તૈયાર કરવાનું કાર્ય કરતા હતા. ત્યારબાદ તેમણે સમાંતર સરકારની પ્રવૃત્તિઓમાં નાયકની ભૂમિકા અદા કરી અને સતારા જિલ્લામાં બે વર્ષ માટે લોકશાસનની સ્થાપના કરી. આ શકવર્તી કાર્યને લીધે તેઓ ‘સતારાના સિંહ’ તરીકે ઓળખાતા થયા હતા.
1947માં કૉંગ્રેસથી અલગ થઈને તેમણે સમાજવાદી પક્ષની સ્થાપના કરી. 1950માં તેમણે રાજકારણમાંથી સંન્યાસ લઈને સેન્ટ્રલ હિંદુ કૉલેજ, બનારસમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. 1966 પછી તેમણે સામાજિક પ્રવૃત્તિઓ આટોપી લઈને પુણે ખાતે સંપૂર્ણ નિવૃત્તિમય જીવન ગાળવાનો નિર્ધાર કર્યો. તેમ છતાં તે દરમિયાન પણ તેમણે જે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.
તેમનું જીવન સાદું હતું. મરાઠી, હિંદી અને અંગ્રેજીમાં વ્યક્ત થયેલા તેમના વિચારો સુચિંતનના પરિપાકરૂપ તાર્કિક અને અસરકારક હતા. તેમનું અશોક મહેતાની સાથેનું ‘ધ કૉમ્યુનલ ટ્રાયઍંગલ ઑવ્ ઇન્ડિયા’ (1942) એકમાત્ર પ્રકાશન હતું.
નવનીત દવે