પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) : સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી.
પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન પ્રાઇમરી સ્કૂલ અને મિશન (ક્રાઇસ્ટ કૉલેજિયેટ) સ્કૂલમાં મેળવ્યું. 1932માં ફર્સ્ટ ડિવિઝન સાથે મૅટ્રિક્યુલેશન કર્યું અને કટકની પ્રસિદ્ધ રેવનશૉ કૉલેજમાં ઇન્ટરમીડિયેટ સાયન્સના વર્ગોમાં પ્રવેશ મેળવ્યો. તેઓ ફૂટબૉલ, ક્રિકેટ, ઍથ્લેટિક્સ અને હૉકીના ઉત્કૃષ્ટ ખેલાડી હતા. વર્ષ 1927માં ગાંધીને પહેલી વાર જોયા પછી તેમના પ્રભાવમાં આવીને બાળપણથી અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાની ઇચ્છા જાગી. ‘નેપોલિયન’ને પોતાનો આદર્શ માનતાં બીજુએ પણ પોતાનાં શબ્દકોશમાંથી ‘અશક્ય’ શબ્દ હંમેશા માટે ડિલેટ કરી દીધો હતો. વિજ્ઞાન શાખામાં સ્નાતકનો અભ્યાસ અધૂરો છોડીને એરોનોટિક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને દિલ્હી ફ્લાઇંગ ક્લબમાં પાઇલટ તરીકે તાલીમ મેળવી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રૉયલ ઇન્ડિયન ઍરફોર્સમાં સામેલ થયા અને રંગૂનમાં ફસાયેલા બ્રિટિશ પરિવારોને સાહસિકતા સાથે સહીસલામત રીતે ભારત પરત લાવવા બદલ બ્રિટિશ સરકારની પ્રશંસાને પાત્ર બન્યા. સાથે સાથે તેમણે મહાત્મા ગાંધીના “ભારત છોડો” આંદોલનને પણ ટેકો આપ્યો. રામમનોહર લોહિયા, અરુણા આસફ અલી જેવાં સ્વતંત્રતાસેનાનીઓને પોતાના ઘરમાં છુપાવ્યાં. સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નૅશનલ આર્મીને ટેકો આપ્યો. આ કારણે પ્રસિદ્ધ સામાયિક ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ કહ્યું કે –બીજુની પહેલી વફાદારી પ્રથમ ભારતીય સ્વતંત્રતાસેનાનીઓ પ્રત્યે અને બીજી વફાદારી બ્રિટનની સરકાર પ્રત્યે છે. જોકે બ્રિટનની સરકારે ભારતીય સ્વતંત્રતાસેનાનીઓને આશરો આપવા બદલ 13 જાન્યુઆરી, 1943ના રોજ તેમની ધરપકડ કરી. બે વર્ષની સજા થઈ અને ફિરોઝપુર ફોર્ટ જેલમાં કેદ થયા.
જેલમાં છૂટ્યા પછી વર્ષ 1946માં ઓડિશા વિધાનસભામાં ઉત્તર કટક બેઠક પરથી ચૂંટાયા. 1950ના દાયકામાં ભારતની સાથે ઇન્ડોનેશિયાની આઝાદીની લડતને પણ ટેકો આપ્યો, જેના પગલે ઇન્ડોનેશિયાની સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન “ભૂમિપુત્ર” એનાયત કર્યું. એટલું જ નહીં, વર્ષ 1996માં ઇન્ડોનેશિયાના 50મા સ્વતંત્રતા દિવસ પર તેમને ઇન્ડોનેશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “બિન્તાગ જાસુ ઉતામા” એનાયત કર્યો. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રીનું નામ મેઘાવતી સુકર્ણો રાખ્યું. મેઘાવતી પણ પાછળથી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યાં.
આઝાદી પછી પંડિત નહેરુની અતિ નિકટ અને કૉંગ્રેસના ટોચના નેતાઓમાં સામેલ પટનાયક શરૂઆતથી કૉંગ્રેસની સમાજવાદી આર્થિક નીતિના વિરોધ અને આર્થિક ઉદારીકરણના હિમાયતી. ઓડિશાની ઔદ્યોગિક વૃદ્ધિના પથપ્રદર્શક બીજુએ ઓડિશાનું ઔદ્યોગિકીકરણ કરવા રાજ્યમાં કલિંગા ટ્યૂબ્સ, પ્રથમ આધુનિક ટેક્સટાઇલ મિલ, કટકના જોબરામાં પ્રથમ રેફ્રિજરેટરની ફૅક્ટરી વગેરે અનેક ઉદ્યોગોની સ્થાપના કરી. વર્ષ 1961થી 1963માં કૉંગ્રેસી મુખ્યમંત્રી તરીકે ટૂંકા ગાળામાં તેમણે ‘ડિકેડ ઓફ ડેસ્ટિની’ નામની રાજ્યની ઔદ્યોગિક ક્ષેત્રમાં કાયાપલટ કરવા યોજના બનાવી. એટલું જ નહીં વર્ષ 1961થી 1967 સુધી ઓડિશામાં ઔદ્યોગિકીકરણને ટેકો આપવા શિક્ષિત યુવાનોની ફોજ ઊભી કરવા શૈક્ષણિક ક્ષેત્રમાં પરિવર્તનનો પાયો નાંખ્યો. આ ગાળો રાજ્યમાં શિક્ષણક્ષેત્રના ઇતિહાસનો સુવર્ણયુગ ગણાય છે. પટનાયકની પહેલથી ભુવનેશ્વરમાં રિજનલ કૉલેજ ઓફ એજ્યુકેશનની સ્થાપના થઈ. 1961માં રાઉરકેલમાં રિજનલ એન્જિનિયરિંગ કૉલેજની સ્થાપના થઈ, ઓડિશા કૃષિ અને ટૅકનૉલૉજી યુનિવર્સિટીની સ્થાપના થઈ. સાથે સાથે કેન્દ્રમાં નેહરુ સરકારે પારાદીપ પોર્ટ બનાવવામાં રસ ન લીધો એ સમયે પોતાની રીતે નાણાકીય સંસાધનો એકત્ર કરીને પટનાયકે આ પોર્ટનું નિર્માણ કર્યું અને 1966માં પારાદીપ પોર્ટ કાર્યરત કરી દીધું. આ તમામ કારણોસર ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે હંમેશા પટનાયકની અવગણના કરી.
અધૂરામાં પૂરું વર્ષ 1967માં કૉંગ્રેસનું પ્રાદેશિક રાજ્યોમાં પતન શરૂ થયું, જેમાં એક રાજ્ય ઓડિશા હતું. ઓડિશામાં કૉંગ્રેસ અને બીજુ પટનાયક બંનેનો વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો. વર્ષ 1967માં ઓડિશામાં સ્વતંત્ર-જન કૉંગ્રેસની સંયુક્ત મોરચાની સરકારની રચના થઈ. વર્ષ 1969માં કૉંગ્રેસનું વિભાજન થયું. મે, 1970માં બીજુ પટનાયકે પોતાના અનુયાયીઓ સાથે કૉંગ્રેસ છોડીને પ્રાદેશિક પક્ષ ઉત્કલ કૉંગ્રેસની રચના કરી. વર્ષ 1971ની વિધાનસભાની ચૂંટણીમાં બીજુ પટનાયક અને સ્વતંત્ર પક્ષના નેતા આર. એન. સિંહ દેવે જોડાણ કર્યું. તેમણે સંયુક્ત મોરચાનું નિર્માણ કર્યું અને પીઢ નેતા બિશ્વનાથ દાસ મુખ્યમંત્રી બન્યા.
પટનાયકે કટોકટીનો વિરોધ કર્યો અને મિસા હેઠળ પ્રથમ ધરપકડ થયેલા નેતાઓમાં સામેલ થયા. કટોકટીનો કાળ હરિયાણામાં રોહતક જેલમાં પસાર કર્યો. વર્ષ 1977ની ચૂંટણીમાં તેઓ લોકસભામાં કેન્દ્રપાડાનાં સાંસદ તરીકે ચૂંટાયા અને મોરારજી દેસાઈ સરકારમાં સ્ટીલ અને ખાણ મંત્રી બન્યા. પછી જનતા દળમાં સામેલ થયા. વર્ષ 1980માં તેઓ ફરી લોકસભાના સાંસદ બન્યા. વર્ષ 1985માં તેમણે સંસદમાંથી રાજીનામું આપ્યું અને વિધાનસભાની બેઠક જાળવી રાખીને ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા.
જ્યારે વી પી સિંહે મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી, ત્યારે બીજુ પટનાયકે જાહેરમાં તેનો વિરોધ કર્યો. જોકે ઓડિશા અને દેશના પ્રબુદ્ધ વર્ગમાં બીજુ પટનાયકની લોકપ્રિયતાને કારણે જનતા દળના એક પણ નેતામાં તેમનો વિરોધ કરવાની ક્ષમતા નહોતી. 5 માર્ચ, 1990ના રોજ વિધાનસભાની ચૂંટણીમાં જનાત દળે ઓડિશામાં બહુમતી મેળવી અને તેઓ 1995 સુધી બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 1995માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો. વર્ષ 1996ની લોકસભાની ચૂંટણીમાં ગંજલ જિલ્લાની અસ્કા અને કટક સદર એમ બંને બેઠકો પરથી વિજય મેળવ્યો. જોકે તેમને રાજકારણમાંથી ધીમે ધીમે રસ ઊડી ગયો હતો. 17 એપ્રિલ, 1997ના રોજ બીજુ પટનાયકનું દિલ્હીમાં અવસાન થયું અને તેમના અંતિમ સંસ્કાર પુરીમાં ભગવાન જગન્નાથના મંદિરની નજીક કરવામાં આવ્યા.
કેયૂર કોટક