પટણા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો, જિલ્લામથક અને શહેર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 25 25´ ઉ. અ. અને 85 10´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેનો વિસ્તાર 3,202 ચો.કિમી. છે. આ જિલ્લાનો સમાવેશ પટણા વિભાગમાં થાય છે. આ જિલ્લાની પશ્ચિમે શોણ નદી, ઉત્તરે ગંગા નદી, દક્ષિણે જહાનાબાદ અને પૂર્વે બેગુસરાઈ જિલ્લા આવેલા છે.
આ જિલ્લો મધ્ય ગંગાના મેદાની વિસ્તારમાં આવેલો છે. આ મેદાન મોટે ભાગે સમુદ્ર સપાટીથી 50 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતું નથી. આ મેદાનો કાંપ-માટીથી નિર્મિત હોવાથી તે ફળદ્રૂપ છે. આ મેદાનો ‘દોઆબ’ તરીકે ઓળખાય છે.
આ જિલ્લાની આબોહવા મધ્યમ-તાપીય પ્રકારની કહી શકાય. આબોહવાની વિશેષતા એ છે કે શિયાળો પ્રમાણમાં શુષ્ક રહે છે. ડિસેમ્બર-જાન્યુઆરી માસ એટલે કે શિયાળા દરમિયાન તાપમાન 18થી 20 સે. જ્યારે મે-જૂન માસ એટલે કે ઉનાળામાં તાપમાન 26થી 41 સે. રહે છે. વર્ષાઋતુ દરમિયાન વરસાદ 1000 મિમી.થી 2000 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : આ જિલ્લાની જમીન ખદર અથવા નવા કાંપની કહેવામાં આવે છે. દર વર્ષે પૂરના કારણે જમીનનું નવું સ્તર નિર્માણ પામે છે. પરિણામે જમીનની ફળદ્રૂપતા બની રહે છે. આ માટીનો રંગ આછો હોય છે જેમાં ચૂનાનાં તત્ત્વો ખૂબ ઓછાં હોય છે. કાંપ-માટીને કારણે ચીકાશનું પ્રમાણ અધિક હોય છે. જેથી તેમાં ભેજધારણ ક્ષમતા વધુ હોય છે. આથી આ જિલ્લાના લોકોની પ્રવૃત્તિ ખેતી છે. શોણ અને ગંગા નદીના જળનો પુરવઠો પૂરતો હોવાથી ખાદ્યાન્ન પાકોની ખેતી વધુ થાય છે. આ જમીનમાં ઘઉં, ડાંગર, જવ, મકાઈ, બાજરીની ખેતી થાય છે. રોકડિયા પાકમાં શેરડી, તમાકુ, તેલીબિયાં અને શણ છે. શાકભાજી અને ફળોની ખેતી થાય છે. તરબૂચની ખેતી ઉપર વિશેષ ભાર મુકાયો છે.
અહીં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં જોવા મળતી વનસ્પતિ ઊગે છે. પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, કુસુમ વગેરે વૃક્ષો જોવા મળે છે. જમીનવિહોણા લોકો જંગલપેદાશોને આધારે પોતાની રોજી-રોટી મેળવે છે. ખેતીની પ્રવૃત્તિ મુખ્ય તેમજ તેને આધારે પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસેલી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાદીનાં કપડાં બનાવવાની, હૅન્ડલૂમ કાપડ બનાવવાની નાની ફૅક્ટરીઓ આવેલી છે. ચર્મઉદ્યોગને કારણે ચંપલ, પાકીટ, પટ્ટા વગેરે ચીજવસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ પણ વિકસ્યો છે. આ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ વધુ હોવાથી ‘Backward Regions Grant Fund’ના આધારે કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 30 અને 83 પસાર થાય છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો અને જિલ્લા માર્ગો પણ આવેલા છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી 2011 મુજબ 58,38,465 છે. અહીં સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 897 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 70.86% છે. આશરે 43% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિઓનું પ્રમાણ અનુક્રમે 15.77% અને 0.15% છે. અહીં મધાહી, હિન્દી, ઉર્દૂ, ભોજપુરી અને મૈથિલી ભાષા વધુ બોલાય છે. જેમાં મધાહી ભાષા બોલનારાની ટકાવારી 46% અને હિન્દી ભાષા બોલનારાની 43.77% છે. ભારતના સૌથી ગીચ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં આ જિલ્લાનો ક્રમ પંદરમો છે. આ જિલ્લાને મુખ્યત્વે છ તાલુકામાં વિભાજિત કરેલ છે.
પટણા (શહેર) : વિશ્વમાં સૌથી પ્રાચીન વસ્તી ધરાવતાં સ્થળોમાંનું આ એક છે.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ શહેર 25 20´ ઉ. અ. અને 85 30´ પૂ. રે. પર સ્થિત છે. તે ગંગાના મેદાની પ્રદેશમાં નદીના દક્ષિણ કિનારે કાંપ નિક્ષેપિત પગથી (terrace) પર વસેલું છે. જે વિશિષ્ટ રેખાત્મક આકાર ધરાવે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 20 કિમી. જેટલી અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 2 કિમી. જેટલી છે. જે સરેરાશ 53 મીટરની ઊંચાઈ ધરાવે છે. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ભવિષ્યમાં આ શહેર ગંગા નદી અને શોણ નદીના કાંપ-માટીના પુરાણને કારણે નાશ પામશે.
અહીં કાંપ-માટીનાં મેદાનો જ આવેલાં છે. જંગલો આવેલાં નથી. સમગ્ર ભૂમિવિસ્તાર સમતળ છે. ભાગ્યે જ અહીં એક કિલોમીટરે એક ઇંચનો ઢોળાવ જોવા મળતો હોય. પરિણામે નદીઓને કારણે આવતા પૂરનું પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે. આથી ચોમાસાની ઋતુમાં રોગચાળાનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળાની ઋતુ માર્ચથી જૂન જે સમયે તાપમાન 40 સે.ની આસપાસ રહે છે. જ્યારે શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરીનો ગણાય છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 9 સે.થી 11 સે. અનુભવાય છે. વર્ષાઋતુ જુલાઈથી સપ્ટેમ્બર માસ ગણાય છે. વરસાદ સરેરાશ 200 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : લગભગ 17મી સદીથી આ શહેર આંતરરાષ્ટ્રીય વેપાર અને ખેતીકીય પાકો તેમજ કાપડઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું. આ શહેરમાંથી મોટા પાયે અનાજ, શેરડી, સીસમ લાકડું અને પટનાની ડાંગરની નિકાસ થાય છે. અહીં ખાંડની મિલો, શહેરની આસપાસ અધિક પ્રમાણમાં આવેલી છે. પૂર્વ ભારતનું મોજશોખની વસ્તુઓ માટે આ શહેર જાણીતું છે. અહીં વિવિધ ચીજવસ્તુઓ બનાવવાના એકમો આવેલા છે. જેમાં હીરો સાઇકલ, બ્રિટાનિયા બિસ્કિટ, પેપ્સી કોલ્ડ્રિંક્સ, સોનાલિકા ટ્રૅકટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરે છે. ફટુઆ ખાતે ચર્મ ઉદ્યોગની સૌથી મોટી ફૅક્ટરી આવેલી છે. અહીં સંદેશાવ્યવહાર સંબંધી એકમો આવેલા છે.
આ સિવાય સુતરાઉ કાપડની મિલો, પ્લાસ્ટિક પાઇપ, કૃષિસાધનો, તારનાં દોરડાં બનાવતા એકમો છે. ગાલીચા-શેતરંજીઓ, તિજોરીના કાચ, સિરામિક, પિત્તળની ચીજો, રમકડાં, દારૂખાનું, સોના-ચાંદીના દાગીના, ભરતગૂંથણ તેમજ લાખની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં આવેલાં છે. પટણાથી થોડેક દૂર પાટલિપુત્ર નામની ઔદ્યોગિક વસાહત આવેલી છે.
પરિવહન : આ શહેરની દક્ષિણે રાષ્ટ્રીય પૂર્વ-પશ્ચિમ ધોરી માર્ગ આવેલો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 30, 31, 19, 83 અને 2 આ શહેરમાંથી પસાર થાય છે. અહીં અશોક રાજપથ, પટના-દાનાપુર રોડ, બૈલી રોડ, હાર્ડિંગ રોડ અને કનકરબાગ રોડ પણ આવેલા છે. ભારતમાં ફક્ત આ જ શહેરમાં ઘોડા દ્વારા ચાલતી ટ્રામ આવેલી છે. જેનો આજે પણ પરિવહન માટે ઉપયોગ થાય છે. અહીં બસ, રિક્ષા, લોકલ ટ્રેન તેમજ BSRTC સેવાનો પ્રારંભ થયો છે. છાપરાથી પટના 70 કિમી. દૂર છે. આ શહેર ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રાજ્ય ધોરી માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. એશિયાનો સૌથી લાંબો નદી બ્રિજ ‘મહાત્મા ગાંધી સેતુ’ આવેલો છે. જે ગંગા નદી ઉપર બંધાયો છે. આ બ્રિજને સમાંતર છ માર્ગીય બીજો પુલ નિર્માણ પામી રહ્યો છે. બિહાર રાજ્યનાં મોટાં શહેરો સાથે પટના વિવિધ માર્ગોથી જોડાયેલું છે. અહીં બિહાર રાજ્ય પરિવહનની બસોની સગવડ ઉપલબ્ધ છે.
પટણાનું જંકશન રેલવેસ્ટેશન એ સૌથી વધુ કાર્યરત સ્ટેશનોમાંનું એક છે. દેશનાં મુખ્ય શહેરો સાથે પટણા રેલમાર્ગથી જોડાયેલું છે. અહીં વધારાનાં રેલવેસ્ટેશનો આવેલાં છે જેમાં રાજેન્દ્રનગર ટર્મિનલ, પાટલિપુત્ર જંકશન, દાનપુર અને પટના સાહિબ મુખ્ય છે. ગયા, જેહાનાબાદ, બિહારશરીફ, રાજગીર, ઇસ્લામપુર સાથે દૈનિક ટ્રેનોથી તે જોડાયેલું છે. ભારતનો સૌથી લાંબો ‘રોડ-કમ-રેલ’ બ્રિજ પણ આવેલો છે. ‘પટણા મેટ્રો’ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે. મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં ’મોનોરેલ’ પણ ચાલી રહી છે.
પટણા મહત્ત્વનું આંતરરાજ્ય જળમાર્ગનું મથક છે. અહીં રાષ્ટ્રીય જળમાર્ગ-1 જે ગઈ ઘાટ પાસે આવેલ છે. આ આંતરદેશીય જળમાર્ગ જે ભારતનો સૌથી લાંબો જળમાર્ગ છે. તેની લંબાઈ 1620 કિમી. છે. તે ગંગા નદીમાં બારેમાસ નૌકાનયન ચાલે છે. આજે તો પાટલિપુત્રથી બંગાળના ઉપસાગર સુધી માલસામાનની હેરફેર થાય છે. અહીંથી વિવિધ સામગ્રીની નિકાસ દ. પૂ. એશિયાના દેશો અને શ્રીલંકા ખાતે થાય છે.
પટણા ખાતે ‘જયપ્રકાશ નારાયણ ઍરપૉર્ટ’ આવેલું છે, જે ‘લોકનાયક જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ તરીકે ઓળખાય છે. ‘બિહાર ઍરફોર્સ સ્ટેશન’ જે નવા હવાઈ મથક તરીકે પણ ઉપયોગી બન્યું છે.
પ્રવાસન : પટણા ખાતે ‘ગોળઘસ’ જેનું બાંધકામ 1786માં બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ કર્યું હતું. ‘સભ્યતા દ્વાર’, બોધ ગયા, અશોક સમયનાં સ્થાપત્યો જેમાં કુમહરર(Kumhrar), અગમકુઆન, મોર્ય કાળના ‘દીદરગંજ યાકશી’ પણ છે. શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહની યાદ સાથે સંકળાયેલું શીખ-ટેમ્પલ, પાંચ ગુરુદ્વાર, પદરીની હવેલી, સુલતાન પૅલેસ, બુદ્ધ સ્મૃતિ પાર્ક, પટણા પ્લૅનેટોરિયમ, સંજય ગાંધી જૈવિક ઉદ્યાન, રાજભવન આવેલ છે. પટણાના પશ્ચિમ ભાગમાં વિવિધ સંસ્થાઓ, કચેરીઓ અને શિક્ષણનાં કેન્દ્રો આવેલાં છે. અહીં યુનિવર્સિટીઓ, કૉલેજો, હૉસ્પિટલ, હાઈકોર્ટ, સચિવાયલ, ગવર્નમેન્ટ હાઉસ, ઍસેમ્બ્લી ચેમ્બર્સ, ઓરિયેન્ટલ લાઇબ્રેરી, ઇજનેરી અને મેડિકલ કૉલેજ આવેલી છે. પટણા યુનિવર્સિટી અને નાલંદા યુનિવર્સિટી જાણીતી છે.
વસ્તી : આ શહેરની વસ્તી (2011 મુજબ) 16 લાખ 80 હજાર છે. બૃહદ શહેરની વસ્તી સાથે 20 લાખ થવા જાય છે. સાક્ષરતાનું પ્રમાણ 83.37% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 885 મહિલાઓ છે. પૂર્વ ભારતમાં મોટાં શહેરોમાં પટણાનો ક્રમ દ્વિતીય આવે છે. અહીં બેકારીનું પ્રમાણ 34.6% છે. કુલ વસ્તીના 0.25% લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. અહીં હિન્દુઓની વસ્તીની ટકાવારી 86.39 છે. ત્યાર બાદ મુસ્લિમોની વસ્તી 12.27% છે. આ સિવાય ક્રિશ્ચિયન, જૈન, શીખ અને બૌદ્ધ લોકો પણ વસે છે. આ શહેરમાં બોલાતી ભાષામાં હિન્દી 65.94%, મધાઈ 18.04%, ઉર્દૂ 9.67%, ભોજપુરી 3.19%, મૈથિલી 1.37% તેમજ પંજાબી અને અંગીકા પણ છે. આ સિવાય પ્રાદેશિક ભાષાઓ પણ બોલાય છે.
પ્રદૂષણનો પ્રશ્ન આ શહેર માટે સૌથી મહત્ત્વનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે ભારતનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં પટણાનો ક્રમ બીજો આવે છે, જેને પરિણામે અહીં ફેફસાંનાં કૅન્સર, અસ્થમા, ડાયેરિયા વગેરે રોગોનું પ્રમાણ અધિક છે.
ઇતિહાસ : પટણાનો પ્રાચીન ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. તેનું જૂનું નામ પાટલિપુત્ર હતું. બિહારનો એક ભાગ ગણાતા મગધના તત્કાલીન રાજા અજાતશત્રુએ ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં અહીં પાટલિપુત્રની સ્થાપના કરેલી. ઉદય (ઉદયન) નામના તેના પુત્રે આ પાટલિપુત્રને પાટનગર બનાવ્યું, જે ઈ. સ. પૂર્વેની પહેલી સદી સુધી પાટનગર તરીકે રહ્યું. આ દરમિયાન ઈ. સ. પૂર્વે 323માં ચાણક્યની મુત્સદ્દીભરી દોરવણી હેઠળ નંદવંશનું નિકંદન કાઢીને ચંદ્રગુપ્તે મૌર્યવંશની સ્થાપના કરી અને ભારતના ઘણા ભાગો પર પોતાની રાજ્યસત્તાનો વિસ્તાર કર્યો. તેના પૌત્ર અશોકે રાજ્યના વધુ વિસ્તરણ ઉપરાંત રાજનીતિ અને ધર્મનો સમન્વય સાધી, બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. ઈ. સ. પૂર્વેની ત્રીજી અને બીજી શતાબ્દી દરમિયાન અહીં મૌર્યવંશની સત્તા રહી. ઈ. સ. પૂર્વે 185માં તેનો અંત આવ્યો. ત્યારપછી ઈ. સ. પૂર્વે 73 સુધી અહીં શુંગ વંશનું રાજ્ય રહ્યું. તે પછીના સમયમાં, ચોથીથી છઠ્ઠી શતાબ્દી દરમિયાન ગુપ્તવંશના પ્રતાપી રાજાઓ-સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત – થઈ ગયા. આ ગાળામાં રાજકીય એકતા અને પ્રજાની ઉન્નતિ ઉપરાંત સાહિત્ય, સ્થાપત્ય, વિદ્યા અને લલિતકળાઓનો વિકાસ સધાયો, તેથી ગુપ્તકાળને ‘સુવર્ણકાળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમગ્ર કાળ દરમિયાન પાટલિપુત્ર ભારતમાં વિદ્યાધામ બની રહેલું. પરંતુ સાતમી શતાબ્દી દરમિયાન ગુપ્તવંશનું વર્ચસ ઘટી ગયું. પાટલિપુત્ર તે પછીના ઘણા લાંબા કાળે, 1541માં અફઘાનોના તાબામાં આવ્યું અને પટણા બન્યું. મુઘલ સામ્રાજ્ય દરમિયાન તે ફરીથી સમૃદ્ધિ પામ્યું. 1765માં તે બ્રિટિશ શાસન હેઠળ મુકાયું. આ રીતે જોતાં, પાટલિપુત્ર (આજનું પટણા) પ્રાચીન સમયથી ભારતનાં ભવ્ય નગરો પૈકીનું એક હતું, એટલું જ નહિ; પરંતુ તે રાજકીય, વ્યાપારિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ રહ્યું છે.
બીજલ પરમાર
નીતિન કોઠારી