પક્ષપલટો : સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષનો ત્યાગ કરી બીજા પક્ષમાં જોડાવું તે. અલબત્ત, રાજકીય પક્ષની ફેરબદલી બે સ્વરૂપની હોઈ શકે :
(1) સિદ્ધાંતનિષ્ઠ યા વિધેયાત્મક ફેરબદલી. વ્યક્તિ કોઈ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલી હોય અને વ્યક્તિના રાજકીય વિચારોમાં પરિવર્તન આવે ત્યારે મૂળ પક્ષમાંથી રાજીનામું આપી તે અન્ય પક્ષમાં જોડાય અથવા કોઈ પણ રાજકીય પક્ષની વિચારધારા કે નીતિ બદલાય ત્યારે તેના કેટલાક સભ્યો મૂળ પક્ષ છોડી બીજા પક્ષમાં જાય તે વિધેયાત્મક કે સિદ્ધાંતનિષ્ઠ પક્ષપલટો કહેવાય. આ પ્રકારનો પક્ષપલટો વિચારપરિવર્તન જેટલો જ સહજ, તંદુરસ્ત અને સ્વીકાર્ય ગણી શકાય. સામાન્ય રીતે લોકશાહીમાં આ પ્રકારનું પક્ષાંતર માન્ય અને સર્વસ્વીકાર્ય હોય છે.
(2) પક્ષપલટાનું બીજું સ્વરૂપ છે અંગત કે રાજકીય લાભના કારણસર પક્ષ બદલવો તે. વ્યક્તિ જે રાજકીય પક્ષના નામ પર ચૂંટાઈને ધારાસભા કે સંસદની સભ્ય બની હોય તે પક્ષને પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ મેળવવાના આશયથી છોડી દઈ જ્યાં આવા લાભ મળવાની સંભાવના હોય તે રાજકીય પક્ષમાં જોડાય ત્યારે તે વિધેયાત્મક કે સિદ્ધાંતનિષ્ઠ પક્ષપલટો ગણાય નહિ. આવો પક્ષપલટો સાંપ્રત ભારતીય રાજકારણનું એક આગવું લક્ષણ અને દૂષણ બની ગયું છે.
ઉપર દર્શાવેલ બીજા અર્થમાં પક્ષપલટાનો પ્રારંભ 1952થી થયેલો જણાય છે. આ વર્ષમાં ચેન્નાઈ રાજ્યમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળતા મળી હતી, છતાં વિરોધપક્ષોના 16 ધારાસભ્યોના પક્ષપલટાને કારણે તે રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સરકાર રચવામાં આવેલી. 1952થી 1966 દરમિયાન વેરવિખેર રીતે પેપ્સુ, ઉત્તરપ્રદેશ, આંધ્ર, કેરળ અને ઓરિસા જેવાં રાજ્યોમાં પક્ષપલટાનું રાજકારણ ખેલાયું હતું.
1967 પછી પક્ષપલટાની ઘટનાઓ વધુ વ્યાપક રીતે બનવા લાગી, જેનો આરંભ બિહારથી થયો, જેમાં પક્ષપલટાને કારણે ઑક્ટોબર – 1967માં બી. પી. મંડલની સરકારની અને માર્ચ, 1968માં ભોલા પાસવાન શાસ્ત્રીની સંયુક્ત સરકારની રચના થઈ. ત્યારબાદ હરિયાણા, મધ્યપ્રદેશ, મણિપુર, પુદુચેરી, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ – આ બધાં રાજ્યોમાં 1968 સુધીમાં મોટી સંખ્યામાં પક્ષપલટા થયા અને તેને લીધે ત્યાંની સરકારો અસ્થિર બનવા લાગી. પક્ષપલટાના આ વ્યાપક દૂષણને કારણે ઊભી થતી રાજકીય અસ્થિરતા સામે વિરોધ શરૂ થયો અને પક્ષપલટાવિરોધી ખરડો 1985ની 30મી જાન્યુઆરીના રોજ લોકસભાએ સર્વસંમતિથી મંજૂર કર્યો અને બીજે જ દિવસે (31મી જાન્યુઆરીએ) રાજ્યસભાએ મંજૂર કર્યો. દેશની સંસદીય લોકશાહીએ ભરેલું આ ઐતિહાસિક પગલું હતું. 1985ની 1લી માર્ચથી તેનો અમલ શરૂ થયો. 1985માં 52મા બંધારણીય સુધારાના સ્વરૂપે અને 10મા પરિશિષ્ટ રૂપે પક્ષપલટાવિરોધી કાયદો બંધારણમાં આમેજ થયો.
1985ના પક્ષપલટાવિરોધી કાયદા અનુસાર જે રાજકીય પક્ષના નેજા હેઠળ ધારાસભ્ય અથવા સાંસદ ચૂંટાયો હોય તે રાજકીય પક્ષ છોડી દઈ જો કોઈ સભ્ય અન્ય પક્ષમાં જોડાય તો તે ‘પક્ષપલટો’ ગણાય અને તેમ થાય તો પક્ષપલટો કરનાર સભ્ય જે તે ગૃહનું સભ્યપદ ગુમાવે છે એવી જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ સભ્યના પક્ષપલટાના કૃત્ય અંગે તો ગૃહના અધ્યક્ષનો નિર્ણય આખરી ગણવામાં આવે છે. પક્ષપલટાના કાયદા મુજબ પક્ષપલટા અંગેની બાબતો અદાલતના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવી છે. ત્રીજું, પક્ષના ચૂંટાયેલા કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા એકતૃતીયાંશ સભ્યો પક્ષ બદલવાનો નિર્ણય કરે અને સામૂહિક રીતે પક્ષ બદલે તો તે પક્ષપલટો ગણાતો નથી, પણ પક્ષમાં ભાગલા પડવાની ઘટના છે એમ ગણી તેને માન્ય રાખવી તેવી જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે.
રક્ષા મ. વ્યાસ