પંડ્યા, શિવ (જ. 1928, વસો, ખેડા; અ. 14 જુલાઈ 1978, અમદાવાદ) : ગુજરાતના વ્યંગચિત્રકાર અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસો અને નડિયાદમાં. અમદાવાદમાં રવિશંકર રાવળના ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં કલાશિક્ષણ પામ્યા. પછી વર્તમાનપત્રોમાં વ્યંગચિત્રકાર તરીકે કામ કર્યું. મુખ્યત્વે મૃત્યુની અનુભૂતિને વ્યક્ત કરતી રચનાઓનો એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ 1979માં પ્રગટ થયો.
અમદાવાદના ‘પ્રભાત’ તથા મુંબઈના ‘વંદેમાતરમ્’, ‘રમકડું’ ‘ચિત્રલેખા’ વગેરેમાં તેમણે ચોટદાર કટાક્ષચિત્રો આપ્યાં. ‘રમકડું’માં એમની ‘ચીચુકાકા’ નામની ચિત્રવાર્તાએ ઘણું આકર્ષણ જમાવેલું. પછીથી ‘ઝગમગ’માં ‘ચીચુકાકા’ ચિત્રવાર્તા આગળ ચાલી.
આમ મુંબઈમાં પગભર થઈ ગયા છતાં તેઓ અમદાવાદ આવતા રહ્યા અને ‘ગુજરાત સમાચાર’માં જોડાઈને ‘ચીચુકાકા’ ચિત્રવાર્તાને આગળ ચલાવી. એ પછી તે ‘સંદેશ’માં જોડાયા અને પછીનાં 17 વરસ ‘જનસત્તા’માં જોડાયા. ‘જનસત્તા’માં રાજકીય બનાવો પરનાં દૈનિક કટાક્ષચિત્રો ઉપરાંત એની સાપ્તાહિક પૂર્તિમાં પ્રકટ થતાં રહેલાં પહેલાં ‘મનતરંગ’ અને પછી ‘શિવતરંગ’ શીર્ષકનાં વ્યંગચિત્રો લોકપ્રિય બની રહેલાં. પછીથી એ બંને નામે એ વ્યંગચિત્રોના સંગ્રહો પણ પ્રકટ થયેલા. આ ઉપરાંત તેમણે અનેક પુસ્તકોનાં વાર્તાચિત્રો અને આવરણચિત્રો પણ તૈયાર કર્યાં હતાં.
કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે યોજાતા વિશ્વ કાર્ટૂન-મેળામાં એમનાં કટાક્ષચિત્રો રજૂ થયેલાં. ઍથેન્સમાં ભરાયેલા ફાસિઝમ-વિરોધી કાર્ટૂનોના પ્રદર્શનમાં પણ એમણે ભાગ લીધેલો. નર્મદથી શરૂ કરીને નિરંજન ભગત સુધીના ગુજરાતના 52 જેટલા સાહિત્યકારોનાં એમણે ઠઠ્ઠાચિત્રો (caricatures) પણ કર્યાં જે સંગ્રહ રૂપે પણ પ્રકટ થઈ ચૂક્યાં છે. ‘ચૂંચુ અને ચાંદો’ તથા ‘માંકડાની મુસીબત’ નામની બે રંગીન બાલચિત્રકથાઓ પણ એમણે તૈયાર કરી હતી. એમનાં કાવ્યો ‘સંસ્કૃતિ’, ‘સમર્પણ’, ‘કવિતા’ અને ‘સાહિત્ય’ જેવાં સામયિકોમાં છપાયાં હતાં.
રમણલાલ જોશી
અમિતાભ મડિયા
બંસીધર શુક્લ