પંડ્યા, વસંતરાય ગૌરીશંકર (જ. 8 જુલાઈ, 1926, તળાજા, જિ. ભાવનગર) : સંસ્કૃતના એક સંનિષ્ઠ પ્રાધ્યાપક. શૈશવકાળથી જ તેમને પિતા પાસેથી સંસ્કૃત તરફ અભિમુખ થવાના સંસ્કારો મળ્યા. તેમનો વિદ્યાકાળ તેજસ્વી રહ્યો. 1948માં સંસ્કૃત સાથે શામળદાસ આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ઑનર્સની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને મેળવી. 1951માં એમ.એ.ની પદવી મેળવી. એમ.એ.ના અધ્યયન સાથે ફેલોશિપ મેળવી હોવાથી અધ્યાપનના પણ શ્રીગણેશ કરી દીધા હતા. પુણેની ડેક્કન કૉલેજમાં એ જ સાલથી સંશોધન-મદદનીશ તરીકે કાર્ય શરૂ કર્યું. પછીના વર્ષથી સરકારી કૉલેજોમાં વ્યાખ્યાતા તરીકે અધ્યાપન શરૂ કર્યું. આમાં વિસનગરની એમ.એન. કૉલેજ અને ત્યારપછી અમદાવાદની ગુજરાત કૉલેજને અધ્યાપનસેવા આપી. 1970થી 1984 દરમિયાન ગાંધીનગરની સરકારી કૉલેજમાં સેવા આપી. અહીંથી 1984માં તેઓ સેવાનિૃવત્ત થયા. તેમણે અઢી દાયકા પર્યંત અનુસ્નાતક અધ્યાપન કર્યું. અધ્યાપનના પરિપાકરૂપ અભ્યાસલેખોમાં એમનું વિદ્યાસંવિત્ પ્રગટ થયું છે. પાઠ્યપુસ્તકો અને કૉલેજ મૅગેઝિનોનાં સંપાદનકાર્યો સંભાળ્યાં. શાળા પાઠ્યપુસ્તક મંડળને પરામર્શનની સેવા પણ આપી.
નમ્રતા, સિદ્ધાંતપ્રિયતા, અભ્યાસનિષ્ઠા, અદભુત વક્તૃત્વ આ બધાંને કારણે શિક્ષણ સમાજમાં અનહદ સન્માન અને પ્રીતિ એમને મળ્યાં છે. વર્ષ 2000-2001માં સંસ્કૃત વિષયમાં ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા છે. હાલ ગાંધીનગરમાં વિદ્યમાન છે.
રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા