પંડ્યા, રમેશ મંગુલાલ (જ. 1930, સૂરત; અ. 23 મે 2019, વડોદરા) : ગુજરાતના ચિત્રકાર. બાળપણ સૂરત અને ચાંદોદમાં વીત્યું. હાઈસ્કૂલ દરમિયાન પોતે કરેલાં ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળને બતાવતાં તેમની પ્રેરણાથી વડોદરામાં તે વખતે તાજેતરમાં જ સ્થપાયેલી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1951માં જોડાયા. અહીં માર્કંડ ભટ્ટ, એન. એસ. બેન્દ્રે અને કે. જી. સુબ્રમણ્યન્ જેવા રાષ્ટ્રકક્ષાના કળાકારોના માર્ગદર્શન નીચે તેમણે ચિત્રકળાનો સ્નાતક-અભ્યાસક્રમ પૂરો કર્યો અને 1955માં અહીં જ ચિત્રકળાના વ્યાખ્યાતા નિમાયા.
તેમનું સૌથી મહત્વનું યોગદાન મ્યુરલ – ભીંતચિત્રના ક્ષેત્રે રહ્યું છે. 1953માં જ્યોતિ ભટ્ટના સાથમાં વડોદરાના જ્યોતિ લિમિટેડમાં તેમણે બે મ્યુરલ કર્યાં. આ પછી 1960માં દિલ્હીના પાર્લમેન્ટ હાઉસમાં ટેમ્પરા માધ્યમમાં તેમણે એકલે હાથે મ્યુરલ કર્યું. 1962-63માં લખનૌની રવીન્દ્ર રંગશાળામાં ફીરોઝ કાટપીટિયા અને જ્યોતિ ભટ્ટના સાથમાં કે. જી. સુબ્રમણ્યન્ની ડિઝાઇન પરથી સિરૅમિક માટીમાં મ્યુરલ તૈયાર કર્યું. 1969માં ગાંધી શતાબ્દી વર્ષ નિમિત્તે ભારત સરકાર માટે ‘અસ્પૃશ્યતાનિવારણ’, ‘ગાંધીજીનાં પારણાં’ અને ‘રાષ્ટ્રીય એકતા’ એમ કુલ 3 ચિત્રો તૈયાર કર્યાં. આ પછી 1992-93માં ગાંધીનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરઅક્ષરધામમાં એક વિશાળ મ્યુરલ પોતાના શિષ્યવૃંદના સાથથી તેમણે તૈયાર કર્યું.
આ ઉપરાંત મધ્યકાલીન મ્યુરલના દસ્તાવેજીકરણનું મહત્વનું કાર્ય પણ તેમણે કર્યું છે. તેમાં નર્મદાકિનારે આવેલા ચાંદોદ અને હાંફેશ્વરનાં મંદિરોનાં મ્યુરલ નોંધપાત્ર છે.
તેમણે વડોદરામાં 1970, ’72 અને ’80માં પ્રદર્શનો યોજ્યાં હતાં. મુંબઈમાં 1970 અને ’72માં, અમદાવાદમાં ’80માં, ઇન્દોરમાં ’81માં તથા ઇલિનૉઇ-અમેરિકામાં 1979માં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં હતાં. સામૂહિક પ્રદર્શનોમાં પણ તેમણે ભાગ લીધો છે. 1977માં અમેરિકાની ઇલિનૉઇ સ્ટેટ યુનિવર્સિટીમાં બે વરસ માટે ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ તરીકે તેઓ ભણવા ગયેલા; તે દરમિયાન તેમણે ત્યાં ખંડસમયના વ્યાખ્યાતા તરીકે પણ કામ કર્યું હતું. 1991માં નિવૃત્તિ મેળવ્યા બાદ તેઓ ગુજરાતનાં મધ્યકાલીન મ્યુરલના દસ્તાવેજીકરણ અને સંશોધનના ક્ષેત્રે કાર્યરત છે. 1991-92માં રમેશભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં ગુજરાતના પરંપરાગત લોકજીવનને રજૂ કરતા અને ભગવાન સ્વામિનારાયણના જીવનના વિવિધ પ્રસંગો દર્શાવતા મ્યુરલો(ભીંતચિત્રો) આલેખ્યા છે.
1993-94માં તેમને મિનિસ્ટ્રી ઑવ્ હ્યુમન રિસૉર્સિઝ તરફથી મ્યુરલ ક્ષેત્રે સર્જનાત્મક કામ કરવા માટે ફેલોશિપ આપવામાં આવેલ. મ્યુરલ-નિર્માણ તથા ભીંતચિત્રોના સંશોધનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે. રંગમંચીય કલાક્ષેત્રે પણ તેઓ સક્રિય છે. ગુજરાત લલિત કલા અકાદમીની જેમ તેઓ ગુજરાત સંગીત-નૃત્ય-નાટ્ય અકાદમીના સભ્યપદે પણ રહી ચૂક્યા છે.
2000 પછી તેમણે રામાયણ અને મહાભારત મહાકાવ્યોના પ્રસંગોને આલેખતી દીર્ઘ ચિત્રશ્રેણીઓ ચીતરી છે, જે પ્રશંસા પામી છે. કૅન્સર સામે ઝઝૂમી જુવાનજોધ પુત્રનું 2011માં મૃત્યુ થયું, તેના વિષાદને ઓળંગી જઈને પંડ્યાએ ચિત્રસર્જન ચાલુ રાખ્યું તેમાં તેમનાં પત્ની ઉર્વશીબહેનની હૂંફ પણ સધિયારો બની જીવનના અંત લગી રમેશ પંડ્યાએ કલાસાધના ચાલુ રાખી હતી. ઉપરાંત સારાભાઈ ફાઉન્ડેશન (અમદાવાદ) માટે, વડોદરાના લક્ષ્મીનારાયણ મંદિર માટે ચિત્ર ‘સંભવામિ યુગે યુગે’, ખંભાતના સ્થાનકવાસી જૈન મકાનો માટે, નડિયાદની કિડની હૉસ્પિટલમાં, વડોદરાની વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં, હોલેન્ડ સરકારના ભારત ખાતેના ટ્રેડ ઍન્ડ બિઝનેસ સેન્ટરમાં, છોટાઉદેપુર તાલુકાના જોઝ ગામની શાળામાં, પાલિતાણા મ્યુઝિયમમાં રમેશ પંડ્યાએ ભીંતચિત્રો આલેખ્યાં છે. વડોદરાની બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં પંડ્યાનું એક ચિત્ર કાયમી રૂપે સંગૃહીત થયેલું છે.
અમિતાભ મડિયા