પંડ્યા, રજનીકુમાર (. 6 જુલાઈ 1938, જેતપુર) : ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક. બાળપણ બીલખામાં વીતાવ્યું. પિતાજી બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા એટલે રજવાડી જાહોજલાલી હતી. દેશી-રાજ્યોના વિલીનીકરણ પછી જાહોજલાલી આથમી. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું. માતા શિક્ષિત હતાં એટલે વાંચન-લેખનનો શોખ બાળપણથી.  1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અને ત્યારબાદ 1966માં તે જ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1959થી 1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 1966-89 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું.

તેમણે લેખનની શરૂઆત 1959થી કરી હતી. ટૂંકી વાર્તામાં તેમને વિશેષ રુચિ રહી છે. 1977માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ પ્રકાશિત થયો. 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી. ‘ઝબકાર’ શ્રેણીનાં પ્રસંગ આલેખનો, ઉપરાંત દૈનિકપત્રોમાં પ્રગટ થયેલ લેખોની ‘મનબિલોરી’ તથા રેખાચિત્રોની ‘ગુલમહોર’ વગેરે લોકપ્રિય કટારો તેમણે આપી.

તેમણે 1985માં નવલકથા-લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમની નવલકથાઓ ‘કોઈ પૂછે તો કહેજો’ (1988) (સંદેશમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી.), ‘ચંદ્રદાહ’ (1989-વાર્તાસંગ્રહ), ‘પરભવના પિતરાઈ’ (1991) (સાબરકાંઠાનાં આદિવાસી વિસ્તારનાં લોકસેવક નરસિંહભાઇ ભાવસારના જીવન ઉપરથી લખાયેલી નવલકથા) જેના ઉપરથી ટેલી ફિલ્મ બની. ચિત્રલેખામાં પ્રસિધ્ધ થયેલ નવલકથા ‘કુંતી’ (ભાગ 1-2, 1991)એ એમને અપાર યશ અને કીર્તિ અપાવ્યા. અધિકારી બંધુઓ અને નિમેષ દેસાઈએ તેના ઉપરથી રાષ્ટ્રીય દૂરદર્શન ઉપર હિંદીમાં ટીવી સીરીયલો બનાવી. નવલકથા ‘અવતાર’ (1992) નોંધપાત્ર છે. ‘આપકી પરછાંઈયાં’ (1955)માં સિનેસૃષ્ટિના કલાકારોનાં રેખાચિત્રો છે. ‘આત્માની અદાલત’ (1993) તેમનો વાર્તાસંગ્રહ છે.

તેમની ‘પુષ્પદાહ’ (1994) એક સાથે પાંચ અખબારોમાં પ્રકાશિત થઈ..આ નવલકથા વિશેષ નિમંત્રણથી અમેરિકા જઈને ત્યાંનાં વાસ્તવિક પાત્રો વચ્ચે રહીને તેમણે લખી છે. 1998માં વિશેષ નિમંત્રણથી આફ્રિકા જઈને મલાવીના ઉદ્યોગપતિ  સ્વ. હંસરાજ કાલરીયાનું જીવનચરિત્ર ‘હંસ પ્રકાશ’ લખ્યું. 2003માં નડિયાદનાં ઉદ્યોગપતિ ઇન્દ્રભાઈ પટેલ (ઇપ્કો વાળા)નું જીવન ચરિત્ર લખ્યું.

2000માં તેમની ષષ્ઠિપૂર્તિની ઉજવણી વખતે ઉર્વિશ કોઠારી અને બીરેન કોઠારી દ્વારા ‘રજની કુમાર- આપણા સૌના’ પ્રગટ થયુ એ સમયે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું અને તેમના વિશેનાં સંભારણા ગ્રંથમાં પ્રગટ થયાં છે.

1920માં બંધ પડેલ સામયિક વીસમી સદીનું ડિજિટલાઇઝેશન કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. જેમાં તેમને નવનીતલાલ શાહ અને ફીઝાબેન શાહનાં શ્રી હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

દેશભક્ત રાજવી શાયર રુસ્વા મઝલૂમીના જીવનનાં  કેટલાક પાંસાઓનું  સંશોધન કરી સત્ય ઉજાગર કરતા વીડીયો બનાવી અને ‘મારોય એક જમાનો હતો’ નામનુ પુસ્તક બહાર પાડ્યું.

વિસ્મૃતિની ગર્તામાં જતી રહેલ એક સમયની કોકિલ કંઠી જ્યુથીકા રૉયની સ્મૃતિ કથાનું સંપાદન કર્યુ. તેમને પ્રકાશમાં આણી તેમને સુયોગ્ય માનધન અને સન્માન અપાવ્યું. 2009માં ગુજરાતી ચલચિત્રનાં સદાબહાર નાયક ઉપેન્દ્ર ત્રિવેદીનું આત્મ કથન અને અન્ય આલેખ બહુરંગી તસ્વીરો સહિત સંપાદિત કર્યુ.

તેમના ‘ખલેલ’ તથા ‘ચંદ્રદાહ’ વાર્તાસંગ્રહો ‘કુંતી’ (ભાગ 1-2) નવલકથા, ‘ઝબકાર’ (ભાગ 5) ચરિત્રગ્રંથ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલાં છે

ગ્રામપત્રકારત્વ માટે તેમને રાજ્ય સરકારનો ઍવૉર્ડ તથા સ્ટેટ્સમૅન ઍવૉર્ડ તથા ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડ  એનાયત કરાયા છે. સવિતા વાર્તાસ્પર્ધામાં બે વાર તેમને સુવર્ણચંદ્રકો પણ એનાયત થયેલા. 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવૉર્ડ, પત્રકારિત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ ઍવૉર્ડ, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, કલકતાનાં સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

હિન્દી, મરાઠી, તમિળ તથા જર્મન ભાષાઓમાં તેમની વાર્તાઓના અનુવાદ થયેલા છે. આજે પણ એમનું લેખન ચાલુ છે. સમાજમાં સેવાક્ષેત્રે કામ કરનારના કાર્યને લેખો દ્વારા ઉજાગર કરે છે.

હિંદી, અંગ્રેજી, મરાઠી, સિંધી ભાષાઓમાં તેમનાં પુસ્તકોના અનુવાદ થયા છે. ટીવી, ફિલ્મ, ઓડીયો-બુક્સ જેવાં માધ્યમો પર તેમનાં પુસ્તકો વધુ વંચાય છે.

 

નલિની દેસાઈ