પંડ્યા ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ
January, 1999
પંડ્યા, ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ (જ. 21 નવેમ્બર 1963) : ગુજરાતના પ્રખ્યાત કથાકાર. એમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ ઈશ્વરભાઈ પંડ્યા. એમની માતાનું નામ ગોમતીબહેન. એમના દાદા ઈશ્વરભાઈ પંડ્યા ધર્મોપદેશક અને રાજવી પરિવારના જ્યોતિષી હતા. બ્રાહ્મણ-પરિવારમાં જન્મેલા ભૂપેન્દ્ર પંડ્યાનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું સૂંઢિયા ગામ છે. એમના દાદી દેવકોરબા પાસેથી બાળપણમાં એમણે રામાયણ-મહાભારત, ભાગવત, શિવપુરાણની વાર્તાઓ સાંભળી હતી એમ ધાર્મિક સંસ્કારનાં મૂળ નંખાયાં હતાં. એમની પત્નીનું નામ મનીષાબહેન. એમને બે પુત્રીઓ અને એક પુત્ર છે. સમગ્ર કુટુંબ હાલ એમની કથાયાત્રામાં સહયોગ આપે છે. પુત્રીઓનાં નામ છે – નમસ્વી અને સમક્તિ. પુત્રનું નામ દિવ્યતેજ. સમક્તિના નામથી વિવિધ સંસ્થાઓ ઊભી કરી છે, જેને દેશવિદેશમાં અનેકવિધ ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.
ભૂપેન્દ્રભાઈએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈને ઉચ્ચશિક્ષણ વિજ્ઞાનશાખામાં લીધું અને 1984માં બી.એસસી.ની ઉપાધિ મેળવી. ગણિતમાં તેમની પારંગતતા હતી. ત્યારબાદ બિઝનેસ મૅનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું. પછી કાયદાનો અભ્યાસ કર્યો; પરંતુ એમનો મૂળ રસ તો અધ્યાત્મમાં હતો. માત્ર ચૌદ વર્ષની વયે એમને અધ્યાત્મમાં રુચિ થયેલી. સ્નાતક થયા પણ પેલી મૂળ રુચિના કારણે કથા તરફ તેમનું મન વળ્યું. આજે એ જ એમની પ્રવૃત્તિ બની રહી છે. કથાપારાયણ દ્વારા સમાજનો ઉત્કર્ષ કરવો એ એમનો ઉદ્દેશ છે. ભાગવતનો એમણે ઊંડો અભ્યાસ કર્યો અને તેનું પારાયણ કરવાનો પ્રારંભ કર્યો. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર એમનું સારું પ્રભુત્વ છે. વળી અવાજમાં મીઠાશ છે. ભાગવત-પારાયણની કથા કરવા છતાં એમનો અભિગમ તદ્દન પારંપરિક રહ્યો નથી. એમની કથાશૈલીમાં રસાળતા સાથે બુદ્ધિગમ્યતા પણ વર્તાય છે. આ જ શૈલીમાં લખાયેલ શ્રીમદ્ ભાગવતની આઠ આવૃત્તિઓ થઈ છે અને ‘A Divine Journey’ નામે એનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મૂળ ગ્રંથ ઈ. સ. 2001માં પ્રસિદ્ધ થયેલો. અંગ્રેજી ગ્રંથનું બ્રેઇલ લિપિમાં પણ પ્રકાશન થયું છે. યુવાવર્ગને આકર્ષે તેવી એમની પ્રવચનશૈલીના કારણે તે વર્ગ પણ એમની કથામાં રસ લેતો હોય છે.
ભૂપેન્દ્ર પંડ્યાએ યુવાનોને અનુલક્ષીને વિવિધ પરિસંવાદો કર્યા છે. ભાષા અને વિષયના પ્રભુત્વ સાથે એમની આંખમાં અજબનું તેજ અને વાણીમાં હૂંફ વર્તાય છે; જે સહુને આકર્ષે છે, એમના વ્યવહારમાં નમ્રતા છે.
ઈ. સ. 1991થી એમની કથા-પારાયણની પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે. ઈ. સ. 2002માં એમણે ન્યૂયૉર્કમાં 5,108 પોથી સાથે પારાયણ કર્યું હતું. ‘ઈશ્વરનામ જપ’ એમની નોખી પ્રવૃત્તિ છે. સમક્તિ સેવા પરિવાર દ્વારા મંત્રપોથી પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં સવા લાખ ઈશ્વરનામ લખાય છે. 1999માં એમણે કારગીલ યુદ્ધ સંદર્ભે એમાં શહીદ થયેલ યોદ્ધાઓનાં સંતાનો માટે કથાનું આયોજન મુંબઈમાં કર્યું હતું. રક્તદાન કૅમ્પનું આયોજન પણ તેઓ કરે છે. આ બધી પ્રવૃત્તિઓ લોકકલ્યાણ અર્થે થાય છે. સામૂહિક કથાનો પ્રયોગ પણ એમણે કર્યો છે. ભાગવત કથા સાથે એમણે ગોપીગીત, ગીતા જીવનસાહિત્ય વિશે ધાર્મિક વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું છે. ગીતાના અઢાર અધ્યાયને કેન્દ્રમાં રાખીને પ્રત્યેક અધ્યાય વિશે એમણે વ્યાખ્યાન આપ્યાં છે. રામકથા પણ કરે છે. વિદેશમાં કથા કરીને હિન્દુધર્મનો પ્રચાર-પ્રસાર કરે છે.
ભાગવત વિદ્યાપીઠ, સોલા દ્વારા એમની આ ધાર્મિક લોકકલ્યાણ-પ્રવૃત્તિના અનુષંગે સન્માન થયું હતું. મોરારિબાપુના હસ્તે અમૃતા સંસ્થા દ્વારા જાહેર સન્માન પણ થયું હતું. ઈ. સ. 2003માં બ્રહ્મ સેવા ટ્રસ્ટે એમને ‘બ્રહ્મરત્ન’ ઍવૉર્ડથી નવાજ્યા હતા. ભારતીય પારંપરિક કથાને ભૂપેન્દ્ર પંડ્યા નૂતન રૂપે રજૂ કરીને નવી પેઢીને ધર્મ પ્રત્યે વાળવાનું કાર્ય કરે છે.
પ્રફુલ્લ રાવલ