પંડ્યા, જ્યોતિ હીરાલાલ (જ. 1928, ગ્વાલિયર; અ. 20 ફેબ્રુઆરી 1998, વડોદરા) : ગુજરાતનાં સ્ત્રી-ચિત્રકાર. ભાઈ વિનાયક પંડ્યા પણ ચિત્રકાર તથા બીજા ભાઈ અનંત પંડ્યા મુદ્રિત ‘કુમાર’ની પહેલાં હસ્તલિખિત ‘કુમાર’ શરૂ કરનારા જે બે મિત્રો તેમાંના એક. બાળપણમાં ઘરમાં ચિત્ર, સંગીત, નૃત્ય, નાટકનું સંસ્કારલક્ષી વાતાવરણ. કિશોર-વયમાં રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના સંપર્કમાં આવ્યાં. પ્રથમ ગુજરાતી સાથે અને પછી અંગ્રેજી સાથે એમ.એ. થયાં. ઑલ ઇંડિયા રેડિયો-દિલ્હી ખાતે વૃત્તાંત-નિવેદક તરીકે અને પછી ભાવનગરમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું.
કોઈ પણ પ્રકારની વૈધિક તાલીમ વિના જીવનની ચાલીસી વટાવ્યા પછી 1973માં ડ્રૉઇંગ શરૂ કર્યું. 1974માં મુંબઈની મુવાની ગૅલરીએ જ્યોતિબહેનનાં ચિત્રોનું એક ફરતું પ્રદર્શન યોજ્યું. 1975માં ગુજરાત રાજ્ય લલિત કલા એકૅડેમીનો ઍવૉર્ડ તથા 1979માં દિલ્હીની લલિત કલા અકાદમીનો ઍવૉર્ડ મળ્યો. 1984થી 1986 સુધી મિનિસ્ટ્રી ઑવ્ હ્યૂમન રિસૉર્સિઝના ડિપાર્ટમન્ટ ઑવ્ કલ્ચરની બે વર્ષની જુનિયર ફેલોશિપ મળી. ભોપાલ, દિલ્હી, ચંડીગઢ અને મુંબઈમાં તેમનાં ચિત્રોનાં સામૂહિક અને વૈયક્તિક એમ બે રીતે અનેક પ્રદર્શનો યોજાયાં.
જ્યોતિબહેને આરંભથી અંત સુધી કલમ અને શાહીનું માધ્યમ અપનાવ્યું. ફક્ત કાળી શાહીથી જ કલાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. ઘર, જમીન, છાપરાં, સૂકાં વૃક્ષો તેમના મુખ્ય ચિત્ર-વિષયો છે. ઘરની બારીઓ અને ઝાડના ઠૂંઠાની અવનવી સંરચનાઓ વડે તેઓ એકાકીપણાની અભિવ્યક્તિ કરે છે. માનવપાત્ર ક્યાંક ક્યાંક દેખાય, પણ તે ગૌણ બનીને આવે છે. ચિત્રોમાં ખંડો પાડીને રચના કરી વિષયાંતર કરવું એ જ્યોતિબહેનનાં ચિત્રોનું આગવું લક્ષણ છે.
વડોદરાના કલાકારોએ જ્યોતિબહેનના ભાવનગરના ઘરના નંબર પરથી ‘‘ગ્રૂપ 1890’’ નામનું ચિત્રકાર-જૂથ રચ્યું હતું. 1982થી જ્યોતિબહેને વડોદરાને ઘર બનાવ્યું હતું. જિંદગીના છેલ્લા તબક્કામાં તેઓ વિખ્યાત ચિત્રકાર જેરામ પટેલની સાથે રહેતાં હતાં.
અમિતાભ મડિયા